તમે કોઈની પણ પાસેથી પ્રેરણા લઈ શકો છો . પ્રેરણા લેતાં આવડવી જોઈએ . તમે કોઈ પણ પરિસ્થિતિમાંંથી સારું વિચાર તત્ત્વ મેળવી શકો છો . તમારી ગ્રહણ શક્તિ ઉત્તમ પરિબળો સાથે જોડાયેેલી રહેવી જોઈએ . ગુરુ તમારામાં એવી આવડત જગાડી દે છે કે તમે સ્વયં સ્ફૂર્ત રીતે ઉત્તમતાના ગ્રાહક અને સંગ્રાહક બની જાઓ છો .
શ્રી પ્રેમવિજયજી મહારાજાનો વિહાર ચોથા આરાની છાયા જેવો નિર્દોષ , નિરતિચાર . અજવાળે જ ચાલવાનું . સાંજે વિહાર હોય તેમાં પણ વહેલાં નીકળવાનું અને સૂર્યાસ્ત પૂર્વે પહોંચી જવાનું . ગોચરી પણ નિર્દોષ અને પાણી પણ નિર્દોષ . સાંજે વસતી જોયા વિના માંડલા નહીં કરવાના . લાંબા સ્વાધ્યાય વિના સંથારાપોરિસી ભણાવવાની નહીં . એકાસણાથી ઓછા તપની વાત નહીં કરવાની . વિહાર ખુલ્લા પગે ચાલીને જ કરવાનો . વિહારમાં સાથે પગારદાર મજૂર ન હોય , કોઈ પણ પ્રકારની વાહનવ્યવસ્થા ન હોય . વડીલો કહે એ મુજબ જ કામ કરવાનું , એમાં કોઈ જ બાંધછોડ ન ચાલે . કાળા ડબલા દ્વારા ફોન કરાવવાના જ ન હોય . કાળધર્મ સિવાયના કોઈ સમાચાર માટે તાર કરાવવાનો નહીં . ઓઘોમુહપત્તીનો પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ . પાંચ સમિતિમાં ક્યાંયકશે ગડબડગોટાળા કરી શકાય નહીં . આવશ્યક ક્રિયાઓમાં કોઈ પ્રકારની ઢીલાશ ન ચાલે . આચારપાલનમાં કડક રહેવાનું .
સાથોસાથ એટલું પણ ખરું કે અન્યની નિંદા કરવામાં રસ નહીં લેવાનો . પોતાનો આચાર સારો છે એવું બતાડી બતાડીને અન્યની નિંદામાં જે રસ લેતો હોય છે એને પોતાના આચારનું અભિમાન હોય છે . આવું અભિમાન કોઈ સાધુમાં આવી ન જાય એની શ્રી પ્રેમવિજયજી મહારાજા પાક્કી કાળજી લેતા . જે સાધુ અન્યની નિંદા કરવામાં રસ લેતો જોવા મળે તેને શ્રી પ્રેમવિજયજી મહારાજાનો ઠપકો મળતો . તેઓ કહેતા કે નિંદા કરવાથી આત્મકલ્યાણ થતું હોત તો સોળમે પરપરિવાદ નામનું પાપ ગણાવવાની જરૂર જ નહોતી . કોઈની નિંદા કરતી વખતે તમને એમ લાગે છે કે તમે એનાં આત્મકલ્યાણની ચિંતા કરો છો . આવો ભ્રમ પાળવાની કોઈ જરૂર નથી . તમે અન્યની નિંદા કરીને પોતાનું જ આત્મકલ્યાણ કમજોર પાડી દો છો . તમે જેની નિંદા કરો છો તે પસ્તાવો કે પ્રાયશ્ચિત્ત કરીને દોષનો ભાર ઉતારી દેશે પરંતુ એની નિંદા કરીને તમે જે દોષના ભાજન બનશો એનાથી તમને કોણ બચાવશે ? અવર્ણવાદથી કદી કોઈને કેવળજ્ઞાન થયું છે ખરું ? નિંદા ન કરનારા ઝટ તરી જાય છે , બસ , એટલું જ યાદ રાખો .
એક તરફ આ કડકાઈ હતી . બીજી તરફ એ પણ જોવામાં આવતું કે સંઘમાં , સમુદાયમાં અને ટુકડીમાં કોઈ ગંભીર ભૂલ થતી ન હોય . કોઈ ભૂલ કરનાર હોય એની સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરવામાં આવતો . જે વાત થતી તે મોઢામોઢ થતી . શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાનું આ અનુશાસન હતું .
વળી એક શિરસ્તો કાયમી હતો : જેનામાં જે સારું હોય તે જોવું , તેની પ્રશંસા કરવી તેમ જ તેમાંથી પ્રેરણા લેવી . દત્તુભાઈની સાથે જોડાણ થયું કેમ કે સારું જોવાની , સારું જોઈને પ્રેરણા લેવાની આદત બની હતી .
દત્તુભાઈ , નિપાણીના રહેવાસી . શ્રી પ્રેમવિજયજી મ.ની પ્રેરણા પામીને ધર્મમાં જોડાયા હતા . તેમણે આંબેલની આરાધનાનો એક યજ્ઞ માંડી દીધો હતો . દત્તુભાઈનું આખું નામ દત્તાત્રય ગણપતરાવ . તેમણે અને તેમના ધર્મપત્ની ચંપાબેને શત્રુંજય ગિરિરાજની યાત્રા ન થાય ત્યાર સુધી ઠામ ચોવિહારા આંબેલ ચાલુ રાખવાનો નિયમ લીધો હતો . ચાલુ આંબેલે એમણે વર્ધમાન તપની ઓળીનો પાયો નાંખ્યો . એટલું જ નહીં પારણું કર્યા વિના – છઠ્ઠી સાતમી આઠમી નવમી એમ કરતાં આડત્રીસમી ઓળી સુધી પહોંચી ગયા હતા . સળંગ ૭૭૯ દિવસમાં , ૭૪૧ આંબેલ થયા અને ૩૮ ઉપવાસ થયા . આમાં એકેએક આંબેલ ઠામ ચોવિહારું હતું . દત્તુભાઈ મારા ગુરુ મહારાજથી પ્રેરિત થઈને આ રીતે આંબેલ કરે છે આ જાણ્યા બાદ શ્રી રાજવિજયજી મ.ને થયું કે શું હું પણ ઠામ ચોવિહારા આંબેલથી ઓળી ન કરી શકું ? શું હું બે ઓળીઓ વચ્ચે પારણું કર્યા વિના સળંગ આંબેલ ન કરી શકું ?
બીજામાં સારું જોવું , બીજામાં સારું જોયા બાદ એમાંથી પ્રેરણા લેવી , બીજાથી પ્રેરિત થઈને સ્વયં કોઈ ઊંચું કાર્ય કરવું , એ ઊંચા કાર્યને દૃઢતાથી વળગી રહેવું , એ ઊંચા કાર્યને નવી ઊંચાઈ પર લઈ જવું – આ ખાસિયત હોય છે મહાપુરુષોની . દત્તુભાઈ જે કરી રહ્યા હતા તે મહાન્ પ્રવૃત્તિ હતી પરંતુ એમનાથી પ્રેરિત થઈને શ્રી રાજવિજયજી મ. જે કરવાના હતા તેની કલ્પના , ન તો શ્રી પ્રેમવિજયજી મહારાજાને હતી , ન તો દત્તુભાઈને હતી .
છ વિગઈ વિનાનું ભોજન જેમને ગળે ઉતરતું નહીં , એમણે અચાનકથી આંબેલ શરૂ કરી દીધા હતા એ ગઈકાલની વાત હતી . એ આંબેલ અઘરાં તો હતા જ . એનાથી વધારે અઘરાં આંબેલ કરવાનો નવો સંકલ્પ શ્રી રાજવિજયજી મ.એ કર્યો હતો , દત્તુભાઈને નજીકથી જોયા બાદ . હવે પછીનું ભવિષ્ય એની સાખ પૂરવાનું હતું . ( ક્રમશઃ )
Leave a Reply