આજ સુધી જેમણે જેમણે વર્ધમાન તપની સો ઓળી પૂરી કરી તેઓ કોઈ બીજાં તપ સાથે જોડાઈ ગયા હતા . સૌપ્રથમ વાર એવું બની રહ્યું હતું કે વર્ધમાન તપની સો ઓળી પૂરી કરનારા તપસ્વી બીજી વાર સો ઓળીની આરાધના કરી રહ્યા હતા . અને સોનો આંકડો બહુ ઝડપથી નજીક આવી રહ્યો હતો .
એકવીસ વરસની ઉંમરે વર્ધમાન તપનો પાયો નાંખ્યો . ત્યારે આંબેલ કેવી રીતે થશે એની પણ કલ્પના નહોતી , આંબેલ કેટલા થશે એની કલ્પના નહોતી , ઠામ ચોવિહાર આંબેલનો અંદાજ હતો પરંતુ અનુભવ નહોતો . આમ હોવા છતાં ચાલીસ વરસની વય સુધીમાં સો ઓળીઓ પૂરી કરવા સુધી પહોંચી ગયા હતા . બીજી વખત સો ઓળીઓ કરવી છે એવો વિચાર બની રહ્યો હતો ત્યારે આંબેલ .કેવી રીતે થાય , આંબેલ કેટલાં થઈ શકે અને ઠામ ચોવિહાર શું છે આ ત્રણેય બાબતોનો પૂરેપૂરો અંદાજ હતો અને અનુભવ પણ હતો .
ગુરુ સમક્ષ ભાવના વ્યક્ત કરી . ગુરુનો મત સ્પષ્ટ હતો : તપ એ રીતે કરો કે આવશ્યક ક્રિયાઓની ઉપેક્ષા ન થાય , સ્વાધ્યાયને હાનિ ન પહોંચે અને નિયમિત આરાધનાઓમાં બધા ઊભી ન થાય . ગુરુના આશીર્વાદ લઈ બીજી વારની એકસો ઓળી માટેનો પાયો નાંખ્યો . આ વખતે દરેક આંબેલ ઠામ ચોવિહારા જ કરવા છે એવો સંકલ્પ હતો . મતલબ કે આંબેલના દિવસે આહાર પાણીને બે કલાકથી વધારે સમય આપવાનો નથી . આહાર અને પાણી નિર્દોષ જ હોય એ શરત અભંગ જ રહેતી હતી . આંબેલનો આહાર નિર્દોષ મળવો થોડો મુશ્કેલ . શહેર અને ગામમાં લૂખી રોટલી અને વઘાર વગરની દાળ મળી રહેતી . વિહારમાં એ ન મળે . ક્યારેક કોરા મમરા , ક્યારેક મસાલા વગરના ચણા અને ક્યારેક ઘી વગરના ખાખરાથી આંબેલ થતું . તકલીફ પાણીમાં પડતી . શહેર અને ગામમાં નિર્દોષ પાણી થોડુંઘણું મળી રહેતું . વિહારમાં ઘણેભાગે નિર્દોષ પાણી મળે નહીં . પાણી મળે તો ઘણા મહાત્માઓ વચ્ચે એ પાણી ઓછું પડે તેથી જેટલું પીવું હોય એટલું પાણી પીવા ન મળે . ક્યારેક તો નિર્દોષ પાણી મળે જ નહીં . આવી પરિસ્થિતિમાં ઠામ ચોવિહાર આંબેલ સહેલું ન રહે . વહેવારથી લખવું પડે કે આહારપાણીને બે કલાક જેટલો સમય અપાતો . બાકી ૨૩ – ૨૩ કલાક સુધી આહારપાણીથી દૂર રહેવાનું વલણ રોજેરોજનું બની ગયું હતું .
એક આંબેલ પણ ઠામ ચોવિહાર સાથેનું હોય એ બીજા બધાને એકદમ અઘરું પડી જાય . શ્રી રાજવિજયજી મ.ની આખે આખી ઓળીઓ ઠામ ચોવિહાર સાથે ચાલતી . તેઓ આ કંઈ રીતે કરી શકે છે તે એક રહસ્ય હતું . જોતજોતામાં તેમણે ઠામ ચોવિહારી આંબેલની બોત્તેર ઓળીઓ પૂરી કરી લીધી . આ આખો પ્રયોગ જ નવો હતો . બીજીવારની સો ઓળીઓનો પુરૂષાર્થ . ઓળીઓ ઠામ ચોવિહાર સાથે . સોમી ઓળી સુધી પહોંચવા માટેની ભારી ઝડપ .
એક સમય એવો હતો જ્યારે આંબેલના તપસ્વીઓને જોઈને શ્રી રાજવિજયજી મ. . પોતાની આંબેલ ન કરી શકવાની કમજોરીનો રંજ અનુભવતા . હવે એ સ્તર આવી ગયું હતું કે શ્રી રાજવિજયજી મ.ને જોઈને અન્ય મહાત્માઓ અને આરાધકોને પોતાની આંબેલ ન કરી શકવાની કમજોરીનો અફસોસ થતો .
જે ચિત્રને સમૂળગું બદલી નાંખે છે તે સાચો કલાકાર હોય છે . જે પરિસ્થિતિને પૂરેપૂરી બદલી નાંખે છે તે સાચો ઈતિહાસનિર્માતા હોય છે . પોતાના આત્માની શુદ્ધિના એકમાત્ર લક્ષ્યથી તપસ્યા કરી રહ્યા હતા શ્રી રાજવિજયજી મ. . તેમને ખબર નહોતી કે તેઓ કલાકારની જેમ ચિત્ર બદલી રહ્યા હતા અને ઈતિહાસનિર્માતાની જેમ પરિસ્થિતિને બદલી રહ્યા હતા . આર્યા મહાસેન કૃષ્ણાએ એક જ વાર સો ઓળી કરેલી . એમની પાછળ પાછળ સૌ એક જ વાર સો ઓળી કરવાનો શિરસ્તો જાળવતા આવ્યા હતા . એક જ વાર સો ઓળી કરવાનું વર્તુુુળ પણ એટલું મોટું હતું કે બીજીવાર સો ઓળી કરવાનું ભાગ્યે જ કોઈ વિચારી શકે . ઈતિહાસનાં પાને એક અભિનવ પ્રયોગ હતો : બીજીવારની સો ઓળી .
Leave a Reply