Press ESC to close

૧૪ . હેરી સખી મંગલ ગાવો રી

એમનું પુણ્ય જબરદસ્ત હતું . એમની નિસ્પૃહતા એનાથી વધારે મોટી હતી . એમને ભક્તો ઘણા હતા પણ ભક્તો બનાવવાની , ભક્તોને ભેગા કરવાની કે ભક્તોને પોતાના જ અંકુશમાં રાખવાની વૃત્તિ  એમનામાં નહોતી . એમની નિશ્રામાં ઉત્સવો થતા પરંતુ એમને ગૃહસ્થનાં કર્તવ્યોમાં વધારે રસ લેવાનું ફાવતું નહીં . ગૃહસ્થ ઉત્સવ કરે એનો વિરોધ નહોતો . ઉત્સવની બધી જવાબદારી સાધુનાં માથે આવે એ એમને જરાય ન ફાવતું . સાધુ નિશ્રા આપે અને પૂજાપૂજનમાં થોડોક સમય બેસી આવે , એટલી સાધુની ભૂમિકા . અવિધિ ન થાય એનું ધ્યાન સાધુ રાખે . બાકી ઉત્સવનાં નામે આવશ્યક ક્રિયાઓ અને સ્વાધ્યાય અને શ્રમણોચિત આરાધનાની પ્રવૃત્તિઓની ઉપેક્ષા થાય તે એમને ગમતું નહીં .

રાજકથા

દરેક સંઘમાં યથાવસર વ્યાખ્યાન આપતા અને વ્યાખ્યાન હૃદયસ્પર્શી , જાગૃતિપ્રેરક બનતા પણ લોકોમાં વાહવાહી કમાવાની વૃત્તિ એમનામાં જોવા મળતી નહોતી . એમની તપસ્યા જોઈને , એમની નિસ્પૃહતાથી પ્રભાવિત થઈને જે એમના કાયમી ભક્ત ગયા હોય એવા શ્રાવકોની અને પરિવારોની સંખ્યા ઘણી મોટી હતી . સૂરિભગવંતમાં શ્રીમંતને અને સાધારણને અલગ અલગ નજરે જોવાનું વલણ નહોતું . જે ભક્તો શ્રીમંત હતા તે કોઈને કોઈ આલંબન શોધીને પૂજ્યપાદ આચાર્યભગવંતની નિશ્રામાં મોટા ગજાનાં આયોજનો ગોઠવતા અને ગુરુભક્તિ કર્યાનો આત્મસંતોષ મેળવતા . પોતાની પ્રસિદ્ધિ થાય અને વધે એમાં સૂરિ-રાજને કોઈ જ રસ નહીં . પોતાની નિશ્રામાં પ્રસંગો થતા રહેવા જોઈએ એવી લાગણી એમનાં મનમાં બનતી જ નહીં . છતાંય તેઓ સંઘોની અને ભક્તજનોની પ્રાર્થના સાંભળતા , સમજતા અને સ્વીકારતા . દરેક ઓળીનું પારણુું વિશિષ્ટ ઉજવણીપૂર્વક થતું . એક સંઘમાં થયેલી ઉજવણી જોઈને અન્ય સંઘ પ્રેરિત થતો . તે સંઘ આગલી ઓળીનાં પારણે નવી રીતે ઉજવણી કરતો . આ સિલસિલો ઓળીએ ઓળીએ આગળ વધતો રહેતો હતો . 

પ્રથમ એકસોમી ઓળીનું પારણું થયું તેની ઉજવણીનો લાભ શ્રી સુરેન્દ્રનગર જૈન સંઘને મળ્યો હતો . દ્વિતીય એકસોમી ઓળીનું એટલે કે બસ્સોમી ઓળીનું પારણું થશે તેની ઉજવણીનો લાભ ગિરધરનગર જૈન સંઘ , અમદાવાદને આપવામાં આવ્યો હતો .
આ પારણાપ્રસંગે ત્રણ બાબતો નોંધપાત્ર હતી . 
૧ . સુવિશાલગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની નિશ્રા મળે એવી તપસ્વી સૂરિદેવની ભાવના હતી . ગિરધરનગર જૈન સંઘ , અમદાવાદે સુરત – છાપરિયા શેરીનાં આંગણે ચાતુર્માસાર્થે બિરાજમાન ગચ્છાધિપતિ ભગવંતને વિનંતી કરી હતી અને ગચ્છાધિપતિ ભગવંતે એ વિનંતીનો સ્વીકાર કર્યો હતો .
૨ . અન્ય બે તપસ્વી મહાત્માઓનાં સો ઓળીનાં પારણાં પણ સાથોસાથ જ થવાના હતા . એમનાં નામ હતાં : પૂ.મુનિરાજ શ્રી નરચંદ્રવિજયજી મહારાજા અને પૂ.મુનિરાજ શ્રી દિવ્યાનંદવિજયજી મહારાજા .
૩ . બસ્સોમી ઓળીનું પારણું થશે એની ઉજવણીનો લાભ ગિરધરનગર જૈન સંઘ , અમદાવાદને મળ્યો છે એની જાહેરાત થઈ તે જ વખતે ગિરધરનગરના એક ગુરુભક્ત પરિવારે સંઘને વિનંતી કરી હતી કે ઉજવણીનો આખોય લાભ અમને આપો . સંઘે એમની વિનંતીનો સ્વીકાર કર્યો હતો .
———————-
શ્રી ગચ્છાધિપતિભગવંતે બસ્સોમી ઓળીનો પ્રારંભ કરવાનું મુહૂર્ત આપ્યું હતું તે મુજબ વિ.સં. ૨૦૩૪ માગસર સુદ તેરસે ઓળીનું પ્રથમ આંબેલ કરવાનું હતું , વિ.સં. ૨૦૩૪ ફાગણ વદ દસમે ઓળીનો છેલ્લો દિવસ ( એટલે કે ઉપવાસ ) આવવાનો હતો અને ફાગણ વદ અગિયારસે પારણું થવાનું હતું .

પારણાનું સ્થાન અને પારણાના દિવસની જાહેરાત થતાવેંત આખા ભારતમાં રોમાંચની અદ્ભુત લહેર છવાઈ ગઈ હતી .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *