Press ESC to close

૪૦ . આત્મનિષ્ઠ , આત્મનિરત , આત્માનંદી અંતિમ ક્ષણો

સંવેગકથા

સંઘ મહાજનની આ પરંપરા છે : મહાત્માઓના શ્વાસ વાતાવરણને પ્રાણવાન્ બનાવે છે , એ શ્વાસની ધારાનું પ્રાણની જેમ જતન થવું જોઈએ . મહાત્માઓની આંખો જેને જેને નિહાળે છે , તેઓ ધન્યતાનો સ્પર્શ પામે છે , એ આંખોનું તેજ દીપ્તિમંત રહેવું જોઈએ . મહાત્માઓનું વચન અને ઉદ્બોધન ચતુર્વિધ સંઘને ઊર્જા બક્ષે છે , એ વચન અને ઉદ્બોધનની ધારા અખંડ રહેવી જોઈએ . મહાત્માઓનું શરીર આ ધરતીના કણકણમાં પવિત્રતાનું સિંચન કરે છે , એ શરીરની સુખશાતા નિરાબાધ રહેવી જોઈએ . મહાત્માઓનું અસ્તિત્વ પ્રવર્તમાન સમયને ચેતનાથી ભરે છે , એ અસ્તિત્વ ચિરસ્થાયી , સુચિરસ્થાયી રહેવું જોઈએ . શ્રુતભવનના ટ્રસ્ટીઓએ આ પરંપરાનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું હતું . પૂ.મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મહારાજાનું આરોગ્ય વિ.સં.૨૦૭૫ની સાલમાં એક મહાવ્યાધિનો સામનો કરી રહ્યું હતું . વ્યાધિ અને મહાવ્યાધિ વચ્ચે એક ફરક હોય છે . વ્યાધિ એ છે જે જાય છે અને એની છાપ શરીર પરથી ભૂંસાઈ પણ જાય છે . મહાવ્યાધિ એ હોય છે જે આવ્યા બાદ જાય નહીં  , એ કદીક કમજોર પડે છે પરંતુ એની છાપ શરીર પરથી ભૂંસાતી નથી . કમળીમાંથી બહાર આવ્યા બાદ તેઓ સ્વસ્થ જણાતા હતા તે એમનું મક્કમ મનોબળ હતું . હકીકતમાં તેમનું શરીર થાક અનુભવી રહ્યું હતું . પૂના આવ્યા બાદ વારંવાર પૂના હોસ્પિટલમાં ભરતી થવું પડતું . પહેલીવાર સવા મહિના માટે હોસ્પિટલમાં રહ્યા . બીજી વાર , શ્રુતભવનમાં પડી ગયા અને થાપાનું ઓપરેશન કરાવવું પડ્યું એને કારણે ફરીથી સવાએક મહિના માટે હોસ્પિટલમાં રહ્યા . ત્રીજીવારમાં એવું થયું કે લીવરનો રિપોર્ટ કઢાવવા હોસ્પિટલમાં ગયા હતા , એકાદ દિવસ જ રોકાવાનું હતું . પરંતુ લીવરમાં ગાંઠ દેખાઈ . ચોંકાવનારી વાત એ હતી કે તે કેન્સરની ગાંઠ હતી . એનો ઉપચાર સરખી રીતે થાય તે માટે સળંગ ત્રણ મહિના હોસ્પિટલમાં રહેવાનું થયું . આ વાત ગુપ્ત રાખવામાં આવી . સ્વયં એમને પણ જણાવ્યું નહોતું . કીમોથેરપી થઈ એનાથી રાહત દેખાઈ પરંતુ આરોગ્યની એક વધુ સમસ્યા ઊભી થઈ , તે સમસ્યાનું નામ હતું લીવર સોરીસીસ . ઉનાળુ તડકામાં ફૂલ કરમાય એમ આ રોગમાં લીવર કરમાતું હોય છે . ત્રણ મહિના બાદ તેઓ શ્રુતભવન આવ્યા , એ વખતે એમના સિવાય સૌને ખબર હતી કે પરિસ્થિતિ ગંભીર બની ચૂકી છે . વૈશાખ સુદ તેરસે લોહીના ઝાડા શરૂ થયા , ચૌદસે એ ચાલુ રહ્યા . તત્કાળ હોસ્પિટલમાં દાખલ કર્યા . એકદમ કમજોરી આવી ગઈ શરીરમાં . બોલવાનું પણ થાય નહીં એવી અવસ્થા આવી ઊભી . હોસ્પિટલમાં બે દિવસ ઠીક ગયા પછી આઈસીયુમાં દાખલ કરવા પડ્યા . એમને સમજાઈ ગયું કે હવે મારી પાસે વધારે સમય નથી . એમણે અંતિમ સમય માટેની તૈયારી શ્રુતભવનમાં જ કરી લીધી હતી .
૧ . ત્યાં તેઓ આરામના સમયમાં મનને એક વિષય આપતા વિચારવા માટે . એ વિષય પર મનમાં મંથન ચાલતું . આમાં ઘણો સમય વહી જતો . આરામમાંથી ઊઠ્યા બાદ તેઓ મનોમંથનના નિષ્કર્ષને પાનાઓ પર ટપકાવી દેતા . હાથમાં શાસ્ત્ર ન હોય , હોઠે સૂત્રોચ્ચાર ન હોય અને કાયા ક્રિયારત ન હોય એ સમયે પણ ધર્મચિંતન ચાલતું રહેવું જોઈએ , તેઓ આ ભૂમિકાએ પોતાની પર પ્રયોગ કરીને અખંડ ધારાએ ધર્મધ્યાનમાં નિમગ્ન રહેતા . આમ રોગની પીડામાં મનને સમાધિસ્થ રાખવાની કળા હસ્તગત થઈ ગઈ હતી .
૨ . સાધનાજીવનના ઉપકારીઓને અઢળક આદર સાથે યાદ કરતા રહેતા . ચાર ગચ્છાધિપતિભગવંતો , પૂ.આ.શ્રીમદ્વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા , પૂ.આ.શ્રીમદ્વિજય મહોદય સૂરીશ્વરજી મહારાજા , પૂ.આ.શ્રીમદ્વિજય હેમભૂષણ સૂરીશ્વરજી મહારાજા , પૂ.આ.શ્રીમદ્વિજય પુણ્યપાલ સૂરીશ્વરજી મહારાજાના ઉપકારોને , એમની સાથેના એકેક પ્રસંગને મનમાં ને મનમાં વાગોળતા . ખાસ કરીને તારણહાર ગુરુદેવ સાથેનો સૌભાગી સમય સતત નજર સામે તરવરતો રહેતો . પૂ.આ.શ્રીમદ્વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજા , પૂ.આ.શ્રીમદ્વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા , પૂ.આ.શ્રીમદ્વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજા , પૂ.આ.શ્રીમદ્વિજય ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજા જેવા જ્ઞાનદાતાઓની વાણી , પ્રેરણા મનમાં આવ્યા કરતી . યોગાનુયોગ એવો થયો કે એમને ખાસ સુખશાતા પૂછવા માટે , ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજા , એક દિવસ પગે વિહાર કરીને શ્રુતભવન પધારેલા . એમના આગમનથી એક અપૂર્વ આનંદોલ્લાસ છવાઈ ગયેલો તનમનમાં . એક એક ઉપકારીને યાદ કરતા રહ્યા હતા .
૩ . મનને મમતામુક્ત બનાવવાનું ભગીરથ કાર્ય ક્યારનું શરૂ કરી દીધું હતું .  સંસારી પક્ષે ધર્મપત્ની જયાબેન તેમ જ અન્ય પરિવારજનો સાથેના વાર્તાલાપમાં સાક્ષિભાવની ઝલક આવી ગઈ હતી . દવાઓ અને ઉપચારો પ્રત્યેનું વળગણ નહીંવત્ થઈ ગયું હતું . પુત્રમુનિવર શ્રી વૈરાગ્યરતિવિજયજી મ. સાથે શાસન , સમુદાય આદિ વિષયોની વાતો થતી રહેતી . એકવાર પોતાની બધી ઉપધિ અને અન્ય સામગ્રી મંગાવીને પુત્રમુનિવરને સોંપી દીધી અને કહ્યું : આ બધું હવે તું સંભાળજે . હું છુટ્ટો . નાગપુરમાં બિરાજીત પુત્રમુનિશ્રી પ્રશમરતિવિજયજીને યાદ કર્યા હતા . એ ચામડીના રોગનાં કારણે લાંબો વિહાર નહીં કરી શકે એ જાણ્યા બાદ કહેવડાવી દીધેલું કે ‘ મારી માટે તમે હેરાન થઈને આવતા નહીં . ‘ અમદાવાદમાં ખૂબ ખૂબ સેવા કરનારા યુવાનોને યાદ કરીને આશીર્વાદ પાઠવી દીધા હતા . ઘણાબધા સંઘો કે પરિવારો સાથે સંબંધ બનાવ્યા નહોતા . એક નાનું એવું વર્તુળ હતું એમનું . એમાંની દરેક વ્યક્તિ સાથેની રાગભાવનાને ધીમે ધીમે ખંખેરી નાંખી હતી .

હોસ્પિટલમાં એમને એમ કહેવાનું અઘરું હતું કે અંતિમ સમય આવી ગયો છે . શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.એ એક પત્ર લખીને એમને પરિસ્થિતિની જાણકારી આપી હતી . એ વાંચ્યા બાદ એમની નિર્લેપતા ઔર વધી ગઈ હતી . વૈશાખ વદ ચોથના સવારે આશરે ૩.૩૦ની આસપાસ ડૉ.એ જણાવ્યું કે વી હેવ નો મોર ટાઈમ .
શ્રી વૈરાગ્યરતિવિજયજી મ. એમની પાસે આવ્યા હતા . એમના હાથને  હાથમાં લઈને એમને સભાન કર્યા હતા . એમણે આંખો ખોલી હતી . હાથની આંગળીથી ઉપરની તરફ ઈશારો કરીને સંકેતરૂપે જણાવ્યું હતું કે જવાનો સમય આવી ગયો છે . આંખો ઝપકીને એવો પણ સંકેત આપ્યો કે મેં તૈયારી કરી લીધી છે .

શ્રી સંવેગરતિવિજયજી મ.ના કાન પાસે ઝૂકીને એમણે મહામંત્ર નવકાર તેમ જ અન્ય મંગલપાઠ સંભાળવાનું શરૂ કર્યું હતું એક ધનભાગી પિતા મુનિવર , પોતાના પુત્ર મુનિવરનાં શ્રીમુખે અંતિમ સમયની આરાધના સાંભળી રહ્યા હતા . મુનિવરે પંચ મહાવ્રતના પાઠ બોલવાનું શરૂ કર્યું ત્યારે હાર્ટબિટ્સ બતાવનારા મશીનના સ્ક્રીનમાં રેખાઓ ઉપર નીચે થઈ રહી હતી . એકવાર એમણે આંખ ખોલી . આજુબાજુ નજર ફેરવી . એમને પૂછ્યું કે શું થાય છે , તો જવાબ આપ્યા વિના એમણે આંખો બંધ કરી દીધી . મહાવ્રત પાઠનું પાંચમું પરિગ્રહ પરિત્યાગ સૂત્ર શરૂ થયું ત્યારે મશીનના સ્ક્રીન પર દેખાતી રેખા એકદમ સીધી થઈ ગઈ અને શાંત મશીનમાંથી અચાનક બીપબીપ બીપબીપનો બેબાકળો અવાજ નીકળવા લાગ્યો . ડૉ. આવ્યા . હાર્ટને પંપિંગ કર્યું . ડૉ . નો પ્રયત્ન નિષ્ફળ ગયો . એમનાં મોઢામાંથી થોડું પાણી નીકળી આવ્યું , એક હેડકી આવી અને શરીર સ્થિર થઈ ગયું.  એક  આત્મજ્ઞાની મહાત્માએ ભરપૂર આત્મશુદ્ધિ અને આત્મજાગૃતિ સાથે અલવિદા લીધી . દિવસ હતો : વૈશાખ વદ ચોથ , ૨૨.૫.૧૯ . સમય હતો : સવારે ૬.૩૭ .

જીવનભર પોતાની જાતને લોકપ્રસિદ્ધિની ઝાકઝમાળથી એમણે દૂર રાખી . જ્ઞાનસારના શબ્દોમાં તેઓ लोकसंज्ञाविनिर्मुक्त યોગી હતા . એ ધારત તો હજારો , લાખોમાં પ્રસિદ્ધિ મેળવી શકત . એમણે એ દિશામાં વિચાર્યું  જ નહીં  .  એમનું લક્ષ્ય હતું કેવળ સ્વ આત્મા . આજીવન આત્મામાં રમમાણ રહ્યા  એટલે એમની અંતિમ ક્ષણો પૂર્ણતયા આત્મનિષ્ઠ , આત્મનિરત અને આત્માનંદી બની . 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *