કોલેરા ખતરનાક હોય છે . જેને કોલેરા થયો હોય તે જીવતો બચે એવી સંભાવના ઓછી હોય છે . જ્યાં કોલેરા થયો હોય ત્યાં રહેવામાં ડર લાગે છે . જેને કોલેરા થયો હોય એને કેવો ધ્રાસ્કો પડે એની કલ્પના પણ ભયકારી છે . આંબેલની ચાલુ ઓળીમાં શ્રી રાજવિજયજી મ.ને કોલેરા થયો . ત્યારે તેઓ સુરેન્દ્રનગરમાં બિરાજમાન હતા .
કોલેરામાં ઊલટી થાય , ઝાડા થાય , શ્વાસની ગતિ અસામાન્ય થઈ જાય , મોઢું – ગળું – આંખ સૂઝી જાય , તાવ આવે , વજન ઘટવા લાગે , બ્લડ પ્રેશર લૉ થતું જાય . સ્વયંભૂ ઝટકા પણ લાગે . પેશાબ અટકી જાય . આ બિમારી પ્રાણ લેવા જ આવે છે એવી છાપ બનેલી છે . તપસ્વી મહાત્મા તપસ્યા આગળ ના વધારે અને પારણું કરી લે એવી સંઘે વિનંતી કરી . ગુરુભગવંતે તપસ્વી મહાત્માની , પારણું નથી કરવું એવી ભાવના પણ જાણી . નજર સામે મરણ ઊભું છે ત્યારે બધું પડતું મૂકીને ઉપચાર જ કરાવી લઉં એવો વિચાર તપસ્વીને આવ્યો જ નહીં . એમને એટલો જ વિચાર આવ્યો કે આજસુધી કોઈ ઓળી અધૂરી છોડી નથી તો આ ઓળીને પણ અધૂરી છોડવી નથી . ગુરુએ જોયું કે આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે . ગુરુએ ઓળી આગળ ચલાવવાને બદલે પારણું કરી લેવાનો આદેશ કર્યો . તપસ્વીની આંખોમાં આંસુ આવી ગયાં : આ કેવો અંતરાયનો ઉદય થયો કે ઓળી અધૂરી છોડવી પડે ? પાછલી એકસો ઓળીઓ અને આ વખતની બોત્તેર ઓળીઓમાં એક પણ ઓળી અધૂરી છોડવી પડી નહોતી . જે સંકટ એકસો બોત્તેર ઓળીઓમાં આવ્યું નહીં એ એકસો તોત્તેરમી ઓળીમાં આવ્યું હતું . હું આંબેલ કરતો રહીશ , આંબેલના પ્રભાવે સારું થઈ જશે , મને પારણું ન કરાવો .
તપસ્વીની વિનંતીની સામે ગુરુનો જવાબ હતો કે ઓળીમાં રોજ એક જ આંબેલના પચખાણ લેવાય છે . આંબેલના બીજા દિવસે આંબેલના પચખાણ લો એનાથી ઓળી આગળ ચાલે છે . આંબેલના બીજા દિવસે આંબેલના પચખાણ ન લો એનાથી ઓળી અટકે છે પરંતુ આંબેલ સંબંધી પચખાણભંગ થતો નથી . ધારણા હતી એ મુજબના સળંગ આંબેલ થતા નથી એટલો ધારણાભંગ થાય છે , બસ . આરોગ્ય સારું થતાવેંત ધારણાને સાકાર કરી લેવાશે . મનમાં તપ ચાલુ રાખવાના ભાવ છે એ જ તપની સફળતા છે . મનમાં પારણું ન કરવાના ભાવ છે એ જ તપની સફળતા છે . થોડો વખત ખમી જાઓ . આગળ ઘણો સમય મળશે .
અને ઓળી રૂપે વિચારેલા , થોડા દિવસનાં આંબેલ પછી પારણું થયું . પારણું થયું તે પૂર્વે અને પારણું થયું તેના પછી , આરોગ્ય હાલમડોલમ થતું રહ્યું હતું . આખો સંઘ ચિંતા કરતો . રોગ એવો હતો કે પાસે કોઈને જવા દેવાય નહીં . તેથી થોડીથોડી વારે દેરાસરનાં બ્લેકબોર્ડ પર તપસ્વી મહાત્માની તબિયત સંબંધી લૅટૅસ્ટ સમાચાર , પુષ્કર ધારશી વોરા દ્વારા લખવામાં આવતા . ભાવિકો એ સમાચાર વાંચવા ભીડ જમાવી દેતા .
તપસ્વી મહાત્માનાં શરીરમાં પાણી ઓછું થઈ ગયું હતું . તાવનાં ચિહ્નો ઘટતાં નહોતાં . બીપી નીચે ઉતરતું રહેતું . ગંભીર અનારોગ્ય હતું . દહેશત છવાયેલી
હતી . કોઈ પણ પ્રકારની અમંગળ ઘટના સ્વીકાર્ય નહોતી . ડૉક્ટર્સની ટીમ ઉપચાર કરવામાટે ઊભાપગે તૈયાર ખડી હતી . જીવલેણ વ્યાધિ હતો . જલદીથી જવાનો નહોતો . લાંબી ચિકિત્સાના અંતે કોલેરાનાં લક્ષણો દૂર થયાં હતાં . તપસ્વી મહાત્માને સુધારો જણાવા લાગ્યો . ગુરુ પ્રસન્ન થયા . સંઘ રાજી રાજી .
દરેક પ્રકારે આરોગ્યની અનુભૂતિ થઈ એટલે તૂર્ત જ શ્રી રાજવિજયજી મ.એ ગુરુસમક્ષ , ઓળી ઉપાડવાની ભાવના વ્યક્ત કરી . ગુરુએ તરત જ હા કહી દીધી નહોતી . ગુરુએ પૂરેપૂરી ચકાસણી કરી અને જ્યારે એમ લાગ્યું આમનું આરોગ્ય સાથ આપે એમ છે ત્યારે તોત્તેરમી ઓળી કરવાની અનુમતિ આપી . ડૉક્ટરોએ ના ન પાડી પણ ઠામ ચોવિહાર કરવાની ના પાડી .
જોકે , શ્રી રાજવિજયજી મ.એ ઠામ ચોવિહાર આંબેલનો વિચાર પાક્કો રાખીને જ ઓળી શરૂ કરી હતી . એમને ક્યાં ખબર હતી કે રોગ ફરીથી ઉથલો મારી શકે છે .
Leave a Reply