Press ESC to close

૩૬ . પૂ.આ.શ્રીમદ્દ વિજય ચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મહારાજાના વિદ્યાર્થી

સાધના જીવનમાં વરસોના વરસો વીતાવી દેનાર સાધકની માનસિકતા એક ચોક્કસ વિચારધારા સાથે જોડાય છે . અધ્યાત્મમાં , ધર્મમાં , સંઘમાં અને સમુદાયમાં – શું કરાય અને શું ન કરાય , શું થવું જોઈએ અને શું ન થવું જોઈએ , શું ઉચિત છે અને શું અનુચિત છે , શું યોગ્ય છે અને શું અયોગ્ય છે , શું સાચું છે અને શું ખોટું છે ? – આ બાબતે સાધકનો પોતાનો એક ચોક્કસ અભિપ્રાય હોય છે . પોતાની છદ્મસ્થતા સાધકને યાદ હોય છે તેથી પોતાની વિચારધારા સમુચિત રહે એની માટે સાધક એક વૈચારિક નિશ્રાને સ્વીકારતો હોય છે . સાધક , પોતાના વિચારને ઘડવાની , ઘડતા રહેવાની જવાબદારી વૈચારિક નિશ્રાદાતાને સોંપે છે . બાહ્ય રીતે સાથે રહેવાનું થાય ન થાય , વૈચારિક નિશ્રાની રૂએ સાધકને સાંનિધ્ય અવિરત મળતું રહે છે .

તે તે વિચારધારાને નાકબૂલ રાખનારો એક વર્ગ હોવાનો જ . વિચારધારા તમારાં આત્મચિંતનમાં બળ પૂરે છે , મોક્ષમાર્ગને નિરાબાધ રાખે છે . જરૂરી એ છે કે તમારી વિચારધારા અંગત ન હોય . જરૂરી એ પણ છે કે તમારી વિચારધારા ગીતાર્થ નિશ્રિત હોય . પૂ.મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મ.ને વૈચારિક નિશ્રા વિના ગમતું નહીં . એ કહેતા કે ‘ હું ગમે તેટલો બુદ્ધિશાળી હોઉં , હું સર્વજ્ઞ નથી . મારામાં રાગદ્વેષની ઘણીબધી છાયાઓ છે . મારો બોધ અધૂરો હોવાની સંભાવના હંમેશા રહે છે . વડીલને પૂછીને માન્યતા બનાવું એમાં મારી સલામતી છે . આપડને આગળપાછળની ખબર હોય નહીં . વડીલને બધી ખબર હોય . મારું માથું હું ગમ્મે તેને સોંપી શકું નહીં . જ્યાંથી સાચું સમાધાન અને પૂરો આત્મસંતોષ મળે ત્યાં જ હું મારું માથું સોંપું . ‘

પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મહારાજાને એમણે વૈચારિક નિશ્રાદાતા તરીકે સ્વીકાર્યા હતા. પોતાનો તમામ સ્વાધ્યાય એમની છાયા હેઠળ રહે એવું એમનું માનસ . ખાસ આ ભાવનાથી એમણે એક ચાતુર્માસ લક્ષ્મીવર્ધક સંઘમાં , પૂજ્યપાદ આચાર્ય ભગવંતની નિશ્રામાં કર્યું . પોતે એમની દરેક વાચના સાંભળી , લખી . કેટલાય પ્રશ્નોની ચર્ચાઓ કરીને સમાધાન મેળવ્યાં . પોતાના પુત્રમુનિઓ પણ પૂજ્યપાદ આચાર્ય ભગવંતની નિતાંત શાસ્ત્રગર્ભિત શૈલીથી સંસ્કારિત થાય એવી  ઝંખના રાખતા . 

એક તરફ પોતાના તારણહાર ગુરુદેવનું સમગ્ર પ્રવચન સાહિત્ય આત્મસાત્ કર્યું હતું . બીજી તરફ , શાસ્ત્રોનો સઘન અભ્યાસ કર્યો હતો અને હવે ત્રીજી તરફ શ્રી ચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મહારાજાની વૈચારિક નિશ્રા . પોતાનું જ્ઞાન સમ્યગ્ જ્ઞાન બનેલું રહે તે માટે આ ત્રિવેણી સંગમ સાધ્યો . આ સમ્યગ્ જ્ઞાનની છાયામાં મારું દર્શન ( શ્રદ્ધાન ) સમ્યગ્ દર્શન ( શ્રદ્ધાન ) છે એવું આશ્વાસન પણ મેળવ્યું . સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ દર્શન ની ઉત્કટતા સાધવાનો ભગીરથ પુરુષાર્થ ભાવનાનાં સ્તરે પણ કર્યો અને બુદ્ધિનાં સ્તરે પણ કર્યો .

એમનાં હૈયે વસ્યો હતો વાચક યશનો આ શ્લોક : अस्मादृशां प्रमादग्रस्तानां चरणकरणहीनानाम् । अब्धौ पोत इवेह प्रवचनरागः शुभोपायः ।। એમનું આત્મચિંતન બહુ સ્પષ્ટ હતું : મારું ચારિત્ર પાલન ઊંચા ગજાનું નથી . મારા શરીરની મર્યાદાઓ છે . પરંતુ મારાં જ્ઞાન અને દર્શનને ઉત્કૃષ્ટ બનાવવા મેં યથાસંભવ પૂરેપૂરો પુરુષાર્થ કર્યો છે . મનેં જૈનશાસન ગમે છે , મોક્ષે જવાનું સ્વપ્ન મનેં સૌથી વધારે ગમે છે . અશુભ અધ્યવસાયોને અવરોધે એવો જ્ઞાનયોગ અને દર્શનયોગ સાધવાનું મારું લક્ષ્ય છે . અશુભ અધ્યવસાયોએ જ મને ભવમાં ભ્રમણ કરાવ્યું છે . જેમ જેમ અશુભ અધ્યવસાયો તૂટશે તેમ તેમ ભવભ્રમણની પીડા ઘટતી જશે . જ્ઞાનની પ્રવૃત્તિઓ શુભ અધ્યવસાયોનું આલંબન આપે છે અને અશુભ અધ્યવસાયોને છેટે રાખવામાં અહમ્ ભૂમિકા ભજવે છે . દર્શનની પ્રવૃત્તિઓ શુભ અધ્યવસાયોમાં ઊંડાણ અને તીવ્રતા લાવે છે . ચારિત્રના નિયમો પાપ પ્રવૃત્તિઓને અને તેના થકી થનાર કર્મબંધને રોકી રાખે છે જેના પરિણામે સંસાર આપણને દુર્ગતિમાં મોકલી શકતો નથી . બે જ ગતિમાં જવાનું બાકી રહે છે , દેવગતિમાં અથવા મનુષ્યગતિમાં . હું આયુષ્ય પૂર્ણ થયા બાદ ક્યાં જઈશ મને ખબર નથી . જો દેવલોકમાં જઈશ તો સીમંધર પ્રભુની દેશનાઓ સાંભળીશ અને મનુષ્યગતિમાં જઈશ તો કેવળજ્ઞાન મેળવીને જ રહીશ . શાસ્ત્રોમાં જે રત્નત્રયીનું વર્ણન છે તે બહુ ઊંચી વાત છે . હું મારાં દર્શન – જ્ઞાન – ચારિત્રને અખંડ અને અકલંક રાખવાની કોશિશ કરું છું . આ ભવે સાચો માર્ગ મળ્યો છે એને આવતા ભવમાં પાછો મેળવવો છે . ‘
જીવનના અંતિમ સમય સુધી શ્રી ચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મહારાજા સાથે , એક વિદ્યાર્થી તરીકેનો આત્મીય સંબંધ બનેલો રહ્યો . ( ક્રમશઃ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *