Press ESC to close

૨૮ . ત્રણ વરસોની વાત

સંવેગકથા

દીક્ષા લીધી ત્યારે એક પળ પણ ગુરુથી દૂર નથી રહેવું એવી ભાવના હતી . દીક્ષાના બીજા જ વરસે ગુરુથી અલગ રહેવાનું શરૂ થયું . શરૂઆતમાં તો કાંઈ ગમ્યું જ નહીં . જ્ઞાન ઉપાર્જન અને સ્વાધ્યાયનું લક્ષ્ય હતું . તારણહાર ગુરુદેવ એની વ્યવસ્થા કરતા ગયા હતા . અધ્યાપન માટે પહેલાં રાજુભાઈ પંડિત અને પછી રજનીકાંતભાઈ પરીખ મળ્યા . બેય પુત્રમુનિઓને ખૂબબધો અભ્યાસ કરાવ્યો . પોતે પોતાનો અભ્યાસ કરતા રહેતા તે અલગ . દીક્ષાજીવનનું ત્રીજું ચોમાસું શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમાં થયું – નિશ્રા : પૂ.આ.શ્રીમદ્વિજય પ્રદ્યોતનસૂરીશ્વરજી મ. . ચોથું ચોમાસું પગથિયાના ઉપાશ્રયમાં થયું . નિશ્રા : શ્રી ચરણપ્રભવિજયજી મ. . પાંચમું ચોમાસું – નવરંગપુરા સંઘમાં થયું . નિશ્રા : પૂ.મુનિરાજશ્રી ચરણપ્રભવિજયજી મ. . આ ત્રણ વરસ દરમ્યાન શેષકાળમાં એકવાર નડિયાદ જવાનું થયું . એકવાર શેરીસા , પાનસર , ભોંયણી , શંખેશ્વર , ચાણસ્મા , મહેસાણાની યાત્રા કરી હતી . બાકી અધિકતર સમય અમદાવાદમાં જ વીત્યો હતો . આ વિહારમાં એક વાત સમજમાં આવી કે વિહારયાત્રામાં શ્રીસંવેગરતિવિજયજી મ.ને અનુકૂળતા ઓછી આવતી હતી . 

આ દરમ્યાન પૂના ભાયાણી પરિવારમાં એક પછી એક મૃત્યુની ઘટનાઓ આવી પડી . પહેલાં સંસારી પિતા હરિદાસભાઈએ વિદાય લીધી . છેલ્લી ઘડીએ એમનાં મોઢે સુરેશ સુરેશનું રટણ ચાલુ હતું . તે પછી સંસારી માતા સુશીલાબેને વિદાય લીધી , એ પણ છેલ્લી ઘડીએ – સુરેશ આવ્યો ? સુરેશ આવ્યો ? એમ પૂછતા રહ્યા હતા . તે પછી થોડા જ વખતમાં સંસારી લઘુબંધુ અનિલભાઈએ વિદાય લીધી હતી . આ ત્રણમાંથી કોઈએ જૈનધર્મ અંગીકાર કર્યો નહોતો . પાંચ વરસ પૂર્વે પરિસ્થિતિ એવી હતી કે ભાયાણી પરિવારમાં અગિયાર સભ્યો હતા . પછી ત્રણ જણાએ દીક્ષા લીધી . અને એ પછી ત્રણ જણા સ્વર્ગવાસી થયા . કુટુંબમાં બે મહિલાઓ અને ત્રણ બાળકો એમ પાંચ લોકો જ રહ્યા . પત્ર દ્વારા પરિવારને આશ્વાસન મોકલ્યું હતું . સંસારે પરિવારની મોટી પરીક્ષા લીધી હતી . મુંબઈમાં રહેતા સંસારી નાની પણ ગયા . દીક્ષા પછીના ચાર વરસમાં ચાર મરણ થયાં . વિહાર કરીને પૂના જવું છે એવો વિચાર મનમાં આવ્યો હશે પણ એમ પૂના પહોંચવું સહેલું નહોતું . જયાબેન અને કોકિલાબેને પ્રચંડ હિંમત કેળવીને વિકટ પરિસ્થિતિને લડત આપી હતી . આ બે બહાદુર મહિલાઓએ જે તાકાતથી આપત્તિને ટક્કર આપીને બધું સંભાળી લીધું હતું તે જોઈને સમાજ આશ્ચર્યપૂર્વક અવાક્ રહી ગયો હતો . પરિવારમાં પુરુષ જ ન રહે એવી પરિસ્થિતિ જેનાં માથે આવી હશે તે જ સમજી શકશે કે ભાયાણી પરિવારની પુત્રવધૂઓ પર શું વીતી હશે . દુકાન હોય , પૈસા હોય , ઘર હોય પણ પુરુષની છાયા ન હોય એવો સમય ભારે પડે છે . જયાબેને , કોકિલાબેને એ સમય બખૂબી સાચવી  લીધો હતો .   

તારણહાર ગુરુદેવ ત્રણ વરસ બાદ અમદાવાદ પધાર્યા . એ વખતે સ્વયં શ્રી સંવેગરતિવિજયજી મ . ની પરીક્ષા થાય એવો નિર્ણય સાહેબે લીધો હતો . સાહેબે શ્રી સંવેગરતિવિજયજી મ . ને પૂછ્યું હતું કે ‘ તમારાથી વિહાર ન થતો હોય તો તમે અમદાવાદ રોકાઈ જાઓ . હું બે પુત્રમુનિઓને મારી સાથે પાલીતાણા લઈ જવા માંગું છું . બોલો , તમે શું કહો છો ? ‘
જ્યારે આ પ્રશ્ન પુછાયો ત્યારે શ્રી સંવેગરતિવિજયજી મ . ગુરુને ના પાડી શકતા હતા , ના પાડવાનાં કારણો પણ આગળ ધરી શકતા હતા , પરંતુ ગુરુને ના પાડવાનું આ શિષ્યને આવડ્યું નહીં . દીક્ષા વખતે પોતાના પુત્રોને એમણે પોતાના શિષ્ય બનાવ્યા નહોતા . મારા પુત્ર મારા શિષ્ય થાય તો એમને સાધારણ ગુરુ મળ્યા કહેવાય . મારા પુત્ર જો શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ.ના શિષ્ય થાય તો એમને મહાન્ ગુરુ મળ્યા કહેવાય . આ એમની પરિકલ્પના હતી . દીક્ષા બાદ પુત્રમુનિઓની સાથે જ રહેવાનું માનસ બનેલું હોય . પુત્રમુનિઓથી અલગ રહેવાની કલ્પના પણ ન થઈ શકે . પરંતુ ચોક્કસ કારણોને લઈને ગુરુભગવંતે આ પ્રસ્તાવ મૂક્યો હતો . શ્રી સંવેગરતિવિજયજી મ. એ તે કારણોને સ્વીકાર્ય ગણ્યા અને તારણહાર ગુરુદેવને જે ઉચિત લાગ્યું એને શિરોધાર્ય માની લીધું . બેય પુત્રમુનિઓને લઈને તારણહાર ગુરુદેવે વિહાર કર્યો અને શ્રી સંવેગરતિવિજયજી મ. જ્ઞાનમંદિરમાં (અમદાવાદ) રોકાયા . એમની સાથે હતા પૂ.મુનિરાજ શ્રી બાહુ વિજયજી મ . ( ક્રમશઃ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *