Press ESC to close

૩૪ . પત્ર વહેવાર અને વ્યાખ્યાન વહેવાર

સંવેગકથા

આત્મશુદ્ધિ માટે દર પંદર દિવસે આલોચના અને ક્ષમાપના કરે . એક પણ ખાડો પાડ્યા વગર પાક્ષિક , ચાતુર્માસિક અને સાંવત્સરિક આલોચના અને ક્ષમાપનાનો પત્ર , સમુદાયના સર્વસત્તાધીશને પાઠવે . વડીલો તરફથી જવાબ આવે એની રાહ જુએ . ધારેલા સમય સુધીમાં જવાબ ન આવે તો ચિંતા થાય . જ્યારે પણ પત્ર હાથમાં આવે ત્યારે પ્રસન્નતા અનુભવે . પોતાને ન સમજાય એવી બાબતો અંગે નોંધ તૈયાર કરી રાખે . કોઈ સામુદાયિક પરિસ્થિતિ હોય , કોઈનો અણસમજાતો વહેવાર હોય , કોઈ વ્યક્તિગત મૂંઝવણ હોય , કોઈના અંગે ફરિયાદ હોય તે અંગે  ખુલ્લાં દિલે પત્રો લખે , કોઈક વાર કડક ભાષા વાપરી લે , છોછ નહીં .
પત્ર મોકલ્યા બાદ વિચારતા રહે કે આનો જવાબ શું આવશે . જે જવાબ આવવાની ધારણા રાખી હોય તે જ જવાબ આવે એ વખતે રાજી થાય . કહે : કીધુંતું ને મેં ? આ જવાબ આવશે . જુઓ એ જ જવાબ આવ્યો . ધારણા કરતાં જુદો જવાબ આવે ત્યારે કશુંક નવું શીખવા મળ્યું એનો રાજીપો અનુભવે . વડીલો સાથેનો સંપર્ક બનેલો રહે એ માટે પત્ર લખતા રહેવાનું જરૂરી માનતા . પોતે લખેલ પત્ર લાંબો હોય અને એનો જવાબ લાંબો જ આવવાનો હોય એવી સ્થિતિમાં શું કરે ? પત્ર મોકલતાં પહેલાં એની એક નકલ પોતાની નોટમાં લખી લે . ઝેરોક્સ કરાવો તો વિરાધના થાય , હાથેથી બીજી કોપી લખવામાં કેટલો સમય લાગવાનો ? . વડીલોને લખાયેલા ગંભીરવિષયક પત્રોની એક નકલ પોતાની રહેવી જોઈએ એ આશયથી એક પત્રવહેવારની નોટ બનાવેલી . કંઈ તારીખે કયો પત્ર લખ્યો તેની નોંધ તો હોય જ વળી . વડીલોનો જવાબ આવે એટલે પોતાની એ નોટ ખોલે , પોતાનો પત્ર સરખાવે અને જવાબનું આકલન કરે .
તારણહાર ગુરુદેવની સાથે કાયમ સુધી પત્રવહેવાર ચાલતો રહેલો . ગુરુદેવની વિદાય બાદ સમુદાયની બાગડૌર પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાના હાથમાં આવી હતી . એમની સાથે પણ પત્રવહેવાર ચાલતો રહેતો હતો .

શ્રી દાનસૂરિજી જ્ઞાનમંદિરમાં , જે જે વડીલો ચાતુર્માસ અર્થે પધારે એમની પાસે વાચના લે , અભ્યાસ કરે . પૂછવામાં આવે ત્યારે સલાહ સૂચન પણ આપે . નાના મહાત્માઓને કહેતા રહે કે ખૂબ ભણો , ભણતા રહો , નહીં ભણો તો દુનિયા ભાવ નહીં પૂછે .

વ્યાખ્યાન ન આપવાનો નિયમ એક ચાતુર્માસમાં તૂટ્યો હતો . બેય પુત્રમુનિઓની સાથે શ્રી જૈન મર્ચન્ટ્સ સોસાયટીમાં ચોમાસું થયેલું . વિ.સં. ૨૦૪૮ની સાલમાં . એમને જ વ્યાખ્યાન આપવાનું છે એવો સૌનો આગ્રહ . રોજ અર્ધો પોણો કલાક બોલતા . ( બાકીનો સમય પુત્રમુનિઓ  ) એમનું વ્યાખ્યાન કડક . તીખી ભાષા . ધોલાઈ ઘણી થાય શ્રોતાઓની . મિથ્યાત્વ , સમકિતની પૂર્વભૂમિકા અને સમકિતનાં લક્ષણો જેવા વિષયો પર પ્રકાશ પાથરતા . સાયન્સના રેફરન્સ ઘણા આવે . સવાલો પૂછે અને જવાબ માંગે . જે જવાબ આપે એની પટ્ટી ઉતરી જાય . સમજો કોઈ સવાલ પૂછી લે તો એને ધુંવાદાર ઉત્તરોથી પૂરો પાઠ પઢાવી દે . સવાલજવાબ ચાલતા હોય ત્યારે એક તકિયાકલામ વાક્ય વારંવાર બોલે : તમારી પાસે ગોટી છે તો મારી પાસે લખોટો છે . વ્યાખ્યાનમાં સારી એવી સંખ્યામાં શ્રાવકશ્રાવિકાઓ આવતા . વરસોસુધી સારા સારા પ્રવચનકારોને સાંભળી ચૂકેલા શ્રોતાઓએ કહ્યું હતું કે આપણો ધર્મ સારો છે એ ખબર હતી પરંતુ આટલોબધો સારો છે એ આમનું વ્યાખ્યાન સાંભળ્યા બાદ ખબર પડી . અધ્યવસાયો પર આટલું ઊંડાણથી સમજાવી શકે એવા વક્તા અમે ઘણાવરસે જોયા , આવું પણ ઘણાઓએ કહ્યું .
જૈન મર્ચન્ટ્સ સોસાયટીમાં બે તિથિ પક્ષનું એ સર્વપ્રથમ ચોમાસું હતું . પ્રવેશ વખતે એવું લાગતું હતું કે ચોમાસું કેવું થશે શું ખબર ? પરંતુ એમનાં વ્યાખ્યાનના પ્રભાવે ચોમાસું અત્યંત યશસ્વી બની ગયું . સંઘમાં એક પ્રશ્ન વરસોથી ઊભો હતો જેનું સમાધાન જડતું ન હતું . એ પ્રશ્ન નો ઉકેલ પર્યુષણ દરમ્યાન આવ્યો , મુનિશ્રી સંવેગરતિવિજયજી મ. ના કુશલ માર્ગદર્શનનો એ પ્રભાવ હતો .
પરંતુ આ રીતે સંઘને સંભાળવામાં અને વ્યાખ્યાનો આપવામાં ઘણો જ સમય જતો હોય છે એ એમને નવેસરથી સમજાયું . એ ચોમાસા પછી ક્યારેય વ્યાખ્યાનની જવાબદારી સ્વીકારી નહીં . આ પૂર્વે , સેજપુર બોઘામાં અને સોલાપુર રોડમાં પર્યુષણનાં વ્યાખ્યાનો આપેલા અને શ્રોતાજનો અભિભૂત થયેલા . પરંતુ એક તબક્કે નિર્ણય લઈ લીધો કે વ્યાખ્યાનથી દૂર જ રહેવું છે .

‘ હું વ્યાખ્યાન નથી આપતો એ મારો અંગત નિર્ણય છે . પરંતુ મનેં વ્યાખ્યાન આપતાં નથી આવડતું આવું તમે કહી ના શકો . હું ધારું તો રોજ વ્યાખ્યાન આપી શકું અને રોજ લોકો પણ ભેગા થાય . મારે એ લાઈન પર જવું નથી . ‘ તેઓ કહેતા . વ્યાખ્યાનથી દૂર રહ્યા . વ્યાખ્યાનનાં કારણે જે ભક્તવર્ગ બને એનાથી દૂર રહ્યા . વ્યાખ્યાનનાં કારણે જે નામના મળે તે નામનાથી દૂર રહ્યા . ( ક્રમશ : )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *