Press ESC to close

૧૬ . યાત્રા : સોથી બસ્સો અને બસ્સોથી ત્રણસો

આજસુધીના ઈતિહાસમાં જે વાંચવા નહોતું મળ્યું તે  વિ.સં. ૨૦૩૪ની સાલમાં જોવા મળ્યું હતું . બસ્સોમી ઓળીનું પારણું એ એક અભૂતપૂર્વ ઘટના હતી . 
રાજકથા

ગુરુ ભગવંતોની પ્રવેશયાત્રાથી અષ્ટાહ્નિકા મહોત્સવનો પ્રારંભ થયો હતો . સામૈયું ત્રણ કલાકે પૂરું થયું હતું . ભીડ જુઓ તો સમાય નહીં . આઠ દિવસો માટે ત્રણેય ટાઈમનું સંઘજમણ હતું . કોઈ પણ ઘરમાં રસોઈ બનાવવાની આવશ્યકતા નહોતી એટલે દરેક પ્રસંગમાં ઉપસ્થિતિ ભરચક બની રહેતી . સ્નાત્ર મહોત્સવની ઉજવણી અભૂતપૂર્વ રીતે થઈ હતી . પૂજાપૂજનોમાં ગાયક કલાકારોએ જાન રેડી દીધા હતા . વિધિકારકોએ મંત્રધ્વનિને દેદીપ્યમાન બનાવ્યા હતા . સામગ્રી , ઉપકરણ અને રચનાઓમાં ઉત્સવના લાભાર્થી કુમારપાળ માણેકલાલ શાહ પરિવારે ભક્તિભાવ અને ઉદારતાનો સોનેરી સુમેળ સજાવ્યો હતો . ગચ્છાધિપતિભગવંતનાં વ્યાખ્યાનોએ સકલ સંઘમાં જબરદસ્ત જાગૃતિનું નિર્માણ કરી દીધું હતું .

ફાગણ વદ દશમે સો આંબેલ પછીના ઉપવાસનું પચખાણ થયું હતું . તે દિવસે કેટલા ઉપવાસ અને કેટલા આંબેલ થયા તેનો હિસાબ થઈ શકવાનો નહોતો . જાણે કે આખું અમદાવાદ તપમાં જોડાઈ ગયું હતું . બીજી વારની સોમી ઓળી , આજ પૂર્વે ક્યારેય જોવા મળી નહોતી . અઢી હજાર વરસોના ઈતિહાસમાં આવી ઘટના કદાચ પહેલી વાર બની રહી હતી . કદાચ એટલા માટે કહેવું પડે કે કોઈ વિભૂતિએ આવું તપ કર્યું હોય અને એની જાણકારી ચોપડે નોંધાઈ ન હોય તો એમને વિસરી શકાય નહીં . વિ . સં . ૨૦૩૪ ની સાલ , એક ઈતિહાસ લઈને આવી હતી . ફાગણ વદ ૧૦ નો દિવસ એ ઈતિહાસના હસ્તાક્ષર જેવો હતો . બીજી વારની એકસોમી ઓળીનો છેલ્લો ઉપવાસ ફાગણ વદ દશમના દિવસે થયો અને ફાગણ વદ અગિયારસે પારણું થયું હતું .

વડીલો , સમવયસ્કો અને નાના મહાત્માઓએ ભરપૂર અનુમોદના કરી હતી . વિશાળ શ્રમ ણી સમુદાય નત મનસ્ક બન્યો હતો . હજારો હજારો ભક્તજનો પ્રચંડ ભક્તિભાવથી આનંદિત અને અહોભાવિત બન્યા હતા .

વિ. સં. ૨૦૩૪ની સાલનું ચોમાસું રાજપુર ડીસામાં થયું હતું . આ ચોમાસામાં ભારતભરના સંઘોએ વીજળીના કડાકા જેવા સમાચાર સાંભળ્યા હતા : વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજાએ ત્રીજી વાર વર્ધમાન તપની સો ઓળીની પાયો નાંખ્યો હતો . મતલબ કે એમણે ત્રીજી વાર સો ઓળીઓ કરવાનો સંકલ્પ કર્યો હતો .

કોઈ એકવાર એકસો ઓળીઓ કરી લે એ પણ બહુ જ મોટી તપસ્યા ગણાય . આ તપ નું અનુકરણ કરવું પણ ઘણું જ મુશ્કેલ ગણાય . બીજી વાર કોઈ એકસો ઓળીઓ કરી લે એનું અનુકરણ તો એકદમ અસંભવ જ ગણાય . હવે કોઈ ત્રીજી વાર એકસો ઓળીઓ કરવાનો પ્રારંભ કરે એ તો સાવ કલ્પના બહારની ઘટના કહેવાય .

શ્રી સંઘને મળેલા સમાચાર કલ્પના બહારના હતા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *