Press ESC to close

૩૭ . યોગદાન

સંવેગકથા

યોગદાન શબ્દ ભારે છેતરામણો  છે . એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન સંઘ – સમાજને ઉપયોગી થનારી પ્રવૃત્તિઓ કરે તેને એમનું યોગદાન કહેવાય . કોઈ દાન કરે , કોઈ સર્જન કરે , કોઈ રાજ્ય કરે , કોઈ વિધવિધ આયોજન કરે તેને એમનું યોગદાન ગણવાનું . કેમ જાણે જે દાન ન કરે , સર્જન ન કરે , રાજ્ય ન કરે કે વિધવિધ આયોજન ન કરે તે તો બસ , યોગદાન વિનાના નિરુપયોગી હોય . વહેવાર એવો છે કે જેનું યોગદાન દેખાય એ અમર , જેનું યોગદાન દેખાય નહીં તે કેવળ ભૂલીબિસરી યાદેં . જીવનમાં જેણે પોતાની ખુશીનું સાચું સરનામું શોધી લીધું અને એ ખુશી માટે જેણે હિંમતપૂર્વક કશુંક છોડી દીધું એનું જીવન સફળ જ કહેવાય . જેણે પોતાના આત્મા માટે , પોતાના આત્મા ઉપર , પોતાના આત્મા દ્વારા જ કામ કર્યું તે સાધનાનો દિગ્ગજ છે . એનું નામ ઈતિહાસના ચોપડે જમા થાય કે ન થાય એનાથી એની સાધનાને કશો ફેર પડતો નથી . એ સાધક અનામીની ખોજમાં નીકળેલો હોય છે . એને નામની પરવા હોતી નથી .

છતાં એક વાત છે . સાધકનાં અસ્તિત્વની પ્રાણચેતના કોઈકને તો અડે જ છે . એ જેને અડે છે તેનામાં પ્રાણ પૂરી દે છે . પૂ.મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મ. પોતાના બે પુત્રમુનિઓ વિશે કહેતા રહેતા કે મેં એમને દંડાસન મારીમારીને તૈયાર કર્યા છે . આમાં ઘણી વાતો છે .
એક , તેઓ મૂળભૂત રીતે પુત્રમુનિઓ વિના એકલા જ દીક્ષા લેવાના હતા . મિત્રોના કહેવાથી દીકરાઓને સાથે લીધા .  
બે , દીક્ષા બાદ તેમણે પુત્રમુનિઓની સોંપણી , પૂ.મુનિરાજ શ્રી ગુણયશવિજયજી મ. , પૂ.મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી મ. તથા પૂ.મુનિરાજ શ્રી નરચંદ્રવિજયજી મ.ને કરી દીધી હતી . વડીલો ઘડતર કરે એમાં એ રાજી હતા . હું નૂતન દીક્ષિત છું , હું શું શિખવાડીશ ? આ એમની લાગણી .
ત્રણ , વિ.સં ૨૦૪૧ પછીનાં ત્રણ વરસોમાં એમણે પુત્રમુનિઓને ભણાવવા , તૈયાર કરવા માટે ઘણી જ મહેનત કરી . આટલી બાબતોમાં કડકાઈ હતી : એકબીજા સાથે વાતો નહીં કરવાની , ગોચરી લેવા જવાનું નહીં ( પોતે જાય ) , ગૃહસ્થો સાથે વાર્તાલાપ નહીં કરવાનો , બપોરે નિદ્રા નહીં લેવાની , છાપાચોપાનિયાં નહી વાંચવાના , કોઈની સાથે પત્રવહેવાર નહીં કરવાનો , જાહેર કાર્યક્રમોમાં જવાનું નહીં , વ્યાખ્યાન આપવાનાં નહીં ,  મકાનમાં ઘણા મહાત્માઓ હોય તો એ મહાત્માઓ સાથે પણ વાત કરવાની નહીં . તો સામે આટલી બાબતો કમ્પલસરી હતી : સવારે નવી ગાથા . પર્વતિથિએ ચૈત્યપરિપાટી અને આસપાસના ઉપાશ્રયોમાં વડીલોને વંદન . પંડિતજીઓના પાઠ અને પાઠ સંબંધી લેસનવર્કમાં પૂરેપૂરો સમય આપવાનો . પ્રતિક્રમણ માંડલીમાં જ કરવાનું , એકલા નહીં . પડિલેહણનો ટાઈમ આગળપાછળ નહીં કરવાનો . હસાહસ બિલકુલ નહીં કરવાની . પ્રતિક્રમણ , પડિલેહણ , ચૈત્યવંદન આદિમાં ઉતાવળ નહીં કરવાની . સૂત્રો ચોખ્ખા બોલવાના .  નક્કી કરેલા નિયમોમાં ગડબડ  જોવા મળે તે વખતે શું થાય ? સોટી વાગે સમસમ . પુત્રમુનિઓના વિદ્યાર્થી કાળને એમણે સુવર્ણ કાળ બનાવ્યો હતો .
ચાર , વડીલોની આજ્ઞાથી પુત્રમુનિઓ અલગ અલગ ક્ષેત્રોમાં ચોમાસું જાય એ ક્રમ શરૂ થયો તે પછી ક્યારેય એમની પ્રશંસા કરી પણ નહીં અને સાંભળી પણ નહીં . ઝીણીઝીણી ભૂલો કાઢીને ફરિયાદ ઊભી રાખે . જો એમને પ્રશંસા ગમવા લાગશે તો એમનો વિકાસ અટકી જશે એવો આશય .
પાંચ , મારા પુત્રમુનિઓ છે એટલે એ મારી સાથે જ રહેશે એવો આગ્રહ ન રાખ્યો . બલ્કે એમને મારી સાથે સ્થિરવાસ કરાવવો નથી એવું જ વિચાર્યું  .
છ , પુત્રમુનિઓને આ રીતે ઠપકારે : વ્યાખ્યાન આપવું પડે તે ઠીક છે પણ વાણિયાઓને વહાલા થવાની વૃત્તિ નહીં રાખવાની . ચોપડીઓ લખવાના/છાપવાના રવાડે ચડવાની શું જરૂર છે ? શાસ્ત્રોનો સ્વાધ્યાય કરો . ઓચ્છવ મહોચ્છવમાં પડતા નહીં . આ સાધુનાં કામ નથી , આ ગૃહસ્થોનાં કામ છે . સ્વાધ્યાયમાં વધારે સમય જાય છે કે ઈતર પ્રવૃત્તિઓમાં વધારે સમય જાય છે ? 
સાત , આજે જૈનશાસનમાં શ્રીરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા મહાપુરુષ બીજા જોવા નહીં મળે . એમનાં પુસ્તકો રોજ વાંચો . હું આજે જે પણ આરાધના કરું છું તે એમનાં વ્યાખ્યાનનો પ્રતાપ છે . તમે એમનાં વ્યાખ્યાન નહીં વાંચો તો તમારો ઉદ્ધાર અધૂરો રહી જશે .
એકથી સાત વાતોની જેમ આગળ હજી  ઘણીઘણી વાતો થઈ શકે .
૧ . આજે નવ્યન્યાય તથા પ્રાચીન શ્રુતસાહિત્યની સંપાદનવિદ્યાનાં ક્ષેત્રમાં પૂ.ગણિવર્ય શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.નું નામ જાણીતું છે અને જીવનકથા , પ્રવાસકથા તેમ જ કવિતાલેખનનાં ક્ષેત્રમાં મુનિ શ્રી પ્રશમરતિવિજયજીનું નામ જાણીતું છે . આ બેયનું શિલ્પકાર બનીને નખશિખ ઘડતર કર્યું પૂ. પિતા મુનિરાજશ્રી સંવેગરતિવિજયજી મ. એ .

૨ . પૂ. મુનિરાજશ્રી સંવેગરતિવિજયજી મ. એ પોતાના સંસારી પક્ષે ધર્મપત્ની શ્રી જયાબેન ભાયાણીને જૈનત્વની બારાખડી એ રીતે શિખવાડી કે જયાબેન ધાર્મિક શિક્ષિકા તરીકે અત્યાર સુધીમાં એક હજારથી વધુ બાળકબાળિકાઓને તેમજ સેંકડો વહુઓને ધાર્મિક અભ્યાસ કરાવી ચૂક્યા છે . હજીપણ એમની આ પ્રવૃત્તિ ચાલુ જ છે . 

૩ .  અમદાવાદમાં વીસ પચીસ યુવાનોની એક ટીમ બની છે . આ એ યુવાનો છે જે નિયમિત રીતે પૂ.મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મ. પાસે વાચના લેતા હતા . યુવાનોનો રાતે આવવાનો સમય એ એમનો સૂવાનો સમય રહેતો પરંતુ યુવાનોને બીજો કોઈ સમય ફાવતો નહીં . એમણે આ યુવાનોને કહી રાખ્યું હતું કે તમે આવો એટલે મને જગાડી દેજો . વરસો સુધી એ રોજનો સિલસિલો બની ગયેલો કે રાતે યુવાનો આવે , એમને ઊઠાડે , એ પ્રસન્નતાપૂર્વક જાગે અને સવાર જેવી તાજગીથી લાંબી વાચના આપે . 

પૂ.મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મ. એવી સભાનતા નહોતા રાખતા કે મારા તરફથી સંઘસમાજને હું કોઈ યોગદાન આપી રહ્યો છું . એ પોતાની સાધનાપ્રવૃત્તિમાં લીન હતા . પુત્રમુનિઓ કે જયાબેન કે યુવાનો એમની સમક્ષ આવ્યા , એમણે આ સૌને પોતાની ઊર્જા આપી . આને યોગદાન ગણવું હોય ગણી શકાય . ( ક્રમશઃ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *