Press ESC to close

૯ . રેલવેના રસ્તે નવો મનોરથ

ગુરુને સમર્પિત રહો . ગુરુનાં વચનનું માહાત્મ્ય ઘણું મોટું છે . ગુરુની ભાવના અને ઈચ્છાને માથે ચડાવો . ગુરુએ કરેલો ઉપકાર યાદ રાખો . ગુરુની ના પણ લાભકારી હોય છે અને ગુરુની હા પણ કલ્યાણકારી હોય છે .

રાજકથારેલવેના રસ્તે વિહાર સહેલો હોતો નથી પરંતુ એ ટૂંકો હોય છે . ગાડાના ચીલાઓ , ખેતર અને જંગલની કેડીઓ , વાહનવ્યવહારનો મુખ્ય માર્ગ વિહારમાં ઉપયોગી બને છે . ક્યારેક લાંબો ફેરો ટાળવા અથવા તો ક્યારેક એકમાત્ર આ જ રસ્તો ઉપલબ્ધ હોય છે એવી પરિસ્થિતિમાં વિહાર માટે રેલવેનો રસ્તો અપનાવવો પડે છે . લોખંડી પાટા . નીચે આડા જડાયેલ લાકડાનાં એકસરખા પાટિયાઓ . પાટાની વચ્ચે અને આસપાસ સળંગ પથરાયેલા અગણિત કાંકરાઓ . એની પરથી ચાલવાનું અઘરું પડે છે . આજુબાજુમાં પગદંડી હોય એની પર ચાલવામાં કાંટા , કાંકરી વાગે . પાટા પર ચાલવામાં કાંકરા વાગે . ખુલ્લા પગે જ વિહાર કરવાનો હોય . જે પીડા થાય તે થાય જ . એમાં વળી રેલવેબ્રીજ આવે એનો ડર અલગ . રેલવેબ્રીજ પર કાંકરા ન હોય પરંતુ પાટા અને પાટિયા સિવાયની જગ્યા ખાલી અને ખુલ્લી હોય. ચાલવામાં ગફલત થાય તો સીધા નીચે ગબડીએ . રેલવેબ્રીજ પર , નીચે જોઈને ચાલીએ તો ઊંડાણ જોઈને ચક્કર આવી જાય . અને જો રેલવેબ્રીજ પર ચડ્યા પછી પાટા પર ટ્રેઈન આવે તો થઈ રહ્યું . બચવાનાય વાંધા પડી જાય . 

સો ઓળીનાં પારણા બાદ વિહાર થયો એમાં એક દિવસ રેલવેના પાટેથી નીકળ્યા . રેલવેબ્રીજ આવ્યો . આગળપાછળ નજર કરીને હૈયાધારણ બનાવી કે ગાડી આવી રહી હોય એવું લાગતું નથી . ઝડપથી પાર કરી લઈશ એવા આત્મવિશ્વાસ સાથે બ્રીજ પર ચડ્યા . બ્રીજ એટલો નાનો નહોતો કે સેકંડોમાં પાર કરી લેવાય , થોડો લાંબો હતો . હજી તો અડધે પણ પહોંચ્યા નહીં હોય ત્યાં પાછળથી પૂરવાટ વેગે ટ્રેઈન આવતી દેખાઈ. પાછા વળાય એમ નહોતું . બ્રીજ પરથી  આગળ જ નીકળવાનું હતું . બ્રીજ પરથી કૂદી જવાય એવું પણ નહોતું . આગગાડી એવી ઝડપથી આવી રહી હતી કે આગળ બ્રીજના સામા છેડે પહોંચાશે કે નહીં એ સવાલ હતો . બનતી ઝડપે આગળ તરફ પગલાં ઉપાડ્યા .  એકદમ ઉતાવળે બ્રીજના છેડે પહોંચીને પગદંડી તરફ સરક્યા એ જ સેકંડે સૂસવાટા મારતી ટ્રેઈન પસાર થઈ ગઈ . એક સેકંડનો પણ વિલંબ કર્યો હોત તો કોઈ અઘટિત બનાવ બની જાત .
શ્રી રાજવિજયજી મ.  આવા અચાનકથી આવીને આગળ નીકળી ગયેલા યમદૂતને જોઈને વિચારમાં પડી ગયા . થયું કે  જો હું ટ્રેઈન સાથે ટકરાઈ ગયો હોત તો શું થાત ? મારું આયુષ્ય સમાપ્ત થઈ જાત તો મને કંઈ ગતિ મળત ? આ સવાલે એમને હચમચાવી નાંખ્યા . હું જીવતો બચી ગયો તે કોઈ સત્ પ્રવૃત્તિ કરવા માટે . હવે પછીનું જીવન એ એક એવી સત્ પ્રવૃત્તિને અર્પિત કરવું છે કે જેનાથી ઊંડો આત્મસંતોષ બનેલો રહે . એ સત્કાર્ય કયું ? શું વર્ધમાન તપની ઓળીઓ ફરીવાર એકડે એકથી માંડી શકાય ?
મન હા પાડી રહ્યું હતું . ( ક્રમશઃ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *