મનોહર વચનથી જગાડી જનારા
સુવાસિત લખાણોમાં છલકી જનારા
સખા જેવા સુંદર , કવિ જેવા મીઠા
શ્રી પ્રદ્યુમ્ન સૂરિ બન્યા રે અદીઠા …૧
સરસ સ્મિત હતું આત્મ સંતોષવાળું ,
હતું હૈયું એનું હંમેશા કૃપાળુ .
લૂંછે સૌના આંસુ એવા એ દયાળુ ,
છબીમાં બંધાયેલ એને નિહાળું . ૨
ન કર્તૃત્વ રાખ્યું કર્યા ખૂબ કામ ,
એ વૈરાગી વાત્સલ્યના પુણ્યધામ
ઝલક એને આકાશની બહુ મળી’તી
એની લાગણી સાધનામાં ભળી’તી . ૩
એની ભવ્ય ભાષાનો જોટો જડે ના ,
એને શબ્દની ક્યાય ઓછપ નડે ના .
અલંકાર યોજે અને રસ જમાવે
કલમ એની વિદ્વજ્જનોને નમાવે . ૪
એને આજ મળશું એને કાલ મળશું
એવા સૌ વિચારો અધૂરા રહ્યા રે
એને નાથ સીમંધરે ત્યાં બોલાવ્યા
અહીં શોક જાગ્યો છે હૈયામાં ભારે . ૫
કર્યા કૈંક સંશોધનો નાનામોટા
યશોવાણીના એ પ્રચારક પનોતા
એ ઔષધ અને ફૂલના મર્મવેત્તા
એ સાહિત્યસર્જક હતા ધર્મવેત્તા . ૬
વિચારો અચાનક આ અટકી રહ્યા છે
અમારા સૂરિદેવ સ્વર્ગે ગયા છે .
ઉપર દેવતાઓે સભાને સજાવે
નીચે ભક્ત આંખેથી આંસુ વહાવે . ૭
તમે કેવી સુંદર કવિતાઓ ગાતા ?
તમે શ્લોક લલકારી બહુ રાજી થાતા
હવે કાવ્ય શ્લોકો તમારા લખાશે
તમારા વિના એ શી રીતે ગવાશે ?૮
અમે આપના સંગે જીવનને માણ્યું
હવે થઇ ગયું જાણે જીવન અજાણ્યું
અમે આપને રાતદિન યાદ કરશું
સદા આપની વાણીને ચિત્ત ધરશું . ૯
Leave a Reply