ગુરુ સાંનિધ્યે પ્રથમ ચાતુર્માસ . પાલીતાણા . પન્નારૂપા ધર્મશાળાના ઉપાશ્રયમાં તારણહાર ગુરુદેવ અને થોડાક મહાત્માઓ બિરાજિત . ધર્મશાળાના પહેલા માળના ઓરડાઓમાં અન્ય સર્વે મહાત્માઓ બિરાજિત .
ધર્મશાળાથી દેખાતા ગિરિરાજને વીંટળાયેલા વાદળોમાં હિંગળાજનો હડો વારે તહેવારે અદૃશ્ય થયા કરે . ગિરિરાજની લીલીકુંજાર રમણીયતા આંખોને ભરી દે . વરસાદ એવો પડે કે લાંબા તળેટી રોડ પર શેત્રુંજી નદી તોફાન મચાવવા આવી ગઈ હોય એ રીતનું પાણી ઉભરાતું , દોડતું દેખાય . બારી બંધ કરીને મકાનમાં બેઠાબેઠા સ્વાધ્યાય કરનારા સાધુના કાને જલપાતનો પ્રચંડ અવાજ અફળાયા કરે . એકીસાથે ૧૦૫ મહાત્માઓ અપ્કાયની વિરાધનાથી બચવા માટે જાગૃતિ રાખતા હોય . વાંછટ શરીરે લાગવી ન જોઈએ . મકાનમાં વહી આવેલાં પાણીના રેલાઓને સ્પર્શ ન થવો જોઈએ . વરસાદને કારણે દેરાસરે ન જઈ શકાય તો ગિરિરાજ સમક્ષ ચૈત્યવંદન કરવાનું . બે સ્તવન સૌથી વધુ ચાલે : ક્યું ન ભયે હમ મોર અને વિમલાચલ નિતુ વંદીએ . વરસાદ ન હોય તો સવારે તારણહાર ગુરુદેવની છત્રછાયામાં તળેટીની યાત્રાએ વાજતેગાજતે જવાનું . રસ્તે અને તળેટીએ ભીડ . એમાં દાદાનો સંગ શોધે , ગિરિરાજની સ્પર્શના કરી પુલકિતભાવ અનુભવે . પાછા મકાને પહોંચતા સાડાસાત આઠ વાગી જાય . એકાસણું હોવાને કારણે ગોચરીની ચિંતા ન હોય . વ્યાખ્યાન પૂર્વેનો એકાદ કલાક ગાથા ગોખવામાં વીતે . તારણહાર ગુરુદેવનું વ્યાખ્યાન આશરે નવ સવા નવે શરૂ થાય અને સાડા દશ સુધી ચાલે . સાહેબજીની આસપાસ સિત્તેરથી એંસી સાધુ વ્યાખ્યાન સાંભળવા બેસે . સંઘને એક વિશાળ ઓટલો જ બનાવી દીધેલો , આ સાધુ પર્ષદા માટે . સભામાં સાધ્વીજી સોથી વધુ હોય , ગૃહસ્થો સાતસોથી હજાર જેટલા . શ્રી સંવેગરતિવિજયજી મ. ગૃહસ્થોની ભીડમાં સૌથી આગળ , પોતાનું આસન બિછાવીને બેસે . જો એ મહાત્માઓની સાથે ઓટલા પર બેસે તો વડીલોની મર્યાદા જાળવવા સૌથી છેલ્લે બેસવાનું થાય . એમાં તારણહાર ગુરુદેવથી દૂર બેસવું પડે , સરખો અવાજ ન સંભળાય . જે વાણી પાછળ ફિદા થઈને સંસાર છોડ્યો એ જ વાણીને દૂર બેઠા સાંભળવાનું કેવી રીતે ગમે ? ગૃહસ્થો બેસતા હોય જમીન પર . એ જગ્યાએ સૌથી આગળ , ગહુંલી પાસે બેસવાથી અવાજ પૂરેપૂરો સંભળાય . બધા મહાત્માઓ ઉપર બેઠા હોય ત્યારે આમ નીચે જમીન પર બેસવાનું કેવું લાગે ? એમનો જવાબ રહેતો : મારે દુનિયાને કાંઈ દેખાડવું નથી . મારે જે કરવું છે તે મારા ભલા માટે કરવું છે . મને સરસ સંભળાય એ રીતે હું બેસું છું , ક્યાં બેસું છું એ અગત્યનું નથી .
વ્યાખ્યાન પછી પોરિસી , પાત્રા પડિલેહણ . બાર વાગ્યા સુધી પાઠ ચાલતો હોય અને એકાએક કોઈ મુનિભગવંત ઊંચા સાદે અવાજ આપે : મહાત્માઓ પધારો , ગોચરી આવી ગઈ છે . મિનિટોમાં જ દરેકેદરેક રૂમમાંથી મહાત્માઓ ગોચરી હોલમાં આવે . ગોળાકાર મોટી માંડલીમાં વચ્ચે મુખ્ય સ્થાને વડીલો બિરાજે , બાકી મહાત્માઓ દીક્ષાના ક્રમ મુજબ બેસે . તારણહાર ગુરુદેવ ગોચરીહોલમાં પધારે નહીં . એમની ગોચરી નીચે ઉપાશ્રયમાં થઈ જાય . અહીં મોટા હોલમાં એકીસાથે સીત્તેરથી નેઉં મહાત્માઓ પોતપોતાના પાત્રા લઈને બેસે . ગોચરી લાવનારા મહાત્માઓ જુદા હોય . ગોચરી વહેંચનારા મહાત્માઓ જુદા હોય . ગોચરીમાં કોણ શું વાપરશે અને કેટલું વાપરશે એની સૌપ્રથમ ગણતરી એક મહાત્માએ વ્યક્તિગત રીતે કરી હોય . ગોચરી વહેંચનારા મહાત્માઓ એ ગણતરી અનુસાર દરેક મહાત્માના પાત્રામાં ગોચરી મૂકે . એક પછી એક દ્રવ્ય વહેંચાય . જેટલું મંગાવ્યું હોય એટલું લેવાનું . મારે ખરેખર કેટલું વાપરવું છે એનું જજમેન્ટ ધીમે ધીમે આવે . ગોચરીમાંડલીનો મેળો દર્શનીય હોય . થોડો કોલાહલ થાય તે સાંભળવાનું ગમે . ગોચરી પછી પડિલેહણ . એ પછી શ્રીકીર્તિયશવિજયજી મ. આવશ્યક ક્રિયાનાં સૂત્રોની અર્થવાચના આપે . એ પછી તારણહાર ગુરુદેવની વાંચના . ત્યારબાદ દરેક મહાત્માઓને વંદન . પ્રતિક્રમણ , સ્વાધ્યાય અને સંથારો . અનાદિકાળનો સંસાર , સંસ્કાર બનીને જે અંદર જમા છે તેને ભૂંસવાની તાકાત ગુરુકુલવાસના એક એક દિવસમાંથી મળે .
ચોમાસા બાદ નવાણું યાત્રા . તે પછી વિહાર . પહેલા દિવસે સવારે ગુરુકુળ , સાંજે મોખડકા . આગળ વલ્લભીપુર , ધોલેરા , લીંબડીના રસ્તે ખંભાત પહોંચ્યા . જૈન અમરશાળામાં સ્થિરતા . ગરમીના દિવસોમાં ખંભાતના અખાતની રેતી ઉડીને ઉપાશ્રયમાં આવતી , ખૂણે ખૂણે ભરાતી . પડિલેહણ પછીનો કાજો લેવાય એમાં રેતના ઢગલા નીકળતા . ઉપાશ્રયનો એક દરવાજો થંભણદાદાનાં દેરાસરે લઈ જાય . બીજો દરવાજો નગરશેઠનાં ઘર તરફ . હવેલી જેવડો ઉપાશ્રય પણ નાનો પડી જાય એટલા મુનિભગવંતો . વ્યાખ્યાનમાં કાંઈ ભીડ ઉભરાય ? ગણી ન શકાય . વ્યાખ્યાનનો વિષય હતો : ધર્મ કોને કહેવાય ? વિષયનો વિરાગ આપે તે ધર્મ , કષાય પર અંકુશ લાવે તે ધર્મ , ગુણનો પ્રેમ વધારે તે ધર્મ , ક્રિયાઓમાં ઉત્સાહિત બનાવે તે ધર્મ . શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા આ વિષય પર બોલતા હોય તેમાં શું બાકી રહે ? વ્યાખ્યાનો અજ્જબ થતા .
શ્રી સંવેગરતિવિજયજી મ. અતિશય બુદ્ધિશાળી હોવા છતાં શુદ્ધ વિદ્યાર્થી ભાવે વ્યાખ્યાનના એક એક અક્ષરને સાંભળતા . આ વિષય બહુ જ સરસ છે એમ વિચારી રાજી થતા . વ્યાખ્યાનની નોટનાં પાનાં ઝપાટાભેર ભરાતાં .
ખંભાતથી અમદાવાદ તરફ વિહાર થયો ત્યારે ગરમી ઘણી હતી . ભાલ પંથકમાં કાળી માટીની પગરવાટ પર ચાલતા નીકળો એમાં ભૂલા પડવાનો ડર સૌથી વધુ . કાચો રસ્તો ગમે ત્યારે બે તરફ ફંટાય . પૂછવાજોગું માણસ પણ ન દેખાય . એકાદ ખેડૂત મળી જાય તો જવાબ આપે : નોકની દોંડીએ હાલ્યા ઝાવ = નાકની દાંડીએ ચાલ્યા જાઓ . સૂરજની દિશા અને જે ગામે પહોંચવાનું એ ગામની દિશા યાદ રાખીને એ દિશા સાથે નાકની દાંડી મૅચ કરીને ચાલતા રહો એટલે ધાર્યું ગામ આવી જાય . અઢી ત્રણ કલાકથી વધુ લાંબા વિહાર હોય નહીં . સમુદાય સાથેનો વિહાર , સ્વતંત્રતા ઓછી આપે , સલામતી ઘણી આપે . ( ક્રમશઃ )
૨૬ . સમુદાયનો સોનેરી સથવારો
Previous Post
૨૫ . ગુરુકુલવાસ
Next Post
Leave a Reply