મહોત્સવ યોજાયો હતો અને વૈશાખી પૂનમે વરસીદાનનો વરઘોડો નીકળ્યો હતો . એક સાથે છ ભાઈઓ અને દશ બહેનોની દીક્ષા હતી . દીક્ષાર્થીના બહુમાન સંબંધી બે મેળાવડા થયેલા , સુરેશભાઈએ આપેલ વક્તવ્યોમાં એમનાં તત્ત્વચિંતનની છાંટ જોવા મળી હતી . હવે દીક્ષા થઈ જશે એના ભાવનાત્મક દબાવમાં હરિદાસભાઈની તબિયત બગડી હતી , મહોત્સવ દરમ્યાન . સૂરિભગવંતે તેમની રૂમમાં પધારીને તેમને માંગલિક સંભળાવ્યું હતું અને હિંમત આપી હતી . હરિદાસભાઈએ વૈષ્ણવ ધર્મને માનવાનું છોડ્યું નહોતું . જે જન્મે વૈષ્ણવ હતા , અત્યારે પણ વૈષ્ણવ ધર્મ સાથે જોડાયેલા હતા એવા જયાબેને , આ દીક્ષા માટે હા પાડી હતી એ મોટું આશ્ચર્ય હતું . દીક્ષામાં જયાબેનના સૌથી મોટા ભાઈ કિશોરભાઈ આવ્યા હતા , એમને પણ જૈનધર્મ સાથે કોઈ જ લેવાદેવા નહીં . સુરેશભાઈ અને બાળકોની ખુશીમાં અમારી ખુશી છે એવું સ્વજનોનું માનસ હતું . જે ગુરુ મળ્યા છે તે આતિશયિક પુણ્યોદય ધરાવે છે એ નજરે નિહાળવા મળ્યું હતું . એમનો પ્રભાવ , એમનો કરિશ્મા અથવા એમનો ચમત્કાર કામ કરી રહ્યો હતો . દરેક દીક્ષાર્થીનાં મોઢે આ જ વાત હતી .
અને એ દીક્ષાદાતા આ દીક્ષાર્થીઓ પ્રત્યે નિઃસ્પૃહ હતા એ દેખાતું હતું . એમનો આ દીક્ષા અંગે અભિપ્રાય આવો હતો :
તમે બધા દીક્ષા લેવા માંગો છો એ અનુમોદનીય છે . દીક્ષા શું છે એ તમને ગુરુએ સમજાવ્યું છે અને તમે એ સમજી ચૂક્યા છો . તમને ચકાસવાની જવાબદારી અમારી હતી . અમે તમને દીક્ષા લેવાની અનુમતિ આપી છે . તમારી મુમુક્ષુભાવનાને અમે સ્વીકૃતિ આપી છે . આજે દીક્ષા મળી જશે એટલે કામ પૂરું થઈ જશે એવું માનશો નહીં . આજથી કામ શરૂ થાય છે એમ સમજો . આજસુધી જે ઊંચાઈનું જીવન તમે જીવ્યા નથી એ ઊંચાઈનું જીવન હવે થોડાસમયમાં શરૂ થશે . તમે આજે ખૂબ પ્રસન્ન દેખાઈ રહ્યા છો . આવનારા દિવસોમાં , મહિનાઓમાં અને વરસોમાં આમ જ પ્રસન્ન રહીને સાધના કરજો . તમે નદીના ઊંડા પાણીમાં તરી શકો છો તે સાચું પરંતુ હવે તમે દરિયાના પાણીમાં ઉતરી રહ્યા છો . સાવધાન રહેજો . થોડી પણ ગફલતમાં રહેશો તો ક્યાં અને કેવી રીતે ખોવાઈ જશો એ તમને પણ સમજાશે નહીં .
ગુરુનો આ ઉદાત્ત મનોભાવ એમનાં સૂત્રોના ઉદ્ઘોષમાં અને ક્રિયાના આદેશમાં સંભળાઈ રહ્યો હતો .
પન્ના રૂપા ધર્મશાળાના વિશાળ પટાંગણમાં એક ભવ્ય શમિયાણો બંધાયો હતો . સૂરજ ઉગે તે પૂર્વે દીક્ષાની ક્રિયા શરૂ થઈ ચૂકી હતી . ત્રિગડામાં બિરાજમાન ચૌમુખજી ભગવાનની એક તરફ છ પુરુષ હતા , બીજી તરફ દશ બહેનો હતી . સૌ પ્રથમ નરેન્દ્રભાઈ હેક્કડને ઓઘો અપાયો હતો , તે પછી સુરેશભાઈને ઓઘો અપાયો હતો , તે પછી લલિતભાઈને ઓઘો અપાયો હતો , તે પછી અમિતકુમારને ઓઘો અપાયો હતો , તે પછી પ્રકાશ કુમારને ઓઘો અપાયો હતો , તે પછી આશિષ કુમારને ઓઘો અપાયો હતો . ત્યાર બાદ દશ મુમુક્ષુ બહેનોને ઓઘો અપાયો હતો . દરેક દીક્ષાર્થી ઓઘો લઈને નાચ્યા હતા . સોળ દીક્ષાર્થીઓમાં બીજા દીક્ષાર્થી તરીકે સુરેશભાઈ પણ ઓઘો લઈને નાચ્યા હતા . એમની આંખમાં અવિરત આંસુ વહી રહ્યા હતા . મને ઓઘો મળે એવી ભાવના સેવી હતી , મને ઓઘો મળી જશે એવી સંભાવના પણ નજર સમક્ષ હતી . છતાં મને ઓઘો મળ્યો છે એ હકીકત માન્યામાં આવતી નહોતી . આનંદનાં આંસુઓની સાખે વેશ પરિવર્તન થયું હતું . સૌ દીક્ષાર્થી મુનિવેશમાં દેદીપ્યમાન લાગી રહ્યા હતા . દીક્ષાવિધિના અંતિમ તબક્કે નવાં નામની ઉદ્ઘોષણા થઈ હતી .
સુરેશભાઈનું નવું નામ જાહેર થયું : મુનિશ્રી સંવેગરતિવિજયજી . અમિતકુમારનું નવું નામ : મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી . પ્રકાશકુમારનું નવું નામ : મુનિશ્રી પ્રશમરતિવિજયજી .
સૌથી મોટી વાત એ હતી કે નવી શરૂઆત શત્રુંજય ગિરિરાજની છત્રછાયામાં થઈ હતી . વિ.સં. ૨૦૪૦ની એ સાલ હતી .
Leave a Reply