વિ . સં . ૧૯૯૦ માં દીક્ષા થઈ અને વિ . સં . ૧૯૯૨ માં શ્રી દાનસૂરીશ્વરજી મહારાજા કાળધર્મ પામ્યા . એ વખતે આંબેલ અને ઓળીઓનો સમય આવ્યો નહોતો . પરંતુ વિદાય એ વિદાય હોય છે . દાદાગુરુદેવે અલવિદા લીધી એનો આઘાત લાંબા સમય સુધી રહ્યો હતો .વિ.સં.ર૦૨૪માં એક પ્રચંડ આંચકો લાગ્યો હતો . પૂજ્યપાદ ગુરુદેવ કાળધર્મ પામ્યા હતા . વૈશાખ વદ એકાદશીનો દિવસ હતો . સ્વર્ગારોહણ ભૂમિ બની હતી ખંભાત નગરી . ગુરુએ જાણે અડધે રસ્તે સાથ છોડી દીધો હતો . ગુરુએ દીક્ષા આપી હતી કહો કે દીક્ષા પકડાવી હતી . ગુરુએ જ આત્માનું ક્ષેમ કુશળ જોયું હતું . ગુરુએ સ્વાધ્યાય કેમ કરાય એ શીખવ્યું અને ગુરુએ જ વિધવિધ ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો’ હતો . ગુરુએ વૈરાગ્ય અને વૈદુષ્યની દિશાઓ ખોલી આપી હતી . ગુરુ જીવનની નાનામાં નાની બાબતોનું અંગત ધ્યાન રાખતા . તપ કરવાનું કહેતા . ઓળી શરૂ ક્યારે કરવાની છે , પારણું ક્યારે કરવાનું છે , પારણું કેટલા દિવસ સુધી ચાલુ રાખવાનું છે એનો આખરી નિર્ણય ગુરુ જ લેતા . એવું લાગતું જ નહીં કે હું તપ કરું છું . એવો જ અહેસાસ બનેલો રહેતો કે ગુરુ મહારાજ તપ કરાવી રહ્યા છે . હવે ગુરુ મહારાજ નથી તો તપ કોણ કરાવશે ? એ પ્રશ્ન થઈ ગયો હતો . પારાવાર ગ્લાનિનો અનુભવ થયો હતો . અઢીસો ત્રણસો મહાત્માઓના વિશાળ સમુદાયનું સર્જન કર્યું હતું ગુરુદેવે . આજે આખોય સમુદાય શોકાકુલ થઈ ગયો હતો . કોણ કોને આશ્વાસન આપે એ પ્રશ્ન બની ગયો હતો . હજારોનો તારણહાર ગયો હતો . જિંદગીમાં જાણે કાળો અંધકાર છવાઈ ગયો હતો . દિવસોના દિવસો સુધી આંસુઓ વહેતાં રહ્યાં હતાં .
—————
વિ. સં. ૨૦૨૯ની સાલમાં પૂ.પં . શ્રી રાજવિજયજી મ. ને આચાર્યપદ અર્પિત થયું . સૂરિ પદ પામ્યા પછી નવું નામ જાહેર થયું : પૂ. આ.શ્રીમદ્ વિજય રાજતિલક સૂરીશ્વરજી મહારાજા . પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પ્રથમ શિષ્યની આજ્ઞાથી પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સાતમા શિષ્ય આચાર્યપદ પામ્યા એની ખુશાલી સમુદાયમાં , સંઘોમાં અને શાસનમાં ફેલાઈ હતી .
————-
જોતજોતામાં ૯૫મી ઓળી આવી ગઈ હતી . વિશેષ વાત એ બની હતી કે આર્યા મહાસેન કૃષ્ણાની જેમ જ ચૌદ વરસ , ત્રણ મહિના અને વીસ દિવસમાં એકથી એકસો સુધીની ઓળીની સળંગ આરાધના કરનારા મહાતપસ્વી વિરમગામનિવાસી રતિલાલ ખોડીદાસભાઈનું સળંગ સો ઓળીનું પારણું અને શ્રી રાજતિલકસૂરીશ્વરજી મ.ની ૯૫મી ઓળીનું પારણું એક જ દિવસે આવ્યું હતું . આ પ્રસંગે એવો મોટો ઉત્સવ થયો હતો કે અનુમોદનાના પડઘમ દૂરદેશાંતર સુધી વાગ્યા હતા .
—————–
ઉત્તર ગુજરાતનું ડીસા મશહૂર છે . ડીસાની પાસે રાજપુર છે . રાજપુર જૈન સંઘે ઈતિહાસ જોયો હતો . વિ.સં. ૨૦૧૩ ની સાલમાં પહેલીવારની નવાણુંમી ઓળી રાજપુરનાં આંગણે પૂરી થઈ હતી અને ભાદરવા વદ ત્રીજના દિવસે પહેલીવારની એકસોમી ઓળીનો પ્રારંભ કર્યો હતો . એ પછી લાંબા સમયે વિ.સં. ૨૦૩૩ ની સાલમાં બીજી વારની નવાણુંમી ઓળી પણ એ જ રાજપુરનાં આંગણે જ પૂરી થઈ હતી . દિવસ હતો : વૈશાખ સુદ ૯ . આ પ્રસંગની ઉજવણી રૂપે , રાજપુર જૈન સંઘે સિદ્ધચક્ર મહાપૂજન , અષ્ટોત્તરી સ્નાત્ર મહાપૂજન , સાધર્મિક વાત્સલ્ય સમેત મહોત્સવ રાખ્યો હતો .
પૂજ્યપાદ આચાર્ય ભગવંતની દરેક ઓળીનાં પારણે ઉત્સવ તો થતો જ . દરેક ઓળીનાં પારણાંના પ્રસંગે અનેક સંઘો એવી વિનંતી કરતા કે આ વખતની ઓળીનું પારણું અમારા સંઘનાં આંગણે થાય એનો લાભ આપજો . દરવખતે કોઈ એક સંઘની વિનંતીનો સ્વીકાર થતો . જે સંઘનાં આંગણે પારણું થતું ત્યાં જબરદસ્ત શાસનપ્રભાવનાનું વાતાવરણ નિર્માણ પામતું . હવે બીજીવારની એકસોમી ઓળીનું પારણું નજર સમક્ષ આવી રહ્યું હતું . સૌનાં મનમાં બે જ પ્રશ્નો રમી રહ્યા હતા : પારણું ક્યારે થશે ? પારણું ક્યાં થશે ?
Leave a Reply