Press ESC to close

શ્રી હિતરૂચિવિજયજી મ.સા.નાં ગીતો ( ૩ ગીત )

IMG-20190608-WA0002

૧ .આંખ એની વિમળ રહી

આંખ એની વિમળ રહી સાધના ઉજ્જ્વળ રહી
હિતરૂચિ મુનિરાજની પવિત્રતા પ્રબળ રહી . ૧
જેહ આદર્શો ગમ્યા એમાં જ આજીવન રમ્યા
બાંધછોડ હું નહીં કરુંએ જાગૃતિ પળપળ રહી . ૨
માન હજમ કરી ગયા અપમાન સર્વ ગળી ગયા
હિતરૂચિ મુનિરાજની સમતા સદા અવિચળ રહી . ૩
રામનાં શરણે રહ્યા વ્રત રામના હાથે ગ્રહ્યા
એની દીક્ષાની કથા ઇતિહાસમાં ઝળહળ રહી . ૪
કેવું અજબ જોડાણ છે ગુરુ સમર્પિત પ્રાણ છે
રામની જ જનમ તિથિએ અલવિદા મંગળ રહી . ૫
આમ એ ચાલ્યા જશે એમ કોણે વિચાર્યું હશે
જેને જેને મળી ખબર તેની આંખ બેય સજળ રહી . ૬

_____________________

૨ . દરિયો થઈને જે લહેરાયા

દરિયો થઈને જે લહેરાયા એના તરંગને મળવા ચાલો
મુનિરાજ હિતરુચિ વિજયજીના સૌ સદ્ ગુણ સાંભળવા ચાલો

એ સાત્ત્વિક ચહેરો ધરતા હતા એ તાત્ત્વિક ચિંતન કરતા હતા
એ વિરાગ વનમાં વિહરતા હતા એનાં તેજ સતત પાંગરતા હતા
દુષ્કર કરણીની કથા સુણી શુભ ભાવે ખળભળવા ચાલો
મુનિરાજ હિતરુચિ વિજયજીના સૌ સદ્ ગુણ સાંભળવા ચાલો . ૧

એ કડક હતા એ અડગ હતા નિયમોને તૂટવા ના દીધા
એક ધગશ હતી એક જોશ હતું  ઉર્જાબળ ખૂટવા ના દીધા
સમતા વરસી હતી દિવસ રાત એને સમરીને પલળવા ચાલો
મુનિરાજ હિતરુચિ વિજયજીના સૌ સદ્ ગુણ સાંભળવા ચાલો . ૨

નિર્ગ્રંથ શબ્દ ચરિતાર્થ હતો મહાભિક્ષુ અવસ્થા દીપી હતી
વૈરાગ્ય જ્ઞાનગર્ભિત હતો ના ધરી રતિ , ના કરી અરતિ
એક કેડી અનોખી રચી ગયા એ કેડીએ નીકળવા ચાલો
મુનિરાજ હિતરુચિ વિજયજીના સૌ સદ્ ગુણ સાંભળવા ચાલો . ૩

લોકોના લાડકવાયા હતા પણ લોકસંજ્ઞાથી દૂર રહ્યા
દુઃખ સહેવામાં શૂરવીર રહ્યા મન આનંદ રસ ભરપૂર રહ્યા
એની પરિણતિની વાતો સમરી આંખડીએ ઝળહળવા ચાલો
મુનિરાજ હિતરુચિ વિજયજીના સૌ સદ્ ગુણ સાંભળવા ચાલો . ૪

________________

૩ . મહાવિદેહના એક સુસાધુ

( વૈષ્ણવ જન તો )

મહાવિદેહના એક સુસાધુ ભરતક્ષેત્રમાં આવ્યા હતા
હિતરુચિવિજયજી નામ ધરીને અઢળક કર્મ ખપાવ્યા હતા

મેલાઘેલા કપડાં ધારે શ્રમણ દશા ઉજ્જ્વળ રાખે
સ્વાધ્યાયે રમમાણ અહોનિશ સાચ વચન સુંદર ભાખે
શાસન સંઘ અને આત્માનાં સપનાં ભવ્ય સજાવ્યા હતા
હિતરુચિવિજયજી નામ ધરીને અઢળક કર્મ ખપાવ્યા હતા .
મહાવિદેહના એક સુસાધુ ભરતક્ષેત્રમાં આવ્યા હતા . ૧
ઊંચું હતું આચારનું પાલન ઊંચા અધ્યવસાય હતા
એની પાસે બેસે એનાં  મનના ભાવો સુધરી જતા
ભવિષ્યને અજવાળે એવા ધન્ય વિચારો લાવ્યા હતા
હિતરુચિવિજયજી નામ ધરીને અઢળક કર્મ ખપાવ્યા હતા .
મહાવિદેહના એક સુસાધુ ભરતક્ષેત્રમાં આવ્યા હતા . ૨
વ્રતપાલનમાં એકદમ કટ્ટર  બાંધછોડ નહીં કોઈ રે
કલિકાલે દુર્લભ નિર્મલતા સૌએ એનામાં જોઈ રે
એની આંખનાં દ્વારે ક્યારેય વિષય કષાય ન આવ્યા રે
હિતરુચિવિજયજી નામ ધરીને અઢળક કર્મ ખપાવ્યા હતા .
મહાવિદેહના એક સુસાધુ  ભરતક્ષેત્રમાં આવ્યા હતા . ૩
એવું નથી કે પુણ્ય નહોતું  પુણ્ય તો એનું ભરપૂર હતું
પુણ્યની ઉપર કેન્દ્રિત જીવન એને નામંજૂર હતું
ક્ષયોપશમના રસિયા જીવને આડંબર નહીં ફાવ્યા હતા
હિતરુચિવિજયજી નામ ધરીને અઢળક કર્મ ખપાવ્યા હતા .
મહાવિદેહના એક સુસાધુ ભરતક્ષેત્રમાં આવ્યા હતા . ૪
રામચંદ્ર સૂરિરાજના અંતિમ શિષ્ય હતા એ ધનભાગી
તેજસ્વી આભા હતી એની મનવચકાયા વૈરાગી
લાખો જનોનાં હૈયામાં એણે અખંડ દીપ જગાવ્યા હતા
હિતરુચિવિજયજી નામ ધરીને અઢળક કર્મ ખપાવ્યા હતા .
મહાવિદેહના એક સુસાધુ ભરતક્ષેત્રમાં આવ્યા હતા . ૫

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *