Press ESC to close

૩૯ . દોઢસોથી વધુ નોટબુક્સ લખી

સંવેગકથા

સ્વાધ્યાયની ઘણીબધી નોટબુક્સ લખી હતી . દરેક નોટબુક સોથી બસો પાનાની હોય . योगदृष्टिसमुच्चयની નવ નોટબુક્સ , योगशास्त्रની ત્રણ નોટબુક્સ , તારણહાર ગુરુદેવની ૩૪૨ વાચનાઓની કુલમળીને ૧૨ નોટબુક્સ , શ્રાવકધર્મવિધિની ત્રણ નોટબુક્સ , વિહારપ્રવચનોની બે નોટબુક્સ તથા ગુરુસંગે થયેલ વિધવિધ પ્રશ્નોત્તરની એક નોટબુક , ઉત્તરાધ્યયન , દશ વૈકાલિક , સાધુ સામાચારી , કલ્પસૂત્ર , અધ્યાત્મસાર , દર્શનશુદ્ધિ , યોગશતક , ધર્મબિંદુ , જ્ઞાનસાર , યોગવિંશિકા , અધ્યાત્મ ઉપનિષદ્ , ષોડશક , જીવવિચાર , નવતત્ત્વ , ભાષ્યત્રય , કર્મગ્રંથ , પુણ્યાનુબંધી પુણ્ય , ચૌદ ગુણસ્થાનક , આવશ્યકસૂત્રો , શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર , કષાયસ્વરૂપ , ધર્મસિદ્ધિ લિંગ , વ્યાખ્યાન યોગ અવરોધક દોષ , દાન ગ્રંથિ સ્વરૂપ , વિષય વૃક્ષ છાયા , ચૈત્યવંદના , અનેકાંતવાદ , ચતુર્થસ્તુતિનિર્ણય , જ્યોતિષ અને યોગવિધિની એકેક નોટબુક , લેશ્યાવિચારની પાંચ નોટબુક્સ , દ્રવ્યગુણપર્યાયનો રાસની ચાર નોટબુક્સ – આ રીતે અલગ અલગ વિષયોની દોઢસોથી વધુ નોટબુક્સ એમણે લખી હતી . દરેક નોટબુકના એકસો પાનાં ગણો તો આશરે ૧૫૦૦૦ પાનાં ભરીને એમણે લખ્યું હતું . દ્રવ્યગુણપર્યાયનો રાસ સાત વખત વાંચ્યો હતો . સન્મતિતર્ક ગ્રંથની વાદમહાર્ણવ ટીકાનો જે અત્યંત લાંબો હિંદી અનુવાદ , પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી જયસુંદરસૂરીશ્વરજી મહારાજાએ કર્યો છે એનો સંપૂર્ણ ગુજરાતી અનુવાદ તૈયાર કરીને સરસ રીતે લખ્યો . અટક્યા વિના સ્વાધ્યાય ચાલુ રાખ્યો હતો . સ્વાધ્યાય જ સત્ હતું , સ્વાધ્યાય જ ચિદ્ , સ્વાધ્યાય જ આનંદ . ‘ મનેેં બીજા બદ્ધાં વિના ચાલે પણ સ્વાધ્યાય વિના બિલકુલ ન ચાલે ‘ એમનું આ સ્વસંવેદન હતું . પરંંતુ લીવરની ભારેખમ તકલીફે આ સ્વાધ્યાયમાં નડતર ઊભું કર્યું.  વારંવાર કમળો થઈ જતો. એમાંથી કમળી થઈ અને એમાં જ લીવર તદ્દન કમજોર પડી ગયું . એમનું શરીર એકદમ ઝંખવાઈ ગયું  . અમદાવાદની સાલ હોસ્પિટલમાં ભરતી કર્યા .  લીવર સંબંધી ચેકિંગ કરવામાં આવ્યું  ત્યારે ખબર પડી કે  એમનાં શરીરમાં  બિલીરૂબિનનું લેવલ ૩૦ જેટલું હતું . આટલી માત્રામાં  બિલીરૂબિન હોય તો આખાય શરીરનું લોહી પાણી બનવા માંડે છે .  ( સામાન્ય આદમીનું બિલીરૂબિન લેવલ ૦.૩ જેટલું હોય છે , બિલીરૂબિન આટલા પ્રમાણમાં હોય તો આયુષ્ય પર જોખમ હોતું નથી . પણ ક્યાં 0.3 અને ક્યાં 30 ? આ સ્થિતિમાં ક્યારે પણ , કંઈ પણ થઈ શકે છે . ) લાંબો ઉપચાર જરૂરી હતો . સામાન્ય સંયોગોમાં એ કોઈની સેવા લેતા નહીં. લીવરની તકલીફમાં તેઓ સદંતર પરવશ થઈ ગયા . તેમને તુરંત પૂના લાવવામાં આવ્યા .  ઘણાં વર્ષોથી પૂનાની ભૂમિ પુકારી રહી હતી . દીક્ષાના તેત્રીસમાં વર્ષે પૂના પધાર્યા . જ્ઞાનમંદિર – અમદાવાદ સાથેનો ઋણાનુબંધ આજીવન રહેશે એવું લાગતું હતું . તેઓ સ્વયં કેટલીય વાર મંગળ મજાક રૂપે કહી ચૂક્યા હતા કે મારી પાલખી જ્ઞાનમંદિરથી નીકળવાની છે . પરંતુ માદરેવતન પૂનાની ધરતીએ એમને અમદાવાદ છોડાવ્યું . પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજાની  સાથે લાંબો પરામર્શ કર્યા બાદ આ નિર્ણય લેવાયો હતો .  પૂના પધાર્યા . શ્રુત ભવન સંશોધન કેન્દ્રની ભવ્ય ઈમારતમાં એમનું પુણ્ય પદાર્પણ થયું . આ સંસ્થાના ટ્રસ્ટીઓ માટે આત્મસંતોષની વાત એ હતી કે શ્રુતભવન બન્યું તેના પાયામાં વિચાર એ જ હતો કે શ્રી સંવેગરતિવિજયજી મ. પૂના પધારે અને શ્રુતભવનમાં સ્થિરવાસ કરે .

વિ . સં . ૨૦૧૭ની સાલ હતી . માગસર સુદ ચૌદસ હતી . તારીખ હતી ૩ ડિસેમ્બર . દીક્ષા બાદ પહેલીવાર પૂના આગમન થયું હતું . શ્રુતભવનના પ્રેરણાસ્રોત પુત્રમુનિવર પૂ. ગણિવર્ય શ્રી વૈરાગ્યરતિ વિજયજી મ.ને એમની સેવાનો ભરપૂર લાભ મળ્યો હતો . તેઓ પૂના પહોંચ્યા ત્યારે બિલીરૂબિન ૨૯ હતું . તેમને પૂના હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા . સવા મહિને એમનું બિલીરૂબિન ૧૯ થયું હતું . એક તબક્કે એમની કંડિશન ડૉ.ના કંટ્રોલની બહાર હતી . પરંતુ શ્રેષ્ઠ ઉપચારોને કારણે તેઓ ફરી એકવાર મૂળ રંગમાં આવવા લાગ્યા  . પોતે કમળીમાંથી અને લીવરની ભયાવહ તકલીફમાંથી ધીમેધીમે બહાર આવ્યા એને એમણે પ્રભુનો ચમત્કાર ગણાવ્યો હતો .

શ્રુતભવનને તેમનું સાંનિધ્ય ત્રણ વરસ સુધી મળ્યું.  એમ સમજાતું હતું કે શ્રુતભવન સાથે એમની અપરિસીમ સાત્ત્વિક ઊર્જાનુું જોડાણ થઈ ગયું છે .   પોતાના પુત્રમુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી મ. ગણિપદે બિરાજીત હતા તે વખતે ,  પોતે પિતા હોવા છતાં તેઓ એમને કહેતા કે ‘ તમે પદવીધર છો . મારાથી તમારાં વંદન લેવાય નહીં . ‘

શ્રુતભવનમાં રહેવાની અનુકૂળતા રહે તે માટે જે રૂમમાં તેમને બિરાજમાન કરવામાં આવેલા એ રૂમમાં પૂર્વે વયોવૃદ્ધ મુનિવરશ્રી સંયમરતિવિજયજી મ.ની સ્થિરતા રહેતી . મારી માટે એ મહાત્માને એ રૂમમાંથી બીજે ખસેડવામાં આવ્યા છે એવી એમને ખબર પડી ત્યારે તેઓ બોલ્યા હતા કે ‘ મારાં કારણે આ મહાત્માને અગવડ પડી ગઈ . આવું શું કામ કર્યું ? હું તો ક્યાંય પણ ગોઠવાઈ જાત . એમને હેરાન નહોતા કરવા . ‘

બગડેલી તબિયત સુધારા પર આવવા લાગી એટલે તેમણે કહ્યું હતું કે ‘ ગાડી પાટે ચડી ગઈ છે . મારો સ્વાધ્યાય છૂટી ગયો છે તે ચાલુ કરાવી દો . ‘ વાંચવા માટે ગ્રંથો . લખવા માટે નોટપેન . બેસવા માટે ખુરશીટેબલ . પહેરવાના સ્પેસિફિક ચશ્મા . વિશ્રામ માટે પાટ . સૂવા માટે સંથારો . ઓઢવા માટે ધાબળો . ક્રિયા માટે સ્થાપનાજી . ઉપધિ અને પાતરા રાખવાની જગ્યા .  પરઠવવાની વ્યવસ્થા . બધી ગોઠવણ પોતાની અનુકૂળતા અનુસાર કરી . તેઓ કહેતા : ‘ સામાન એવી રીતે ગોઠવેલો રાખવાનો કે અડધી રાતે સોંય જોઈતી હોય તો અંધારામાં પણ મળી જાય . ‘  શ્રુતભવનમાં એટલું સરસ ગોઠી ગયું કે લાંબો  સમય જ્ઞાનમંદિરમાં રહેલા તેની યાદ કે ત્યાંની આદતનો અણસાર સુદ્ધાં ન વર્તાયો નહોતો .  

અને પછી સ્વ અધ્યાયનાં કામે લાગી ગયા . રોગ જાણે થયો જ નહોતો . એમનું સદાસંગાથી રહેલ પુસ્તક સ્વાધ્યાય સાગરનાં પાનાઓ રોજેરોજ પલટાતા ગયાં . વહેલી સવારે શુક્રનો તારો અવશ્ય જુએ . સુદ બીજનાં ચંદ્રનું દર્શન કદી ન ચૂકે . સાંજે મોટેભાગે બે ઘડી કરે . સાંજનું અંધારું ઢળે તે પહેલાં પ્રતિક્રમણ શરૂ કરી દે . સૂત્ર મનમાં ન બોલતાં હોઠ ફફડાવીને બોલે જેથી ઉચ્ચારની અશુદ્ધિ ન આવે . 

દોઢસો જેટલી નોટબુક્સ લખી ચૂક્યા હતા પણ હજી સંતોષ નહોતો . હવે ધર્મરત્ન પ્રકરણ ગ્રંથની ગાથાઓ કંઠસ્થ કરવાનું પુરુષાર્થ માંડ્યો . લેશ્યાવિષયની નોંધ ફરીથી શરૂ કરી . આરંભસિદ્ધિ અને હીરકલશનો તુલનાત્મક અભ્યાસ કરી એની નોંધપોથી બનાવવા લાગ્યા  . સ્વાધ્યાયની ક્ષણોમાં એમના ચહેરા પર રોનક છવાયેલી રહેતી . એ રોનક જોઈને સમજાતું કે તેઓ દુનિયાદારીથી પર થઈને કેવળ આત્મા માટે જીવન જીવી રહ્યા છે . ( ક્રમશઃ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *