હું કૂવાના કાંઠે બેઠો . મેં જોયું , કૂવાનું પાણી આખું ગામ વાપરે છે . કૂવો કેટલો બધો કામનો છે ? સૌને તેનું મીઠું પાણી મળે છે . મેં ધ્યાનથી જોયું , કૂવાની પાસે જે આવે તેના હાથમાં બેડું અને દોરી હોય છે . બેડું દોરીથી બાંધીને કૂવામાં ઉતારો , ભરો અને ખેંચીને ઉપર લાવો પછી જ કૂવો પાણી આપે છે . મને થયું : ‘ કૂવો મહેનત કરાવીને પછી દાન આપે છે . શો મતલબ છે આવા દાનનો? ‘ લેવા આવે તેને વગર મહેનતે મળવું જોઈએ . મારું મન ઉદાસ થઈ ગયું .
હું ઊઠીને ગામ બહાર નીકળ્યો . સામે મોટું તળાવ જોયું . હું હરખાયો . કૂવો તો ભુલાઈ જ ગયો . કેમ કે તળાવનું પાણી તરત મળતું હતું . કૂવાની જેમ દોરીથી ખેંચવાની જરૂર ન હતી . કૂવાનાં પાણીમાં છબછબ નથી થતું , તળાવનાં પાણીમાં કેટલી આસાનીથી છબછબ થાય . દાન તો તળાવ આપે છે , લેનારે જોઈએ તેટલું લેવાનું , કોઈ શરત નહીં , કોઈ ખેંચતાણ નથી , કોઈ મહેનત નહીં . તળાવ મોટું પણ હોય છે . આખા ગામને એક તળાવ સાચવી લે છે . મને થયું , તળાવ પણ ખોટું તો કરે જ છે . જેને પાણી જોઈતું હોય તે ગામ બહાર લેવા આવે અને ભલે લે પાણી . આ સારું છે . પણ એક જ ગામને પાણી આપે છે તળાવ . પાણી તો ગામોગામ જોઈએ . દરેક ગામને તળાવ પાણી નથી આપતું . તળાવનું મન સંકુચિત છે . એક જ ગામ સાથે બંધાઈ ગયું છે .
હું ઊઠીને ચાલવા માંડ્યો . જંગલની વાટે ચાલતો રહ્યો તો નદી મળી . હું તળાવને ભૂલી ગયો . તળાવ અને નદી , પાણી તો સરખી રીતે આપે છે પણ નદી તો ગામે ગામ પાણીનો પૂરવઠો પહોંચાડે છે . મારી સામે વહેતી નદીએ પાછળ કેટલાય ગામોને પાણી પાઈ દીધું છે . આગળ કેટલાય ગામોને પાણી પાશે . મને તો નદી માટે ગૌરવ થયું . દાન તો આને કહેવાય . ક્યાંય અટક્યા વગર અને કશેય બંધાયા વગર આપતા રહો . મને નદી ખૂબ જ ગમી . પછી મને થયું : આ નદી પણ ભારે કરે છે . એ ભલે ઘણાં ગામોને સાચવે છે , પણ નદી દરેક ગામો પાસે જતી નથી . જે ગામ નદી પાસે આવ્યું છે તેને નદીએ આપ્યું છે . જે ગામ દૂર રહ્યું તેને નદીએ કશું જ આપ્યું નથી . નદીનું દાન ઉદાર છે તો ભેદભાવથી કલંકિત પણ છે . જે ગામ નદી પાસે નથી આવ્યા તેમનો શો વાંક? તેમને પાણી કેમ ના મળે ?
હું નિરાશ ભાવે પાછો ફર્યો . ખૂબ જ ગરમી હતી . સખત બફારો થતો હતો . મને લાગ્યું વરસાદ પડશે કે શું ? મેં આકાશમાં જોયું . તે જ ઘડીએ વરસાદ તૂટી પડ્યો . હું કિલ્લાના ઊંચા બુરજ પર ચડી ગયો . મેં જોયું વરસાદ બધે જ વરસતો હતો . કૂવા પર , તળાવ પર , નદી પર , વરસાદ દરેક જગ્યાએ વરસતો હતો . જમીન પર , મકાન પર , છાપરા પર , ઘાસ ,જનાવર , માણસો , સૌ કોઈની ઉપર . વરસાદ ગામડે ગામડે વરસતો હતો . વરસાદ ખેતરે ખેતરે પાણી ઝીંકતો હતો . વરસાદ પાસે કોઈ ગયું નહોતું . વરસાદ સામે ચાલીને સૌની પાસે આવી પહોંચ્યો હતો . કશાય આમંત્રણ વિના , કોઈ જ ભેદભાવ વિના અને કોઈ જ તકલીફ દીધા વિના દાન આપી રહેલા વરસાદને જોઈને મને થયું . તો આ છે દાન . માંગે તેને તો સૌ આપે , વણમાંગ્યું આપ્યું તે સાચું દાન .
રવીન્દ્રનાથ ટાગોરની કવિતાનો આ વિચારવિસ્તાર વરસાદની જેમ રોમરોમને ભીંજવી દે છે ને ?
Leave a Reply