જન્મદિવસે ઘણુંબધું યાદ આવે છે . મારો જન્મ થયો ત્યારે કેવો જમાનો હતો ? ત્યારે હું કેવો દેખાતો ? મારું બોલવાનું કેટલાં વર્ષે શરૂ થયું ? મારું ચાલવાનું અને દોડવાનું કેટલાં વર્ષે ચાલુ થયું ? આવું ઘણું બધું યાદ આવે . મા યાદ આવે અને એના ઉપકારો યાદ આવે . પિતા યાદ આવે અને એમના ઉપકારો યાદ આવે . બાળપણના તમામ કિસ્સા . ભાઈઓ અને દોસ્તારો સાથેના પ્રસંગો . હસાહસ અને રડારોળ . ધમાલ અને ગભરામણ . બધું યાદ આવે . એ દિવસોની સરખામણીમાં આજનું જીવન કેવું , ગોઠવાયેલું ગોઠવાયેલું લાગે છે એ વિચાર આવે જ .
બાળપણ એ જીવનનો ભૂતકાળ છે , તે પાછું આવશે નહીં . જે ભૂતકાળ બની જાય છે તે પાછું આવતું જ નથી . ગઝલગાયક ભલે લાખ વાર ગાય કે लोटा दो बचपन का सावन , वो कागझ की कश्ती वो बारिश का पानी , પરંતુ એ કશું પાછું આવતું નથી . કોઈ બાળકને એવી મસ્તી કરતાં જોઈ લઈએ અને એનામાં આપણું બાળપણ દેખાતું આવે એટલી એક તસલ્લી ઉપલબ્ધ રહે છે . પણ પાછું કશું જ આવતું નથી .
આજનો જન્મદિવસ , આજથી દસ વર્ષ પછી શું હશે ? ૨૦૨૦નો જન્મદિવસ ૨૦૩૦ની સાલમાં ભૂતકાળ હશે . આજે જે વિચાર મનમાં ચાલે છે તે બધા દશ વર્ષ પછી પણ ચાલતા જ હશે . જોકે પહેલાં એ બતાવો કે ૨૦૩૦માં આપણે જીવતા હોઈશું કે નહીં ? કાલ સવારની ખબર નથી . એક કલાક કે એક મિનિટ પછી શું થશે એની ખબર નથી , એમાં દસ વરસ પછીનો કોઈ ભરોસો શી રીતે રાખી શકાય ? છતાં માની લઈએ કે દસ વરસ પછી જીવતાં હોઈશું , એ વખતે આજનો દિવસ યાદ કરીને આપણે શું વિચારવાના ? આજના દિવસે એ નક્કી કરવાનું છે કે દસ વરસ પછી આજનો દિવસ હું યાદ કરીશ ત્યારે મનેં કોઈ રંજ ન થાય , એવું કશુંક આજે કરી લેવું છે . એક સપનું આજે ફરીથી જોવું છે . એ સપના માટે જે મહેનત કરવી પડશે તે કરવાનો સંકલ્પ આજે ફરીથી કરવો છે . એ સંકલ્પ માટે જે વેઠવું પડશે તે વેઠવાની તૈયારી આજે ફરીથી કરવી છે . આજથી દસ વર્ષ પહેલાં મેં જે જે કર્યું નહોતું , વિચાર્યું નહોતું તે છેલ્લા દસ વર્ષમાં મેં કર્યું અને જોયું . આજ પછીના દસ વરસમાં પણ એવું જ થવાનું છે . આજે જે વિચાર્યું નથી , તે આવતીકાલે , આવતાં વરસે , આગામી વરસોમાં ઘટિત થઈ શકે છે . મારે એ ભવિષ્ય માટે તૈયાર રહેવાનું છે .
અમુક લોકો આપણી માટે નકામા છે એમાં સ્પષ્ટ થઈ જવાનું છે , એમની સાથે બગાડવાનું નહીં અને એમની પરવા પણ નહીં કરવાની . અમુક લોકોને સાથે રાખવાના જ છે , એમના વગર ચાલવાનું નથી . એમની માટે ભરપૂર આત્મીયતા રાખવાની , એમને ખુશ રાખવાના અને એમનાથી વધારે નારાજ નહીં થવાનું , થોડું થોડું ચાલ્યા કરે . મારી સાથે જેઓ સ્પર્ધા કરવા માંગે છે કે સ્પર્ધામાં છે એમનું બળ યાદ રાખવાનું છે , એમને સ્પર્ધા કરવી હોય તો એ સ્પર્ધા એમના તરફથી છે . મારા તરફથી હું સ્પર્ધા માટે પ્રવૃત્તિશીલ નથી , હું મારી શક્તિને ન્યાય મળે , દિશા મળે એટલાપૂરતો જ પ્રવૃત્તિશીલ છું એવો અભિગમ બનાવેલો રાખવાનો . મારાથી જે થતું નથી તેની જબરદસ્તી મારા પર હું ન કરી શકું . અમુક આદર્શ ગમે છે પણ એના સુધી પહોંચવું અઘરું પડે છે અને શક્તિ ઓછી પડી જાય છે . એવી કચાશનો સાચો પસ્તાવો રાખવાનો . અમુક ભૂલો આજે સુધરી નથી રહી એને આગામી સમયમાં સુધારવાની છે એ વાત યાદ રાખવાની છે . જે કરવામાં ફાવટ છે એ પૂરજોશથી કરવાનું છે . એમાં આળસ કે ઠેલંઠેલા નહીં જ નહીં . બીજાઓની પંચાત કરીને સમયની બરબાદી કરવી નથી , દિમાગનું દહીં પણ કરવું નથી . અમુક લોકો આપણી માટે ઊલટું બોલે છે , બોલવા દો . એમને એ રીતે જ સુખ મળતું હશે , એમનું સુખ એમને મુબારક . મારો સમય કોનાં કોનાં કારણે બરબાદ થાય છે એની પર સતત નજર રાખવાની છે .
આવતાં દસ વરસ , વીતેલાં દસ વરસ કરતાં વધુ સારા હશે એનો આત્મવિશ્વાસ જન્મ દિવસે બનાવવાનો . અને બીજા દિવસથી કામે લાગી જવાનું . વરસે એક જ વાર જન્મ દિવસ આવે છે . આખું વરસ નવી એનર્જીથી ધમધમતું રહે એવી માનસિકતાનું સર્જન જન્મદિવસે કરવાનું . ( 29 . 6 . 2020 )
Leave a Reply