Press ESC to close

૧૩ . દાદા હરિદાસભાઈ

સંવેગકથા

હરિદાસભાઈ પ્રેમાળ દાદા હતા . ભૂપેશ , અમિત , પ્રકાશ , નયન અને આશા આ પાંચ પ્રસંતાનોને જાનની જેમ ચાહે . દાદા નાના બાળકોને એટલું વહાલ કરતા કે બાળકોનાં હૈયે માબાપ કરતાંય વધારે પ્રેમ દાદા માટે બનતો . પાંચ બાળકોના રોબિનહૂડ જેવા દાદાનો દબદબો એમના બેય દીકરાઓ પર અને પુત્રવધૂઓ પર ચાલતો એ જોઈ બાળકોનાં મનમાં દાદા પ્રત્યે વિસ્મિતભાવ બનેલો રહેતો . દાદા  બાળકો માટે આંબા લઈ આવે , પોતાના હાથે ચીરિયા કરીને ખવરાવે . જલેબીફાફડા , મીઠા સક્કરપારા , ચોકલેટ્સ , ચ્યુઈંગગમ અને એવુંબધું જાતે લઈ આવે અને બાળકો સાથે મળીને ઉજાણી કરે .
એમને કાને ઓછું સંભળાતું . એ યુગ આજના જેટલો વિકસિત થયો નહોતો પરંતુ એમની જેબમાં એક નાનું એરપ્લગના તારવાળું મશીન રહેતું જેનાથી એ વાતો પૂરેપૂરી સાંભળી શકતા . ટેકનોલોજી પર ઘણો વિશ્વાસ . નવા જમાના પ્રમાણે વિચાર ચાલે . આળંદીના જલારામ બાપામાં પ્રચંડ આસ્થા . વીરપુર પણ જતા . દાદા અત્યંત લાગણીશીલ , પરંતુ જે બોલે તે તર્કબદ્ધ રીતે જ બોલે . ગોળગોળ વાતો ન કરે . મનમાં જે હોય તે જણાવી શકે . જે વાત ચાલુ થઈ હોય એને અધૂરે લટકવા ન દે . ડિગ્રી હોલ્ડર નહોતા પણ ડિગ્રીધારીઓને ભૂ પાઈ શકે એવા ઉસ્તાદ ગુરુ હતા . એમને સુરેશભાઇના બાળકો જૈન ધર્મની વાતો શીખી રહ્યા છે એ જોવું ગમ્યું નહોતું . દાદા એ બાળકોને બોલાવીને ઉલટતપાસ લેતા , સમજાવતા અને ભોળવાઈ જવાનું નથી એવી ભલામણ કરતા .
છતાં મહેન્દ્રભાઈની વાચનાનો સિલસિલો ચાલુ રહ્યો .
હવે ઘરમાં વાતાવરણ બદલાવા લાગ્યું . જયાબેન જૈનધર્મને માને નહીં . જૈનધર્મના ખાવાપીવા સંબંધી નિયમો એમને ગમે નહીં અને બાળકો એ જ નિયમોને પાળવા ઉત્સુક . જે શાક સૌને ભાવતું એ શાક હવે પરિહરણીય વસ્તુ બનવા લાગ્યું . જે ક્રિયાઓ એકલા સુરેશભાઈમાં જોવા મળતી તે હવે બાળકોને ગમવા લાગી . જે ધર્મ ફક્ત સુરેશભાઈ પૂરતો સીમિત હતો તે બાળકોની અભિરૂચિમાં આવવા લાગ્યો . સુરેશભાઈ અને જયાબેન વચ્ચે આ મુદ્દે ચણભણ પણ થતી .
સુરેશભાઈના જૈનમિત્રોના પરિવાર સાથે જયાબેનનો પણ સ્નેહસંબંધ બનેલો . જયાબેન પોતાને જે નથી ગમતું એની ચર્ચા ખુલ્લા દિલે એમની સાથે કરી ન શકે . સુરેશભાઈ પેનવાળાના બાળકો કૃતિ – કુણાલ – જિગર , તેજપાલભાઈના બાળકો ……… , મહેન્દ્રભાઈ કાર્પેટવાળાના બાળકો મનીષ – હેમલ તેમજ અન્ય મિત્રોનાં બાળકો સાથે સુરેશભાઈના બાળકોની મૈત્રી થઈ અને એ મૈત્રીએ સુરેશભાઈના બાળકોના જૈનધર્મના પ્રેમમાં વધારો કર્યો . આરસીએમમાં ભણવા જતા બાળકોને સ્કૂલમાં પણ જૈન મિત્રો સાથે એક સોફ્ટકોર્નર રિલેશનશિપ બનવા લાગી .

બે બાળકમાં વધારે બદલાવ આવ્યો હતો : રાજુ અને ટીનુ . આ બેય બાળકોને જૈન ધર્મ અનુસાર વિકસિત થવાની તક મળે તે માટે અજીબોગરીબ નિર્ણય એ લેવાયો કે સુરેશભાઈ અને એમના આ બે બાળકો જૈન ધર્મ અનુસાર પ્રશિક્ષણ પામે તે માટે તેઓ ભાયાણી પરિવારના સંપર્કથી દૂર ક્યાંક રહે . આ નિર્ણય અટપટો હતો , ઓછો વહેવારુ હતો અને ચેલેંજિંગ હતો . દૂર રહે તો ક્યાં રહે ? આ પણ સવાલ હતો . મહેન્દ્રભાઈ મહેતાએ પોતાના ઘરે , આદિનાથ સોસાયટીનાં ઘરે રહેવા માટે એમને આમંત્રણ આપ્યું . અચાનક જ સુરેશભાઈ બે બાળકોને લઈને મહેન્દ્રભાઈનાં ઘરે રહેવા આવી ગયા . જયાબેન અને ભૂપેશ , સુરેશભાઈનાં ઘેર જ રહ્યા . સુરેશભાઈ પૂનામાં પોતાનું ઘર હોવાછતાં કોઈ બીજાના ઘેર રહેવા જતા રહે તે વિચિત્ર વાત હતી . સુરેશભાઈને દીક્ષાની ઉતાવળ હતી . જે નિર્ણય મને દીક્ષાની નજીક લઈ જાય એ નિર્ણય સારો . જે પરિસ્થિતિ મને દીક્ષાથી દૂર રાખે તે પરિસ્થિતિ મારા માટે અસ્વીકાર્ય , આવા કોઈ વિચારની છાયામાં , સુરેશભાઈ પોતાની જ કમાણીથી ચાલનારું પોતાનું ઘર પૂનામાં હોવાછતાં પૂનામાં જ બીજા કોઈના ઘેર રહેવા આવી ગયા . એ એમની ઉત્કટ નિર્વેદ દશા હતી . મહેન્દ્રભાઈના પિતા મોહનભાઈ , મહેન્દ્રભાઈના ધર્મપત્ની સરોજબેન , મહેન્દ્રભાઈની દીકરીઓ જસ્મીના – રૂપલ – પ્રજ્ઞા – નીલમ , મહેન્દ્રભાઈના દીકરા મનીષ – હેમલ , આ બધાયની સાથે રહેવાનો એક નવો જ પ્રેમાળ અનુભવ . ગુરુ મહેન્દ્રભાઈનું ઘર જ જાણે ગુરુકુળ બની ગયું . મહેતા પરિવારે બેય બાળકોને લખલૂટ પ્યારમાં આકંઠ ભીંજવી દીધા . અહીં બાળકોને પૂજા , સામાયિક , પ્રતિક્રમણ જેવી વિધિઓ શીખવાનું આસાન હતું . થોડો સમય અહીં રહ્યા બાદ , સુરેશભાઈ બેય બાળકો સાથે કેમ્પમાં વિનોદભાઈના ખાલી બંગલામાં રહેવા આવી ગયા . અહીં તો પૂજા માટે ઘરદેરાસરની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી .
મહેન્દ્રભાઈનાં ઘરે સુરેશભાઈ રહ્યા ત્યારે ભાયાણી પરિવારે મોટી પ્રતિક્રિયા આપી નહીં પરંતુ કેમ્પમાં રહેવાનો અલાયદો બંગલો લેવાયો છે તે જોવા મળ્યું ત્યારે ભાયાણી પરિવારે કડક થવાનું નક્કી કર્યું . હરિદાસ ગોવર્ધનદાસ ભાયાણીએ કમાન હાથમાં લીધી . ( ક્રમશઃ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *