Press ESC to close

રાજકથા : પ્રકરણ ૧૯ : ૧૪,૦૦૦ આંબેલનો આંકડો પાર કર્યો

રાજકથા

તેઓ ગચ્છાધિપતિ નહોતા બન્યા પરંતુ ગચ્છાધિપતિ ભગવંતના નિશ્રાદાતા બન્યા હતા , વરસો સુધી . વિ . સં . ૨૦૪૭ પછીના દરેક ચોમાસામાં શ્રી રાજતિલકસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં જ ગચ્છાધિપતિ ભગવંત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા અને અન્ય મહાત્માઓનું ચોમાસું થતું . તપસ્વિસમ્રાટ્ સૂરિદેવને ગચ્છાધિપતિ ભગવંત અને સમગ્ર સમુદાય આ રીતે ઉત્કૃષ્ટ સન્માન આપતો . જો કે , શ્રી રાજતિલકસૂરીશ્વરજી મહારાજા નિર્લેપ અવસ્થામાં મહાલતા . સમુદાયની વ્યવસ્થાઓમાં , ચોમાસાની પ્રવૃત્તિઓમાં તેઓ કશો જ અંગત રસ લેતા નહીં .

તેઓ બધા જ નિર્ણયો લેવાનું કામ શ્રીમહોદયસૂરીશ્વરજી મહારાજાના હાથમાં રાખતા . આની સામે શ્રીમહોદયસૂરીશ્વરજી મહારાજાનો વ્યવહાર ગજબ હતો . દરેક નિર્ણયની પૂર્વે તેઓ શ્રી રાજતિલકસૂરીશ્વરજી મહારાજાને જાણકારી આપતા , એમની સલાહ માંગતા , એમનો અભિપ્રાય મેળવતા , એમની ઈચ્છાને જાણતા અને અનુસરતા . એક તરફ નિર્લેપતાની પરાકાષ્ટા હતી તો બીજી તરફ વિનયભાવની પરાકાષ્ટા હતી . આ બે મહાપુરુષોની જોડીમાં દુનિયાને રામ-નાં દર્શન થતા .

બસ્સોમી ઓળી પછીની બધી ઓળીઓ ઓચ્છવ સાથે જ સમાપ્ત થતી . ભારતના બધા જ સાધુસાધ્વીઓમાં અને સંઘોમાં પૂરી થયેલી ઓળીના , ઓળીનાં પારણાનાં અને નવી શરૂ થયેલી ઓળીના સમાચાર એકીસાથે પહોંચતા . પારણાનો દિવસ એમને ગમતો નહીં . પારણાના દિવસોમાં તેઓ પૂર્ણ પ્રસન્ન દેખાતા નહીં . તેઓ કહેતા કે મારી તબિયત આંબેલમાં જ સારી રહે છે , પારણું કરું છું તો તબિયત ખરાબ થઈ જાય છે . પારણું થયું હોય તે જ દિવસે , આવતી ઓળી ક્યારથી શરૂ કરવી છે તેની તૈયારી શરૂ થઈ ગઈ હોય . આમ , શિષ્યવત્સલ અને ભક્તવત્સલ હતા , બીજી બધી બાબતોમાં તેઓ શિષ્યોનું કે ભક્તોનું સાંભળતા પરંતુ ઓળીની બાબતમાં કોઈની વાત ન સાંભળતા .

વિ.સં.૨૦૪૮ની સાલનું ચોમાસું ડીસા શહેરમાં થયું . વિ.સં.૨૦૪૯ની સાલનું ચોમાસું સુરત શહેરમાં થયું . વિ.સં.૨૦૫૦ની સાલનું ચોમાસું મુંબઈમાં થયું , અર્ધું ચંદનબાળામાં અને અર્ધું શ્રીપાલનગરમાં . ૨૦૫૧ની સાલનું ચોમાસું પિંડવાડામાં શહેરમાં થયું . ૨૦૫૨ની સાલનું ચોમાસું પાલનપુરમાં શહેરમાં થયું . ૨૦૫૩ની સાલનું ચોમાસું પાલીતાણા શહેરમાં થયું . દરેક ચાતુર્માસમાં એકાદ ઓળીનું સમાપન થતું એનો મોટો ઉત્સવ અવશ્ય થતો . જીવદયાનું મોટું કાર્ય પણ થતું . પાંજરાપોળોમાં મબલખ ચારો અપાતો . કતલખાને જઈ રહેલા અનેક અનેક જીવોને અભયદાન મળતું . જીવદયાનાં ફંડ થતાં અને ધનરાશિ તુરંત જીવદયામાં વપરાઈ જતી . 
પાલીતાણા ચાતુર્માસમાં ૨૮૮મી ઓળી સંપન્ન થઈ અને એની અનુમોદના નિમિત્તે એકીસાથે ૮૦૦ અઠ્ઠાઈઓની સમૂહ આરાધના થઈ હતી . ચાતુર્માસ બાદ ગિરનાર પધાર્યા હતા . અહીં ૨૮૯મી ઓળીનું પારણું થયું હતું . કેવળ વર્ધમાન તપની વાત કરીએ તો આ ઓળી સાથે જ આશરે ૧૪,૧૦૫ આંબેલ પૂરા થયા હતાં . અર્થાત્ જિંદગીના ૩૯ વરસથી વધુ સમય આંબેલમાં જ વીત્યો હતો .

હજી અગિયાર ઓળીઓ બાકી હતી . આ છેલ્લી ઓળીઓ સૌથી લાંબી હતી , કઠિન હતી . કુલ મળીને આશરે ૧૦૪૫ આંબેલ બાકી હતાં . એટલે કે લગભગ ત્રણ વરસનાં આંબેલ બાકી હતાં . મનમાં ઉમંગ હતો . હૈયે ઊંચી હોંશ હતી . બધાયને વિશ્વાસ હતો કે ચાર સાડાચાર વરસમાં આ ઓળીઓ પૂરી થઈ જ જવાની . અલબત્ , આવતીકાલે શું થવાનું હતું એની ખબર કોઈને નહોતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *