Press ESC to close

૧૮. પૂના અને અમદાવાદ

સંવેગકથા

પૂનાનું મોટું ઘર અને નાનું ઘર ખાલી ખાલી . પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા સાથેની એક જ બેઠકમાં જયાબેને વિરોધનો વાવટો સંકેલી લીધો હતો એ વાત સાચી પણ એકીસાથે ત્રણ સભ્યો ઘરમાં હોય જ નહીં એ પરિસ્થિતિ જીરવવાનું સહેલું નહોતું . એક નવું વાતાવરણ ઊભું થયું હતું જે ગોઠી રહ્યું નહોતું . અમદાવાદમાં જે બેઠા હતા તે દુઃખી નહોતા બલ્કે આત્મ રંગે રાજી હતા એટલે એમને પૂનાની યાદ આવતી નહોતી . પરંતુ પૂનામાં તો ત્રણેયની યાદ બનેલી જ રહેતી , પરિવારજનોને હજી જૈન ધર્મ વિશેષ ગમ્યો નહોતો . વૈરાગ્યને સમજવાની એ લોકોની ભૂમિકા નહોતી . એટલું સમજાયેલું કે જે આચાર્યદેવ પાસે
એ રોકાયા છે એમની ઊંચાઈ અજબ છે , એમનો પ્રભાવ ઘણોમોટો છે , એમનું સત્ અખંડ છે . બસ , આ એક આશ્વાસનથી મન મનાવી લીધું હતું .
સુરેશભાઈને મુમુક્ષુ અવસ્થામાં એકાદ વરસ રહેવા મળ્યું . કેટલાય મુમુક્ષુઓ સાથે હતા : લલિતભાઈ , અમૃતભાઈ , પારસભાઈ , મહેશભાઈ , બે સુનીલભાઈ , ભરતભાઈ , હીરેનભાઈ , ભૂપેન્દ્ર ભાઈ , શૈલેષકુમાર , આશિષકુમાર અને અન્ય . નવા મુમુક્ષુઓ ઉમેરાતા પણ ખરા .
સવાર સાંજનું પ્રતિક્રમણ કરવાનું જ . વહેલી સવારે ગાથાઓ ગોખવાની . વ્યાખ્યાન , સામાયિક લઈને જ સાંભળવાનું . ત્રિકાળ પૂજામાં બાંધછોડ પણ નહીં અને ઉતાવળ પણ નહીં . ત્રીસ , ચાલીસ , પચાસ સાધુઓને રોજ વંદન કરવાના . બપોરે તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતભાષાના પાઠમાં બેસવાનું , ધ્યાનથી ભણવાનું . સૂવાનું સંથારા પર , તકિયો નહીં વાપરવાનો . રાત્રિભોજન સદંતર ત્યાગ . વિહારમાં પોતાનો સામાન જાતે ઉઠાવવાનો . પગમાં ચંપલ ન હોય તો સારું ગણાય . પર્વતિથિએ પૌષધ કરવાનો .
પૂનાથી ફોન આવતા ક્યારેક . લાગણીની લપેટમાં આવ્યા વિના વાત કરી લેતા . જેમ જેમ બાળકોમાં દીક્ષા માટેની ઉત્સુકતા વધતી ગઈ તેમ તેમ એમને દીક્ષાની કઠિનાઈઓ સમજાવવાનું વધારતા ગયા . બાળકો દીક્ષાથી ડરીને દીક્ષા લેવાની ના કહી દેશે તે ચાલશે પણ બાળકો કોઈ બાબતે અંધારામાં રહે એ બિલકુલ નહીં ચાલે , એવો સ્પષ્ટ મત હતો સુરેશભાઈનો .  અમદાવાદ –  શાંતિનગર ચાતુર્માસમાં બધા મુમુક્ષુઓએ લોચ કરાવ્યો તો પોતે પણ લોચ કરાવ્યો અને બાળકોનો પણ લોચ કરાવ્યો . લોચ એવું કષ્ટ છે જે સહન ન થાય તો દીક્ષાની કેળવણી અધૂરી રહી જાય . માથાના એક એક વાળને પકડીપકડીને ઉખેડવાનું કષ્ટ ભલભલાને ઢીલા પાડી દે છે . સુરેશભાઈએ પોતાની ઉપર અને બાળકોની ઉપર કડક થઈને લોચાનુભવ અથવા લોચાનંદ લીધો . શું કામ તો કે દીક્ષા લીધા બાદ દર છ મહિને લોચ કરવાનું પાકું જ છે , દીક્ષા લેતાં પહેલાં સમજી લો કે લોચ શું છે . પાછળથી એમ ન થાય કે આ તકલીફની ખબર જ નહોતી .
પ્રશિક્ષણદાતા હતા પૂ.મુનિરાજ શ્રી ગુણયશવિજયજી મ. , પૂ.મુનિરાજ શ્રી કીર્તિયશવિજયજી મ. . આખો દિવસ ભણવામાં જાય . બપોરે ઊંઘવાનું નહીં . કારણવગર વાતો નહીં કરવાની . હંસીમજાકથી દૂર રહેવાનું . સાધ્વીઓ અને બહેનો સાથે વાતો નહીં કરવાની . ખાવામાં , નહાવામાં અને કપડાં ધોવામાં લાંબો વખત ન વેડફાય . ઉકાળેલું પાણી ઠંડું જ જોઈએ એવો આગ્રહ ન ચાલે . એક દિવસમાં પાંચથી વધારે સામાયિક થવી જોઈએ . સવારે નવી ગાથા . બપોરે પાઠ અને પુનરાવર્તન . સાંજે ઢળતા સૂરજની સાખે સ્તવન , સજ્ઝાય અને સ્તુતિ શીખવાની . અંતરજામી સુણ અલવેસર , કડવાં ફળ છે ક્રોધનાં અને શંખેશ્વર પાસજી પૂજીએ-થી આગળ આગળ વધવાનું . ઈલેક્ટ્રિક લાઈટનાં અજવાળાનો ઉપયોગ નહીં કરવાનો . સાદગી અનિવાર્ય . વહેલાં સૂવાનું , વહેલાં ઊઠવાનું . રોજનો હિસાબ કિતાબ શ્રીમહોદયસૂરીશ્વરજી મહારાજાને આપવાનો હોય . એ જે પૂછે એનો સાચ્ચો જવાબ આપવાનો કેમકે એમની પાસે સાચ્ચા સમાચાર હોય જ . એમને મળીએ ત્યારે માતાની મમતા અને દાદાની આત્મીયતા વર્તાય . સૌથી મોટા સૂરિભગવંત સાથે , શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સાથે વાત કરવાનો મોકો ઓછો મળે . એમનો અવાજ અને ઉપદેશ વ્યાખ્યાનના એક કલાકમાં મળી જાય એનાથી આખોય દિવસ છલકાયેલો રહે . જોકે , વંદન કરવાના સમયે નામ લઈને બોલાવે , ખબરઅંતર પૂછે . એ અક્ષય વાત્સલ્યની ક્ષણો બની જતી . પૂનાવાળાઓની જાણકારી લે અથવા આપે . વાતવાતમાં એકાદ એવું ચોટદાર પ્રેરણાવાક્ય આપી દે કે સાંભળનાર ન્યાલ થઈ જાય . આ ગુરુદેવ હતા , આ તારણહાર હતા , આ રખવૈયા હતા , આ આત્માના ઉદ્ધારક હતા . એ સ્વીકૃતિ આપે નહીં ત્યારસુધી દીક્ષા મળી શકે નહીં . એમની એ ખાસિયત હતી કે મુુુમુક્ષુઓને દીક્ષા માટેની સ્વીકૃતિ આપવામાં એ લાંબો સમય લગાડી દેતા .
પૂનામાં સ્વજનોને આશા હતી કે થોડા દિવસમાં ત્રણેય કંટાળશે અથવા બે બાળકો કંટાળશે અને ઘરભેગા થઈ જશે . બાળકો છમાસી પરીક્ષા બાદ સ્કૂલમાં ગયા નહોતા , સ્વજનોએ વાર્ષિક પરીક્ષા ન આપનારા બાળકોનું પાસિંગ સર્ટિફિકેટ સ્કૂલથી મેળવીને અમદાવાદ મોકલ્યું હતું – એ ઉમ્મીદથી કે બાળકો પાછા આવી જાય તો એમને આગલા ધોરણમાં દાખલ કરી શકાય . શ્રી મહોદયસૂરીશ્વરજી મહારાજાએ બાળકોને સર્ટિફિકેટ બતાવીને પૂછ્યું હતું કે ‘ જુઓ તમે નવમી અને સાતમીમાં વાર્ષિક પરીક્ષા આપ્યા વિના જ પાસ થઈ ગયા છો . જવું છે પૂના ? મમ્મી બોલાવે છે . ‘
‘ ના , નથી જવું . ‘ બાળકોએ પપ્પાની સામે જોયાવગર જ જવાબ આપી દીધો હતો .
સમય ઝડપભેર સરકી રહ્યો હતો . ( ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *