તમને તમારી શક્તિનો અહેસાસ હોતો નથી . એ અહેસાસ ગુરુને હોય છે . તમને તમારી શક્તિ પર વિશ્વાસ હોતો નથી . એ વિશ્વાસ ગુરુને હોય છે . એક માર્ગદર્શક ગુરુ વિનાનો સાધક , અધૂરો રહી જાય છે . માર્ગદર્શક ગુરુની છાયામાં રહેનારો સાધક , ખૂબ આગળ નીકળી જાય છે . ગુરુ તમને હકથી કશુંક કહી શકે એવો સમર્પણ ભાવ તમે બનાવો . એ જવાબદારી તમારી હોય છે .એ પછી તમારો વિકાસ કેવી રીતે થાય છે એની જવાબદારી ગુરુ સંભાળી લે છે .
રતિલાલનો અનુભવ હતો . શ્રી પ્રેમવિજયજી મ.ને એ ક્યારેય ના કહી શકતો નહીં . એને ધર્મ ગમ્યો , શ્રી પ્રેમવિજયજી મ.નાં કારણે . એને ધર્મનો બોધ મળ્યો , શ્રી પ્રેમવિજયજી મ.નાં કારણે . એને ધર્મમાં આગળ વધવાનું ગમવા લાગ્યું , શ્રી પ્રેમવિજયજી મ.નાં કારણે . એ માબાપ થકી નવકાર પામ્યો એ પહેલી વાત . એ શ્રી પ્રેમવિજયજી મ.નાં કારણે ધર્મ પામ્યો આ બીજી વાત . ધર્મની એકએક ક્રિયામાં શું આનંદ છે તેનો અનુભવ રતિલાલને હતો નહીં . એ અનુભવ શ્રી પ્રેમવિજયજી મ. એ એને આપ્યો હતો . આવો અજબગજબનો ઉપકાર કરનારા મુનિભગવંતને રતિલાલ પોતાના ગુરુ જ માનતો હતો . આજે એક અવઢવ ઊભી થઈ હતી . ગુરુની ભક્તિ કરવાનું ગમતું . ગુરુની સેવા કરવામાં આનંદ આવતો . ગુરુ કહે એવા નિયમો લેવાનુંય ગમતું . એનો વાંધો નહોતો . આવતી કાલે અષાઢ સુદ ચૌદસ હતી . એને લઈને જ ગુરુએ એક વાત કહી હતી . જોકે , એ વાત ગુરુ અવારનવાર કહેતા રહેતા હતા . રતિલાલ દરવખતે એ વાત ટાળી દેતો હતો . આજે એ વાતમાં એક પ્રેમાળ દબાણ હતુું . ગુરુનો સૂર એવો હતો કે આવતીકાલે આટલું તો કરવું જ પડશે , આ કર્યા વિના ચાલશે જ નહીં . રતિલાલ બીજી બધી વાતો માટે તૈયાર હતો . આ એક વાત માટે એ તૈયાર નહોતો . ગુરુનું વાત્સલ્ય અમાપ હતું . ગુરુ જે કહી રહ્યા હતા એમાં અંગત સ્વાર્થનો અંશ નહોતો . પણ એમની આ વાત મનમાં બેસતી નહોતી . એણે ગુરુને ના પાડવાનું નક્કી કર્યું . કેવી રીતે ના પાડવી એ સમજાયું નહીં એટલે એ મૌન રહ્યો . થોડુંક ગોઠવીને બોલવું પડશે , વિચારતો રહ્યો . તરત બોલી દઈએ એમાં ખોટું લાગી જાય . સાચવીને ના કહેવાની હતી . હા પાડવાનો સવાલ જ નહોતો . ના એટલે ના . બે વત્તા બે બરાબર ચાર એ જેટલું સ્પષ્ટ રહે છે એટલું જ સ્પષ્ટ હતું ના કહેવાનું .
એને વાત એકંદર વહેવારુ લાગતી નહોતી . અષાઢ સુદ તેરસે ગુરુએ કહ્યું કે આવતીકાલે તું દીક્ષા લઈ લે . અષાઢ સુદ ચૌદસનાં પ્રતિક્રમણ પછી ચાર મહિના માટે દીક્ષા લેવાનું બંધ થઈ જશે . અલબત્ , ગુરુના શબ્દો આ નહોતા .
ગુરુએ કહ્યું હતું કે ‘ ભાઈ , હવે ક્યાર સુધી સંસારમાં રહેવું છે . પરિવારની અનુમતિ મળે એની રાહ જોવામાં ને જોવામાં ક્યાંક એવું ન થાય કે તારી દીક્ષા જ રહી જાય . કાલે ચૌદસ છે . આવી જા સવારે . તને દીક્ષા આપી દેશું . કાલે સાંજે પ્રતિક્રમણ પછી દીક્ષા બંધ થશે . તારી દીક્ષા ચાર મહિના માટે અટકી જશે . ‘
અને આ સંબોધનની પૂર્વભૂમિકા લાંબી હતી . અમદાવાદની પાંછિયાની પોળમાં રતિલાલનો પરિવાર રહે . પિતા પ્રેમચંદભાઈ . માતા સમરથબેન . બે વડીલ બંધુ : મણીભાઈ અને સારાભાઈ . બે નાની બહેન પણ હતી . વિ. સં. ૧૯૭૨માં રતિલાલનો જન્મ થયેલો . અમદાવાદની દરેક પોળોમાં બનતું હોય છે એમ પાંછિયાની પોળમાં પણ સાધુસાધ્વીજી ભગવંતોનું સાંનિધ્ય ઘણું મળતું . માબાપ ધર્મપ્રેમી હતા , મહાત્માઓના પરિચયમાં પોતે રહેતા અને સંતાનોને રાખતા . અલગ અલગ ઉપાશ્રયોમાં ચાલતાં વ્યાખ્યાનોમાંથી કોઈ એકમાં જવાનું અનિવાર્ય હતું . સાધુસાધ્વીઓ અને શ્રાવકશ્રાવિકાઓનો આત્મીય સંપર્ક થતો હતો અને વધતો હતો . ઘરમાં આનંદપ્રમોદનાં વાતાવરણ વચ્ચે ધાર્મિક આબોહવા પણ બનેલી રહેતી . બાળપણથી જ , ગુરુભગવંતોનાં સાંનિધ્યનો અને પાઠશાળાનાં સંસ્કરણનો લાભ મેળવનારા ઘરનાં સંતાનો , ધર્મની ગતિવિધિઓ સાથે ભરપૂર જોડાતા .
દોશીવાડાની પોળમાં આવેલ જૈન વિદ્યાશાળા સાથે પરિવાર વિશેષ જોડાયેલો રહેતો . સકલાગમરહસ્યવેદી પૂ.આ.શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાની શિષ્યપ્રશિષ્યો પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી મહારાજા અને પૂ. પંન્યાસ શ્રી રામવિજયજી મહારાજા આદિ મહાત્માઓ અહીં પધાર્યા એ વખતે શ્રી પ્રેમવિજયજી મહારાજાના જ્ઞાનવૈભવ અને શ્રી રામવિજયજી મહારાજાનાં વ્યાખ્યાનોથી રતિલાલ પ્રભાવિત થયો હતો . દીક્ષા લેવાનું થોડું થોડું મન પણ થયું હતું . શ્રી પ્રેમવિજયજી મહારાજાને આની જાણ હતી . તેમણે રતિલાલને દીક્ષા માટે ઘણી પ્રેરણા આપી હતી . જોકે એને દીક્ષા આપી શકાય ખરી , એની ચકાસણી ગુરુ કરતા રહ્યા હતા . રતિલાલની યોગ્યતામાં ખામી નહોતી દેખાઈ . એને એક જોરદાર ધક્કો લગાવવાનો હતો , બસ . આ રતિલાલ સંબંધી વાત થઈ . ગુરુને એ પણ ખબર હતી કે પરિવાર દીક્ષાની રજા તરત આપશે નહીં . વળી એ સમયે દીક્ષાવિરોધી વાતાવરણ ઘણું વધારે રહેતું . પરિવાર રજા આપે તે પછી પણ સમાજના અમુક તથાકથિત ડાહ્યાઓ દ્વારા દીક્ષા રોકવાની પેરવી થઈ શકતી હતી . કોઈ દીક્ષા લઈ જ લે તો વિરોધના પ્રયત્ન કમજોર પડી જતા . પરંતુ કોઈ દીક્ષા લેવાનું છે એવી જાહેરાત થાય તો દીક્ષાવિરોધીઓ વચ્ચે કૂદ્યા વગર રહેતા જ નહીં . કુટુંબ પોતાના સ્વજનની દીક્ષા ચાહતું ન હોય એવી પરિસ્થિતિમાં તો દીક્ષાવિરોધીઓ કાળો કેર વર્તાવી દેતા .
રતિલાલને પરિવાર દ્વારા દીક્ષાની અનુમતિ મળે એ આજની તિથિએ સંભવિત નહોતું . રતિલાલ ખાનગીમાં દીક્ષા લેશે તો પરિવાર થોડી નારાજગી બાદ માની જશે એવી ગુરુને એટલે કે શ્રી પ્રેમવિજયજી મહારાજાને ખાતરી હતી . આ કારણે તેઓ રતિલાલને આવતીકાલે જ દીક્ષા લેવાનો આદેશ સમાન આગ્રહ કરી રહ્યા હતા . એમને અંદાજ નહોતો કે રતિલાલ હજી દીક્ષા લેવા માનસિક રીતે તૈયાર નથી .
ગુરુને રતિલાલની શક્તિ પર પૂરો વિશ્વાસ હતો પરંતુ રતિલાલને પોતાની શક્તિનો અંદાજો આવ્યો નહોતો અને એટલે જ એને પોતાની પર વિશ્વાસ પણ નહોતો . આ પરિસ્થિતિમાં ગુરુનો વત્સલ વિશ્વાસ જીતશે કે રતિલાલનો નિખાલસ અવિશ્વાસ જીતશે એનો જવાબ અષાઢ સુદ ચૌદસે જ મળવાનો હતો . ( ક્રમશઃ )
Leave a Reply