Press ESC to close

ભૂલ કરવાની સ્વતંત્રતા : ભૂલ સુધારવાની સ્વતંત્રતા

બીજા તમને સમજાવે અને ખોટા પૂરવાર કરે તે તમારા અહંને સ્વીકાર્ય નથી  . તમે એકલા હાથે સમજી શકતા નથી . તમે ખોટા છો અને તમે ભૂલ કરો છો તેવું તમને પોતાને દેખાતું નથી . તમારું ખોટાપણું અને તમારી ભૂલ બીજાનાં મોઢે સાંભળતી વખતે તમને કડવું લાગે છે . તમે દરેક બાબતમાં સ્વતંત્ર છો . તમે ખોટા રહેવા માંગતા જ હો તો તમારી પાસે તેવા રહેવાની સ્વતંત્રતા છે . તમે ભૂલ કરવા માટે સદાના સ્વતંત્ર છો .

 

તમારી સ્વતંત્રતા પર કોઈનો હસ્તક્ષેપ થાય તે તમને નથી ગમતું . તમે સ્વતંત્ર રહેવા માંગો છો અને તમારી ભૂલને લીધે સતત પૂરવાર થયા કરે છે કે તમારી સ્વતંત્રતાનો તમે યોગ્ય ઉપયોગ કરતા નથી . તમે સ્વાધીન છો અને મૂરખ ઠરી રહ્યા છો . તમારે એકલાં એકલાં વિચારવું . તમને કોઈ જ કાંઈ જ ન કહે તો તમે મૂર્ખામીઓ કર્યા જ કરો છો . તમારી લાગણીઓને વ્યક્ત કરવાની તમારી પદ્ધતિને જુઓ . તમે તમારી રીતે જ મનફાવે તેવું બોલો છો . સામા પક્ષે દુઃખના ઘણ જેમને વાગતા હતા તે આ પદ્ધતિ બાબત તમને સમજાવતા રહ્યા . તમે સમજતા ગયા તેમ તમારી આ પદ્ધતિ બદલાતી ગઈ .

તમારી ભૂલ હતી . તમને ખબર નહોતી . તમને સામી વ્યક્તિએ જણાવ્યું . તમને એ ખરેખર સમજાયું . તમે થોડો ફેરફાર કર્યો . એક વાત એ છે  કે તમે જે કરો છો તે કરવા માટે તમે સ્વતંત્ર છો . બીજી વાત એ છે કે તમે જે કરો છો તેમાં ફેરફાર કરવા માટે પણ તમે સ્વતંત્ર છો . તમે કોઈ કામ છોડી દો કે કોઈ કામ શરુ કરો તે વખતે તમારી બીજી સ્વતંત્રતાની ભાવના ઘવાતી નથી . તમે ભૂલને સમજી ન શકો , તમે પોતાને જ સાચા માણસ માનીને ચાલો તો સ્વતંત્રતાની ભાવના નડે .

તમે નાના બાળક નથી . તમે પથારીવશ વૃદ્ધ નથી . તમે કાર્યક્ષમ વ્યક્તિ છો . કોઈ તમને દબાવીને કે દબડાવીને કામ કઢાવી લે તેવા કમજોર તમે નથી . તમે બદલાઈ શકો છો . અનુકૂલન શબ્દ મજાનો છે . રબરને દબાવો તો એ ઓછી જગ્યામાં રહે છે . રબરને ખેંચો તો વધારે જગ્યા રોકે છે . રબર એમને એમ પડ્યું હોય તો સામાન્ય જગ્યા રોકે છે . તમારી પાસે આવી ગોઠવાઈ શકવાની આવડત છે .

તમને ભૂલ બતાવીએ તો તમે સ્વીકારી શકો છો . તમને ટેકો ન આપીએ તો તમે એકલા હાથે લડી શકો છો . તમે બીજાનો સાથ મળે તો દશગણો જુસ્સો બતાવી દો એમ છો . તમારી સ્વતંત્રતાની અનુભૂતિ તમને બધું જ કરવાની તાકાત આપે છે . તમે દબાયેલા રહો , છૂપાડતા રહો , શરમાતા રહો અને તમારી સ્વતંત્રતાને અન્યાય થતો જ રહે .

તમારી સમક્ષ થતી રજૂઆતને તમે કંઈ રીતે મૂલવો છો તે પણ પ્રશ્ન છે . તમને કોણે કહ્યું અને કેવી રીતે કહ્યું તે જ વિચારતા રહેશો તો સ્વતંત્રતા તમને ખોટી દિશામાં લઈ જશે . તમે જે જાણ્યું તે તમને શું કામ જણાવવામાં આવ્યું તે વિચારશો તો તમે તમારી સ્વતંત્રતા પાસેથી જ હિંમત મળશે .

તમે ધંધો કર્યો . તમે સ્વતંત્ર હતા . તમે નુકશાનકારી નિર્ણય લીધો . તમે સ્વતંત્ર હતા . તમે હવે નુકશાન જોઈ રહ્યા છો . તમે એ નુકશાન ભોગવવા સ્વતંત્ર છો . તમારે એ નુકશાન વેઠવું હોય તો તમને કોઈ રોકતું નથી , તમને . એ નુકસાનમાંથી બહાર આવવું છે તો એ નુકસાન સામે લડવા માટે તમે સ્વતંત્ર છો . પરિણામ નક્કી કરવા માટે તમે સ્વતંત્ર નથી . તમે નુકશાન ટળી જાય તે પછી ભૂલનું પુનરાવર્તન થાય તે માટે સ્વતંત્ર છો .

તમારી આ સ્વતંત્રતા જ તમને પરિવર્તન માટેની હૂંફ ને હિંમત આપે છે . તમે ભગવાન નથી . તમે ઇન્સાન છો . તમે તકલીફો આવે તેમાંથી બહાર આવી શકો છો . તમે ભૂલો થાય તેને બદલી શકો છો . તમે ભૂલ કરી તે મહત્વનું નથી . તમારી પાસે ભૂલ સુધારી લેવાની સ્વતંત્રતા છે તે મહત્ત્વનું છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *