પહેલી સો ઓળીએ ઓગણીસ વરસ લીધાં . સમયગાળો : વિ.સં ૧૯૯૨ થી વિ.સં.૨૦૧૩ . ૨૧ વરસની વયે પ્રારંભ અને ૪૦ વરસની વયે સમાપન . બીજી સો ઓળીએ વીસ વરસ લીધાં . સમયગાળો : વિ.સં. ૨૦૧૩ થી વિ.સં. ૨૦૩૪ . ૪૧ વરસની વયે પ્રારંભ અને ૬૧ વરસની વયે સમાપન .
હવે ત્રીજી વખત સો ઓળીનો પાયો નાંખ્યો . વિ.સં. ૨૦૩૪માં પ્રારંભ થયો હતો . સમાપન જો વીસ વરસમાં થાય તો ૮૧ કે ૮૨ વરસની વયે પારણું આવે . પરંતુ ત્રીજી વખતની ઓળીને યૌવનનો સ્પર્શ ઓછો મળતો હતો અને વૃદ્ધ અવસ્થાની છાયા દેખાવા માંડી હતી .
શું ત્રીજી વખતની વર્ધમાન તપની ઓળીઓ સોના આંકડાને પાર કરશે ? ભક્તો પાસે જવાબ હતો નહીં . અને શ્રી રાજતિલક સૂરીશ્વરજી મહારાજા મોટા ટૅન્શન પાળતાં જ નહીં . આજસુધી શરીરે સાથ આપ્યો છે એ આગળ પણ સાથ આપશે : તેઓ એટલું જ વિચારતા . જોતજોતામાં ત્રીજા વખતની વર્ધમાન તપની ૫૦ ઓળીઓ થઈ ગઈ . કુલ મળીને ૨૫૦ ઓળીઓ . શરીર થાકતું નહોતું કેમ કે આ મહાતપસ્વીની ઊર્જા તપોમય બની ચૂકી હતી . વર્ધમાન તપની ૫૦ ઓળીઓ થઈ ગઈ આ વાક્યનો અર્થ એવો હરગિઝ નથી કે અડધે પહોંચી ગયા . દર ઓળીમાં એક આંબેલ વધતું હોય છે . કહેવાય એવું એક જ આંબેલ વધે છે પણ આવું સો વાર થાય એમાં વૃદ્ધિ ઘણીમોટી થઈ જાય .
ગણના કરીએ : એકથી દસ સુધીની ઓળીમાં કુલ મળીને ૫૫ આંબેલ થાય . અગિયારથી વીશ સુધીની ઓળીમાં કુલ મળીને ૧૫૫ આંબેલ થાય . એકવીશથી ત્રીશ સુધીની ઓળીમાં કુલ મળીને ૨૫૫ આંબેલ થાય . એકત્રીશથી ચાલીસ સુધીની ઓળીમાં કુલ મળીને ૩૫૫ આંબેલ થાય . એકતાલીસથી પચાસ સુધીની ઓળીમાં કુલ મળીને ૪૫૫ આંબેલ થાય . આમ એકથી પચાસ સુધીની ઓળીમાં કુલ મળીને ૧૨૭૫ આંબેલ થાય .
આગળ ગણીએ : એકાવનથી સાંઈઠ સુધીની ઓળીમાં કુલ મળીને ૫૫૫ આંબેલ થાય . એકસઠથી સિત્તેર સુધીની ઓળીમાં કુલ મળીને ૬૫૫ આંબેલ થાય . ઈક્કોતેરથી એંશી સુધીની ઓળીમાં કુલ મળીને ૭૫૫ આંબેલ થાય . એક્યાસીથી નેઉં સુધીની ઓળીમાં કુલ મળીને ૮૫૫ આંબેલ થાય . આમ એકાવનથી નેઉં સુધીની ઓળીમાં કુલ મળીને ૨૮૨૦ આંબેલ થાય .
હજી આગળ ગણીએ : એકાણુંથી સો સુધીની ઓળીમાં કુલ મળીને ૯૫૫ આંબેલ થાય . આમ એકાવનથી એકસો સુધીની ઓળીમાં કુલ મળીને ૩૭૭૫ આંબેલ થાય . એકથી પચાસ સુધીની ઓળીમાં કુલ મળીને ૧૨૭૫ આંબેલ થાય અને એકાવનથી એકસો સુધીની ઓળીમાં કુલ મળીને ૩૭૭૫ આંબેલ થાય . કેટલો ગંજાવર ફરક ?
કુલ મળીને ૫૦૫૦ આંબેલ કરો અને એની સાથે એકસો ઉપવાસ જોડો એટલે સો ઓળીઓ પૂરી થાય . બે વખતની સો ઓળીઓમાં ૧૦,૧૦૦ આંબેલ થાય . અઢીસો ઓળીઓમાં ૧૧,૩૭૫ આંબેલ પૂરા થયા . ત્રણસો ઓળીઓ સુધી પહોંચવું હોય તો હજી ૩૭૭૫ આંબેલ કરવાના રહે . સળંગ દશ વરસ અને છ મહિનાના અંતે આ લક્ષ્ય હાંસિલ થઈ શકે . વચ્ચે પારણાં આવે તો દિવસો , મહિનાઓ કે વરસો વધી જાય .
આ આંકડાબાજી લખવાનું સહેલું છે , વાંચવાનું પણ સહેલું છે . અઘરું છે , અતિશય અઘરું છે આ મુજબનાં આંબેલ કરવાનું . જોકે , શ્રી રાજતિલક સૂરીશ્વરજી મહારાજા માટે કાંઈ જ અઘરું નહોતું . ત્રીજી વારની વર્ધમાન ઓળીઓમાં તેઓ સિત્તેરથી આગળ નીકળી ગયા . શરીર પહેલાંની જેમ કામ કરતું નહોતું . મન મજબૂત હતું . આત્મબળ પ્રચંડ હતું .
જૈનશાસનના ઈતિહાસમાં પહેલીવાર એવી ચર્ચા શરૂ થઈ હતી કે ત્રણસો ઓળીઓનું એટલે કે ત્રીજીવારની સોમી ઓળીનું પારણું ક્યારે થશે , ક્યાં થશે ? આ ચર્ચા કરનારાઓમાં આત્મવિશ્વાસ જોવા મળતો . પૂછનારા બોલતા કે ત્રણસો ઓળી કેવી રીતે થઈ શકે ? એના જવાબમાં આત્મવિશ્વાસથી કહેવામાં આવતું કે આપણે તો બસ્સો ઓળીઓ વખતે પૂછતા હતા કે બસ્સો ઓળીઓ કેવી રીતે થઈ શકે ? પણ બસ્સો ઓળીઓ થઈ ને ? જે રીતે બસ્સો થઈ એ રીતે ત્રણસો પણ થશે .
ઈતિહાસમાં પહેલીવાર શ્રીસંઘ એક સપનું જોઈ રહ્યો હતો . એક સાધક એ સપનાને આંબવા ભગીરથ પુરુષાર્થ કરી રહ્યા હતા . આ ભૂમિકાનો પુરુષાર્થ પણ ઈતિહાસમાં પહેલીવાર જોવા મળી રહ્યો . એમનાં જીવનમાં આ તપસ્યાએ એટલું મહત્ત્વપૂર્ણ સ્થાન બનાવી લીધું કે એમની જ નિશ્રામાં થનારી ઘણી બધી શાસનપ્રભાવનાની વાતો , એ મહાન્ તપસ્યાના સમાચારો હેઠળ દબાઈ જતી હોય એવું લાગતું .
Leave a Reply