Press ESC to close

૧૦ . જયાબેન ભાયાણી

સંવેગકથાઘરમાં નાનું મંદિર હતું , એમાં ઠાકુરજીની મૂર્તિ હતી . ઠાકુરજીની પૂજા રોજ કરવાની રહેતી . સવારે નિયત સમયે મંદિર ઉઘડે . ઠાકુરજીના વાઘા ઉતરે . જળ – દૂધ – દહીં – ઘી – મધ – ગોળ – પંચામૃત – શુદ્ધ જળ અને ગંગાજળથી સ્નાન વિધિ થાય . કોમળ હાથે અંગ લૂંછાય . નવા વાઘા ચડે . લાલાને પીળા ચંદનનું તિલક થાય . ફૂલ અથવા ફૂલની માળા ચડે . તુલસી , દૂર્વા , સુગંધી તેલ , ધૂપ દીપ ધર્યા બાદ માખણ મિસરીનો ભોગ ચડે . મોરપિચ્છ , વાંસળી , વૈજયંતી માળા અર્પિત થાય . છેવટે નંદલાલાને પાંચવાર મિસરી ચખાડવાની . ફળ મૂકવાનું . પાંખડીઓ પર કપૂર પ્રગટાવી આરતી કરવાની . આશકા માથે લેવાની . શંખજળ મૂર્તિ પર અને ખુદ પર છાંટવાનું . મૂર્તિની ઉપર અંજલિ ગોળ ઘુમાવી પ્રદક્ષિણા સમ્પન્ન કરવાની . ચરણામૃતપાન થકી સમાપન કરવાનું . ગીતાપાઠમાં થોડો વખત મન લગાડવાનું . આ વિધિ કદીક ટૂંકાણમાં થતી અને કદીક લંબાણથી થતી . સુરેશભાઈને આ વિધિમાં રસ રહ્યો નહીં . પરંતુ તેમના ધર્મપત્ની જયાબેન કટ્ટર વૈષ્ણવ હતા . એમણે સવાર સાંજની મંદિર વિધિ ચાલુ જ રાખી હતી . પોતાના ત્રણેય બાળકોને તેઓ ઠાકુરજીની પૂજામાં અને ભક્તિમાં જોડતા , જોડાયેલા રાખતા . વૈષ્ણવ પર્વદિનોમાં ફળાહારી ઉપવાસ કરે , કરાવે . નોરતાના
દિવસોમાં અંબાજીનાં પ્રાચીન મંદિરે બાળકોને લઈ જાય . હવેલીના લબ્ધપ્રતિષ્ઠ મહારાજ સાથે બાળકોની ઓળખાણ કરાવેલી .
જૈન ધર્મ સારો છે કે  નથી એ પ્રશ્ન જુદો હતો . આપણો વૈષ્ણવ ધર્મ આપણો છે એ સૂર ઊભો રાખવાનું ઝનૂન હતું . જ્યારે લગ્ન થયા ત્યારે સુરેશભાઈ વૈષ્ણવ છે અને વૈષ્ણવ જ રહેવાના છે એવી ખાતરી હતી . હવે સુરેશભાઈએ આમ વૈષ્ણવ ધર્મથી દૂર રહેવાનું શરૂ કર્યું તે જયાબેનને મંજૂર નહોતું . અધ્યાત્મની વાતો એની જગ્યાએ ઠીક છે પરંતુ ધર્મ તો વૈષ્ણવનો જ પાળીશું એ સંકલ્પ પાકો રાખ્યો હતો .
સુરેશભાઈના મિત્રોનું સૂચન હતું કે દીક્ષા લેવી છે તો દીકરાઓની સાથે લો . જયાબેન તો સુરેશભાઈની દીક્ષા પણ થવા દે કે કેમ એ પ્રશ્ન હતો . જયાબેન મુંબઈના . એમને પાંચ ભાઈઓ . કિશોરભાઈ . ધીરુભાઈ . હસુભાઈ . ભરતભાઈ અને વસંતભાઈ . આ ભાઈઓને પણ જૈન ધર્મ સાથે સ્નાનસૂતકનો સંબંધ નહોતો . પોતાની બેન જૈન બની જાય એમાં એમને કશો રસ નહોતો . બીજી તરફ સુરેશભાઈના પિતા હરિદાસભાઈ પણ ‘ સુરેશ જૈન બન્યો ‘ એના વિરોધમાં હતા . જેનો જનમ જે કુટુંબમાં થયો એ કુટુંબનો ધર્મ એણે પાળવાનો એવું એમનું મંતવ્ય . કોઈ જૈનને વૈષ્ણવ ધર્મી બનાવીએ તેય ખોટું અને કોઈ વૈષ્ણવને જૈનધર્મી બનાવીએ તેય ખોટું . તેઓ રોજ બોલતા . સુરેશભાઈના લઘુબંધુ અનિલભાઈ પણ વૈષ્ણવ બની રહેવાનો મત ધરાવતા . જયાબેનને પિયર અને સાસર બેયનું પીઠબળ હતું . એ સુરેશભાઈને મચક આપવાના નહોતા .
જયાબેને સુરેશભાઈને કહી દીધેલું કે ‘ તમારે જે ધર્મમાં માનવું હોય તે માનો પણ અમારી પર કોઈ દબાણ નાંખવાની જરૂર નથી . તમે તમારું કરો . અમે અમારું કરીશું . ‘
સુરેશભાઈને મિત્રો થકી એક વિચાર સૂઝ્યો . ભલે , બાળકો જયાબેનને અનુસરીને વૈષ્ણવ ધર્મ પાળે . આ બાળકોને મહેન્દ્રભાઈની વાચના સાંભળવા મળે અને એ માધ્યમે બાળકોનું સિંચન થાય . એમણે જયાબેનને વિશ્વાસમાં લીધા અને પછી જયાબેને બાળકોને મહેન્દ્રભાઈની વાચનામાં જવા રજા આપી . એમની વાત બહુ સ્પષ્ટ હતી : બાળકો સારી વાત સાંભળશે તો મોટા થઈને સંસ્કારી જીવન જીવશે .
સુરેશભાઈને દીક્ષા લેવાનું મન છે એ વાત જયાબેનને એક મીઠી મજાક જેવી લાગતી હતી . સુરેશભાઈ દીક્ષા લેવાનું વિચારી જ ન શકે , જો વિચારે તો એમનો એ વિચાર થોડાદિવસનો મહેમાન છે , આટલી હદ સુધીનું  એમણે વિચારી લીધેલું .
સુરેશભાઈના જે જે જૈનમિત્રો જયાબેનને જોવા મળ્યા તે સૌ , વિશ્વસનીય અને સંપન્ન હતા . કોઈના ઘેરથી કોઈની દીક્ષા થઈ નહોતી . જેમ આ જૈન પરિવારોમાંથી કોઈની દીક્ષા થઈ નથી તેમ આપણાં ઘરમાંથી પણ કોઈ દીક્ષા થવાની નથી એવી સોટકાની ખાતરી સાથે એમણે બાળકોને મહેન્દ્રભાઈની વાચનાાઓમાં  મોકલવાનું શરૂ કર્યું .
જયાબેનને ક્યાં ખબર હતી કે આ વાચનાઓ જ બાળકોને બદલી નાંખશે . ( ક્રમશઃ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *