એમને પોતાનો ક્ષયોપશમ સારો છે તે યાદ હતું . દરેક કામમાં એ બુદ્ધિનો શ્રેષ્ઠ વિનિયોગ કરતા રહેતા . બુદ્ધિપૂર્વક ધર્મ કરવો જોઈએ એ એમનું મનગમતું સૂત્ર હતું .
દીક્ષા પૂર્વે આર્યભિષક ( હિંદુસ્તાનનો વૈદરાજ ) ગ્રંથનો ઘણો અભ્યાસ કરેલો . ઘરે પોતાના હાથે ચ્યવનપ્રાશ બનાવતા અને સૌને ચખાડતા . દીક્ષાના થોડા સમય બાદ રોજ ત્રિફળાનું પાણી બનાવે . ત્રિફળાનું શુદ્ધ ચૂર્ણ પાણીમાં પાંચ છ કલાક પલાળી રાખે . પાણી ઘેરું લીલું થઈ જાય . પછી ઉપરનું પાણી અલગ તારવી લે . નીચેનો રગડો હલીને ઉપર આવે નહીં એનું ધ્યાન રાખે . ઉપરનું રજરહિત પાણી નાનકડી કટોરીમાં આકંઠ ભરે . હવે એ ત્રિફળાજળભરેલી નાનકડી કટોરી પર ડોકથી ઝૂકીને એમાં આંખ ડૂબાડે . આંખને ત્રિફળાજળમાં ઉઘાડબંધ કરે . એકદોઢ મિનિટ એક આંખ પલાળે , એક દોઢ મિનિટ બીજી આંખ પલાળે . છેવટે ચોખ્ખાં પાણીથી આંખ ધોઈ લે . ( વાપરેલું ત્રિફળાજળ અને એનો રગડો પરઠવી દે . ) આ રીતે દીક્ષા પૂર્વે પણ આંખ ધોતા હતા , જુદી રીતે . દીક્ષા બાદ ઉચિત મર્યાદામાં રહીને આ પ્રયોગ ચાલુ રાખેલો જેના પરિણામે એમના ચશ્માના નંબર ઘણા ઓછા થઈ ગયા હતા .
બ્રાહ્મી વટી , રસાયણ ચૂર્ણ , ચંદ્ર પ્રભા વટી , સુદર્શન ઘનવટી અને ચૂર્ણ , અરીઠા , હરડે , ઇસબગોલ આદિનો ઉપચાર સંબંધી પ્રયોગ કરતા રહે .
એ વખતે વધારાની ઉપધિ રાખવા માટે પૂંઠાના બોક્સ વપરાતા . ટેક્નિકલ એક્સપિરિમેન્ટ કરીને બોક્સ એમણે એવા સુંદર અને મજબૂત બનાવેલા કે જોતાવેંત ગમી જાય અને વરસો સુધી તૂટે નહીં . એ વખતે સમુદાયમાં બોક્સને મજબૂત બનાવવા બોક્સ પર રંગબેરંગી કપડું ચીપકાવવાની પદ્ધતિ હતી . તેમણે બોક્સને મજબૂત બનાવવા સફેદ કપડાનો બેઝ બનાવીને તેની પર બ્રાઉન પેપરનો કળાત્મક ઉપયોગ કર્યો હતો . ગુંદરની જગ્યાએ તેમણે શું વાપર્યું હતું , ખબર છે ? આંબેલખાતાથી લાવેલી ચોખાની ઘેંસ , ચોખાની કણકી . રોજ કામપૂરતી લાવતા . એમાં ભરપૂર મોરથુથુ ( સલફેટ કોપર ) મેળવતા . દંડાસનની કોઈ તૂટેલી દાંડીથી કણકી અને મોરથુથુનાં મિશ્રણને ખૂબ ઘૂંટતા . એકદમ ચીકણું મિશ્રણ બની જાય પછી બોક્સ પર એનો જાડો થર ચડાવતા . પછી એ બોક્સને તડકામાં સુકવતા . એ થર પૂરેપૂરો સૂકાઈ જાય એ પછી બોક્સ પર ટકોરા મારતા . પૂઠાના બોક્સ પરથી લાકડા જેવો કડક અવાજ નીકળતો . એની પર ગોલ્ડન બુચનું કપડું પેલાં મિશ્રણથી ચીપકાવતા . બોક્સના ઉપરનાં ચાર પાંખિયા ખૂલે પરંતુ બોક્સ નીચેથી ન ખૂલે એ રીતે કપડું તાણીને ચોંટાડી દેતા . આખું બોક્સ સફેદ કપડાંથી આવરાઈ જાય ત્યારે એવું લાગે કે આ બોક્સ ઓરિજિનલી સફેદ જ છે . હવે આછા ખાખી રંગના પેપરનાં એકસરખાં , અણીદાર કટપીસ તૈયાર કરે . બોક્સના બહારઅંદરના ખૂણા ખૂલા રહે એ રીતે એકસરખી સાઈઝનાં પેપરને એ બોક્સના દરેક પડખા પર લગાવે . આ રીતે એ બોક્સ તૈયાર થાય . તમે એને પછાડો કે મુક્કો મારો તોય ન તૂટે એવું એ બોક્સ સુદૃઢ બની ગયું હોય . ( યાદ રહે , પછાડીએ કે મુક્કા મારીએ તો દોષ લાગે . આ તો બોક્સની મજબૂતી સમજાવવા આ રીતે લખ્યું છે . ) વોટરપ્રુફ હોય એવું કઠણ . લાકડા જેવું મજબૂત . ઈન્ડિયન આર્મીના લગેજ બોક્સ જેવું સિમ્પલ એન્ડ બ્યુટીફૂલ . એમણે એકવાર આવા બોક્સિસ બનાવ્યાં હતાં તે વીસ વરસસુધી અડીખમ કામ આવ્યાં હતાં .
ઉનાળામાં જ્ઞાનમંદિરનાં ત્રીજા માળના દરવાજા સવારે સાડાનવ દશ વાગે બંધ કરી દે . ગરમ હવા ચાલે તે દરવાજે અફળાઈને પાછી જતી રહે , હોલ વધારે ગરમ ન થાય . બપોરના સમયે લૂનો ઉકાળાટ ન લાગે . અમદાવાદની ગરમી કેવી ભારે હોય છે ? એમની આ વહેલાસર દરવાજા બંધ કરી દેવાની પદ્ધતિએ એસી પંખા વગર પણ અમુક હદે ગરમીને મહાત આપી હતી .
શ્રી દાનસૂરિજી જ્ઞાનમંદિરનો આલીશાન જ્ઞાનભંડાર એમનું પ્રિય આલંબન . પોતાને જે ગ્રંથનો અભ્યાસ ચાલુ હોય એનાં દરેક એડિશનની કોપી એ કઢાવે . જેટલા અનુવાદ , વિવેચન અને સંપાદન મળતાં હોય તે દરેકને એ સાથે રાખે . કયો પાઠ અને કયું અર્થઘટન સર્વોપરી છે તે તારવે અને નોંધી રાખે . જે જે ગ્રંથ વાંચ્યો હોય તેનું પ્રકાશન કંઈ કંઈ સંસ્થાઓ દ્વારા થયું છે , તેમજ મુદ્રણશુદ્ધિ અને પાઠશુદ્ધિની અપેક્ષાએ કયું સંપાદન ધ બેસ્ટ છે એની જાણકારી એ આપી શકે .
પ્રાચીન સ્તવનો અને પ્રાચીન રાગો ગમે . નવા ગીતો ઓછા ગમે અને ફિલ્મી તર્જનો ઉપયોગ સદંતર ન ગમે . ફિલમમાં વપરાયેલી તર્જ એંઠી થાળી સમાન છે , એવી અભડાયેલી વસ્તુથી ભક્તિ ન કરાય એવું એ કટ્ટરતાથી માનતા . ફિલ્મી તર્જનાં કારણે ફિલ્મી દૃશ્યો યાદ આવે છે એવી એમની વ્યક્તિગત ફરિયાદ . ઈ.સ. ૧૯૫૦ પછીનાં ત્રણ દશકમાં ફિલ્મી દુનિયામાં જે મૂવીઝ આવી અને જે સિંગર્સ આવ્યા એમની સાથે , દીક્ષા પૂર્વે ઘણો ઘનિષ્ટ સ્ક્રીન ટાઈમ વીતાવ્યો હતો તેથી કેટલાય ફિલ્મી ગીતો એમને યાદ હશે પરંતુ એ યાદને એ મહત્ત્વ આપતા નહોતા . વ્યક્તિગત અભિરૂચિ એની જગ્યાએ છે બાકી ધાર્મિક પ્રવૃત્તિઓનું ધારાધોરણ ઊંચું હોવું જોઈએ એવો એમનો અભિપ્રાય .
દરેક પ્રવૃત્તિ સાથે પોતાનો તાર્કિક દૃષ્ટિકોણ જોડે જ . અને દરેક દૃષ્ટિકોણ સાથે શાસ્ત્રીય સંદર્ભને જોડ્યા વિના રહે જ નહીં . ( ક્રમશઃ )
Leave a Reply