Press ESC to close

૩૧ . ગુજરાત સમાચારમાં લેખમાળાનું આમંત્રણ મળ્યું હતું : ન સ્વીકાર્યું

સંવેગકથા

એમને પૂ.આ.શ્રીમદ્ વિજય લક્ષ્મણસૂરીશ્વરજી મ. દ્વારા લિખિત – આત્મ તત્ત્વ વિચાર – પુસ્તકના ત્રણેય ભાગ બહુ ગમે . અધ્યાત્મ કલ્પદ્રુમ , શાંત સુધારસ અને પ્રશમરતિ , ત્રણ ગ્રંથ પર મોતીલાલ કાપડિયાએ જે વિવેચન લખ્યું છે તેને એમણે વારંવાર વાંચ્યું . મોતીલાલભાઈએ જ કરેલ ઉપમિતિ ભવ પ્રપંચાનો અનુવાદ એમને ભાષાની દૃષ્ટિએ થોડો કઠણ લાગતો પરંતુ ઉપમિતિની કથાવસ્તુને , એનાં એક એક પાત્રને અને તેનાં તાત્ત્વિક અર્થઘટનને એમણે આ અનુવાદના સથવારે આત્મસાત્ કરી લીધાં હતાં . પૂ.આ.શ્રીમદ્વિજય રાજશેખરસૂરીશ્વરજી મ. દ્વારા અનુવાદિત , શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર એમણે કેટલીવાર વાંચ્યું હશે તેનો હિસાબ ન થઈ શકે . એમના દ્વારા જ અનુવાદિત યોગદૃષ્ટિ સમુચ્ચય અને નવપદ પ્રકરણનો એમણે ઊંડો અભ્યાસ કર્યો હતો . પૂ.આ.શ્રીમદ્વિજય ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મ.નાં દરેકેદરેક પુસ્તકની એકેક લીટી એમણે વારંવાર વાંચેલી . પૂ.આ. શ્રીહેમસાગરસૂરીશ્વરજી મ.એ કરેલ  શ્રી સંવેગરંગશાલા અનુવાદનું અવગાહન અનેક વાર કરેલું . પોતાના તારણહાર ગુરુદેવનું સમગ્ર વ્યાખ્યાન સાહિત્ય ગમે પણ વિશેષ પક્ષપાત હતો ત્રણ પુસ્તકો માટે : આત્મોન્નતિનાં સોપાન , પતન અને પુનરુત્થાન , ચાર ગતિનાં કારણો . ઘણાઘણા મહાત્માઓનાં ઘણાઘણા પુસ્તકો વાંચ્યા , વાંચતા રહ્યા . પ્રત્યેક પુસ્તકમાંથી પોતાની રીતે સારાંશ તારવતા રહ્યા .
સમય આગળ વધતો રહ્યો . આરોગ્ય ઉપચાર અર્થે જે જે ડૉક્ટર સાથે વાત થાય એમને એકાદ ધાર્મિક પ્રેરણા જરૂર કરે . એક ડૉક્ટર સાથે સારો એવો સંપર્ક થયો . એ ડૉક્ટરે એક્યુપંક્ચર જેવી ઓલ્ટરનેટ થેરાપીમાં મહારત હાસલ કરેલી . એમના હાથે હજારો દર્દીઓ સાજા થયેલા . એ ડૉ. સાથે ગુજરાત સમાચાર ન્યૂઝ પેપરવાળાઓના સારા સબંધ . એ ડૉ.એ એમને કહ્યું હતું કે : હું ગુજરાત સમાચારમાં નિયમિત રીતે લખું છું , આપની પાસે ધર્મની વાતો રજૂ કરવાનો એક અલગ જ દૃષ્ટિકોણ છે . આપ મનેં આપનું ધર્મચિંતન લખીને આપો . આપ જેટલા લેખ લખશો તે બદ્ધા ગુજરાત સમાચારમાં છપાશે . મારી ત્યાં ઓળખાણ છે . આમાં બે લાભ થશે : એક , લાખો લોકોમાં આપનું નામ પહોંચશે . બે , લાખો લોકોને ધર્મ વિશે કાંઈક સ્પેશિયલ વાંચવા મળશે .
જેને પ્રસિદ્ધિ જોઈતી હોય એને તો લક્ષ્મી ઘરઆંગણે ચાંદલો આવી હોય એવી આ ઑફર હતી . મુનિશ્રી સંવેગરતિવિજયજી મ . એ એમની એ ઑફરને એ રીતે ટાળી દીધી કે એ ડૉ.ને ખોટું ન લાગે . જો એ ઑફર સ્વીકારીને એમણે લેખમાળા તૈયાર કરી આપી હોત તો ગુજરાત સમાચારમાં તેઓ લેખક તરીકેની બહુ મોટી પ્રતિષ્ઠા પામી શક્યા હોત .
દશવૈકાલિક ગ્રંથમાં એક ગાથા છે : जे अ कंते पिये भोए लद्धे वि पिट्ठी कुव्वई । साहीणे चयई भोए से हु चाई त्ति वुच्चई । અર્થ : જેઓ પોતાને મળેલા મનગમતા પ્રિય સુખકારી તત્ત્વોને પણ સહજ ભાવે છોડી દે છે તે જ સાચો ત્યાગી છે . 
‘ આપે ગુજરાત સમાચારમાં લખ્યું હોત તો લાખો લોકોને કેટલો મોટો લાભ થાત ? ‘ આ પ્રશ્ન એમને પરિચિત શ્રાવકો દ્વારા વારંવાર પૂછવામાં આવ્યો . દરવખતે એ આનો જવાબ ટાળી દેતા . એકવાર એમણે ખુલાસો કર્યો હતો કે – ‘ જુઓ , મારું લખેલું છાપાચોપાનિયામાં આવે એમાં મારું નામ પણ છાપવું પડે . નામ વગરનું લખેલું નકામું ગણાય . હવે મારું નામ આવે તો મારાં વખાણ ચાલુ થાય . એ વખાણ મારાં સુધી પહોંચે તો મારામાં ઘમંડ આવી આવી જાય . હું કાંઈ વીતરાગ નથી . મારામાં જ્ઞાન છે કે નહીં એ પહેલો પ્રશ્ન છે . જે થોડુંઘણું આવડે છે એને જ્ઞાન ગણી લો તો મારાં એ જ્ઞાનનું ઘમંડ મારામાં આવી જાય એવી સંભાવના મને દેખાય છે . મારે એવું થવા દેવું નથી . એના કરતાં ચૂપ રહેવું સારું . વાત રહી , લાખો લોકોને લાભ થાય એની . મને એટલી ખબર પડે છે કે મારા આત્માની જવાબદારી મારી છે . મારે બીજા કોઈની જવાબદારી લેવી નથી . લોકોની વાહ વાહ સાંભળવાની આદત મારામાં આવી જશે તો હું આત્મચિંતન ભૂલી જઈશ . યોગ્ય જીવોને યોગ્ય નિમિત્તો મળી જ જશે . મારા વગર કોઈનું કાંઈ નથી અટકવાનું . ‘
ગુજરાત સમાચારમાં એ લેખમાળા છપાઈ હોત તો એનું નામ હોત : જન્મ જીવન જરા મૃત્યુ . એ લેખમાળા પોતાની અંગત નોંધપોથી રૂપે એક મોટી નોટબુકમાં એમની પાસે તૈયાર જ હતી . એમણે એ નોટબુકનાં પહેલાં પાને આ જ નામ લખેલું હતું .
આવું આમંત્રણ આવે એનો ઈનકાર કરવો જોઈએ કે નહીં એની પર વિચારવિમર્શ થઈ શકે છે . આ રીતે ના પાડી દેવી એમાં કેટલું ઔચિત્ય છે એ વિશે પણ ચિંતનમનન કરી શકાય છે . એક વાત સમજાય છે : આ રીતે ના પાડવી જરાય આસાન નથી . જેણે અહંકારવિજયની પ્રચંડ સાધના કરી હોય એ જ આવી ઑફરને ઠુકરાવી શકે . એનો અર્થ એ નથી કે આવી ઑફર જે સ્વીકારે તે ભૂલ કરે છે . એવો ઊંધો અર્થ તારવવાની કોઈ જરૂર નથી . આવી ઑફર કે આવી વ્યવસ્થા સાથે જોડાઈને જેઓ લખે છે તેઓ શાસનસેવાની એક અણમોલ પ્રવૃત્તિ કરી રહ્યા છે . એમના થકી  સમ્યગ્ જ્ઞાનનો પ્રસાર થાય છે જે અનુમોદનીય જ છે .

વાત કેવળ અવધૂત અવસ્થાની છે . મુનિશ્રી સંવેગરતિવિજયજી મ.ને પોતાની નિજાનંદ મસ્તીમાં રહેવાનું વધારે ગમતું હતું એટલે જાહેર જીવનની ગતિવિધિઓથી એ દૂર જ રહેવા માંગતા હતા .
‘ આટલાબધા લોકોમાં મારું નામ પહોંચી જશે એ પછી મને મળવા આવવાવાળા વધી જશે , આ અવરજવરને કારણે મારા સ્વાધ્યાયને ધક્કો જ લાગશે . મારે સ્વાધ્યાયમાં કટોતરી આવે એવું કોઈ કામ કરવું નથી . મોડેમોડે દીક્ષા મળી છે , હવે એક એક મિનિટનો હિસાબ રાખવો છે . લોકોને સમજાવવાવાળા , સંભાળવાવાળા ઘણા છે . મારા આત્માને તો મારે જ સાચવવાનો છેને ? ‘ એમણે પોતાનો પક્ષ આ રીતે રજૂ કર્યો હતો . ( ક્રમશઃ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *