Press ESC to close

બડી ખૂબસૂરત થી વો ઝિંદગાની

कागझ की कश्ती

નાનપણના દિવસો . મજા જ મજા હતી . માથે જવાબદારી નહોતી અને દિલમાં હરામખોરી નહોતી . ભૂલની સજા કરનાર પર દ્વેષ નહોતો થતો . પાપો જાણી જોઈને કરવાની દાનત રાખી નહોતી . અક્કલ ઓછી હતી તેમ દુર્બુદ્ધિ પણ ઓછી હતી . નવું શીખવામાં મજા આવતી હતી , છીએ એવા જ રહેવું છે તેવો સંતોષ બાંધી લીધો નહોતો . માથે વડીલોનું છત્ર ગમતું હતું . જૂઠું કદાચ બોલતા હતા પણ છળકપટ કરતા નહોતું આવડતું . ભરપૂર બાળપણ માણ્યું છે . નદીમાં ધુબાકા માર્યા છે પણ બીજાને કટાક્ષોના ચાબખા નથી માર્યા . ગલીના નાકે રમતમાં હારજીત થઈ છે . તેમાં મારા-પરાયાનો ભાવ નથી રાખ્યો . બીજે દિવસે નઈ ટીમ , નયા દાવ . ગઈકાલનો બળાપો આજે કાઢ્યો નથી .

બાળપણમાં પરતંત્રતા હતી . નિર્ણય લઈ શકીએ તેવું વ્યક્તિત્વ નહોતું . છતાં મનમાં લઘુતા ગ્રંથિ હતી નહીં . પ્રસન્ન અને રાજી રહેતા હતા . બાળપણમાં મા કે બાપની સામે બોલવાની હિંમત ચાલતી નહોતી . જીદ કરી હોય તે જુદી વાત , પરંતુ સ્વાર્થ ખાતર મા બાપને વખોડી કાઢ્યા હોય તેવું બન્યું નથી . નાનપણમાં પાંચ – દસ પૈસા કે રૂપિયા બક્ષિસમાં મળે તો રાજી જરૂર થતા પરંતુ પૈસાની કમાણી પાછળ રીતસરનું હડી કાઢતા નહોતા . નિરાંત હતી . નવા કપડાં પહેરવાનું ગમતું , પરંતુ ફેન્સી ડ્રેસ અને ભભકાદાર મોંઘા કપડાં પહેરીને બીજાને આંજી દેવાની દાનત નહોતી .
નાનપણમાં પાપો થતાં , પાપોની પક્ષપાત નહોતો . નાનપણમાં દોષો હતા પણ એ દોષોને છોડવાની યોગ્યતા જીવતી રાખી હતી . નાનપણમાં બોલવા માટે થોડા જ શબ્દો આવડતા હતા પણ ગંદા , અભદ્ર કે નીચ શબ્દોનો દુકાળ જ હતો . સારું હતું . નાનપણમાં અરસપરસ ઝગડો કરી બેસતા , મારામારી પણ થતી પરંતુ રાજકારણ અને દંભ તો હતાં જ નહીં . નાનપણમાં ઊંઘ તરત આવી જતી , ટેન્શન કે ડરને લીધે અનિદ્રાનો ભોગ બન્યા નહોતા . નાનપણમાં હંસી મજાક હતી , રમૂજ હતી . પરંતુ પોતાના જ અભિમાનને પંપાળવાની વૃત્તિથી થતો ઉપહાસ નહોતો .

નાનપણમાં વાર્તાઓ સાંભળતા , શું કરાય અને શું ના કરાય તેનો ઉપદેશ ખેલદિલીથી સાંભળી લેતા , પોતાની વાત જ સાચી એવી જીદ કે જક રાખી નહોતી . નાનપણમાં સ્વાર્થનું સમીકરણ નહોતું . કામ લાગે તેવા માણસો સાથે સારો વહેવાર રાખવો અને કામ ન લાગે તેવા માણસો સાથે કોરો વહેવાર રાખવો એવું કાંઈ આવડતું નહોતું . ભોળા હતા , ભલા હતા .
પ્રેમ અને લાગણી આપનારને સાચાં દિલથી ભેટી શકતા હતા બાળપણમાં . પ્રેમની કદર નથી થતી તેવી ફરિયાદો કરી જ નથી . નાનપણના હવાલે રહીને ભોળપણ , સરળતા , નિખાલસભાવ જેવા કેટલાય સદ્ ગુણો સાચવી રાખ્યા હતા . નાનપણમાં હસવાનું સાચું હતું . રડવાનું સાચું હતું . મનમાં ન હોય તે બહાર બતાવવું નાનપણમાં શક્ય નહોતું . ભીતરમાં દુર્ભાવ નહોતા અને જેવા ભાવ હોય તેવા વ્યક્ત કરવાની મોકળાશ હતી .
આજે મોટા થઈ ગયા છીએ . દુકાન કે રસોડું સંભાળીએ છીએ . ઘર ચલાવીએ છીએ . સમાજમાં સારી નામના છે . લોકો આપણને સુખી માને છે પરંતુ નાનપણનું માસૂમ સુખ આજે ક્યાં છે ?
હસવામાં અને રડવામાં દંભ છે . સંબંધોમાં સ્વાર્થ છે . નજરમાં વાસના છે . હૈયામાં ઈર્ષા છે . શબ્દોમાં ચાલાકી છે . પ્રેમમાં ગણતરી અવશ્ય છે . ભૂલોનો બચાવ કરવાની તાકાત આવી ગઈ છે . પાપોને છુપાડવાની હોંશિયારી મળી ગઈ છે . બીજાને હરાવવામાં ફાવટ આવી ગઈ છે . વાંધો ઊભો થાય તે વૈર બની જાય છે . ખોટું લાગે તેમાંથી ખલનાયકી થઈ જાય છે . નાનપણના સુંદર દિવસો હવે હાથમાં નથી રહ્યા છે . કેવળ એ દિવસોની યાદ છે . મહાકવિ ભવભૂતિએ સંસ્કૃત ભાષામાં વ્યથા રજૂ કરી છે . ते हि नो दिवसा गता: . અમારાં બાળપણના દિવસો ચાલી ગયા છે . હિંદી ભાષામાં જગજીત સાહેબે ગાયું છે .
न दुनिया का गम था , न रिश्तों का बंधन
बड़ी खूबसूरत थी वॉ जिंदगानी
वॉ कागझ की कश्ती वॉ बारिश का पानी
જાણી જોઈને પાપ નહોતા થતાં . પાપો છોડવાની પૂરેપૂરી તૈયારી હતી . આવી ખૂબસૂરત બાળવયને સો સો સલામ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *