Press ESC to close

૧૬ . શોધખોળ

સંવેગકથા

દીક્ષા લેવાનું મન થાય એટલા માત્રથી દીક્ષા મળી જતી નથી . સમજો કે કોઈને ડોક્ટર બનવાનું મન થાય તો એ તરત ડોક્ટર બની શકતો નથી . એને થિયરિકલ ભણવું પડશે . એને પ્રેક્ટિકલ કરવું પડશે . ત્યાર બાદ એ પરીક્ષા આપશે . જો પરીક્ષામાં સારા ગુણાંક દેખાશે તો જ ડોક્ટરી મળશે . આમ કરવામાં ઘણો સમય જશે . ઉતાવળે આંબા પણ પાકતા નથી . ઉતાવળે ડોક્ટર પણ થવાતું નથી . એ રીતે ઉતાવળે દીક્ષા પણ અપાતી નથી . કોઈને દીક્ષા લેવાનું મન થઈ ગયું એટલે એને દીક્ષા મળી જ જાય એવું નથી હોતું . એણે ગુરુને કહેવાનું હોય છે કે મને દીક્ષા લેવાનું મન છે . આ નિવેદન પછી ગુરુ એને પ્રશિક્ષણ આપવાનું શરૂ કરે છે , એમાં એને કેટલો સમય લાગશે તે ગુરુ નક્કી કરે છે . પરીક્ષા અલગ અલગ રીતે લેવાય છે અને ગુરુ નાપાસ કરીને વાપિસ ઘરે મોકલી શકે છે . સુરેશભાઈને અને એમના બે બાળકોને દીક્ષા લેવાનું મન થયું હતું એનો અર્થ એ નહોતો એમને દીક્ષા મળી જ જશે . એમણે હજી સુધી કોઈ ગુરુભગવંત પાસે દીક્ષા લેવાની ભાવના વ્યક્ત કરી નહોતી . એમની એ ભાવનાને સ્વીકૃતિ મળશે કે તે પણ હજી સ્પષ્ટ નહોતું . અત્યારે આ ત્રણેય દીક્ષા – ઈચ્છુકો ગુરુ પાસે પહોંચવાનું વિચારી રહ્યા હતા . દીક્ષા બાબતે કોઈ નિર્ણય કર્યો નહોતો .
આ બધી વાતોથી તદ્દન અજાણ રહેલા પૂનાનિવાસી ભાયાણી પરિવાર અને મુંબઈનિવાસી પરિવારને એવું લાગ્યું કે ત્રણેય તુરંતમાં ક્યાંક જઈને દીક્ષા જ લઈ લેશે . એટલે એ લોકો બેબાકળા થઈને ત્રણેયની શોધ કરવા નીકળી પડ્યા . મહેન્દ્રભાઈનાં ઘરે , આદિનાથ સોસાયટી મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.  મહેન્દ્રભાઈએ પોતાનાં ઘરની તલાશી લેવા દેવાની તૈયારી બતાવી હતી . પણ ત્યાં ત્રણ ભાગ્યશાળીઓ નહોતા . કેમ્પમાં વિનોદભાઈનું ઘર , બુધવાર પેઠમાં ભીખુભાઈનું ઘર , કલ્યાણ સોસાયટીમાં રજનીભાઈનું ઘર , ભવાની પેઠમાં ભરતભાઈ કોફીવાળાનું ઘર . કેટલાય ઘર હતાં તપાસ કરવા માટે . બધે તપાસ કરી . ક્યાંય એ ત્રણ ન મળ્યા કે એમની ખબર ન મળી .
સુરેશભાઈ તરફથી પરિવારની સાથે સંપર્ક થયો હોત તો બીજો કોઈ ખુલાસો પરિવાર સાંભળવાનો નહોતો . એ લોકો સરનામું પૂછીને સીધા મળવા જ આવી જાત . બાળકોને પાછા લઈ જવાની જીદ્દ પકડત . એમને એ ખબર નહોતી કે ગુરુઓ તુરંત દીક્ષા આપતા નથી . એમને એમ લાગી રહ્યું હતું કે ગુરુઓ તો જે આવે એને તરત જ મુંડી નાંખતા હશે . એકવાર જો આપણા સ્વજન મુંડાયા તો પછી થઈ રહ્યું . ટેંશનનું ભૂત સૌના માથે સવાર થઈ રહ્યું હતું . ત્રણ ભાગ્યશાળીઓ પૂનામાં છે કે નથી ? પૂનામાં છે તો કઈ જગ્યાએ છે ? પૂનામાં નથી તો ક્યાં ગયા છે ? આ પ્રશ્નોના જવાબ તત્કાળ મળી રહ્યા નહોતા .
દીક્ષા કોણ આપવાનું છે ? એની તપાસ જયાબેને કરી . સંભવિત દીક્ષાદાતાને મળવા માટે પૂનાથી નીકળ્યા અને અમદાવાદ પહોંચ્યા . કમાલની વાત એ હતી કે ત્રણ ભાગ્યશાળી ,  અમદાવાદ પણ પહોંચ્યા નહોતા . ( ક્રમશ: )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *