Press ESC to close

જ્ઞાનસાર બત્રીસી

૧ . પૂર્ણતા

આનંદ ભીતરનો જે પામે
પૂર્ણ તે કહેવાય છે
જે પૂર્ણ છે તેને બધામાં
પૂર્ણતા દેખાય છે
જે બાહ્ય સાધનથી મળે
આનંદ તે બેકાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે . ૧

૨. મગ્નતા

ઈન્દ્રિયનો આનંદ છોડી
ચિત્ત શાન્ત બનાવીએ
કર્તૃત્વ ભાવ ન રાખીએ
મન સાક્ષિભાવ જગાવીએ
આ મગ્નતાને માણીએ
આ ધર્મનો સંસ્કાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે …૨

૩ . સ્થિરતા

મનને કહો કે શુભવિચારોમાં
ધરે એકાગ્રતા
કાયા ક્રિયામાં વાણી જિનવચને
વરે એકાગ્રતા
આ સ્થિરતામાં સિદ્ધગતિના
સુખતણો અણસાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે … ૩

૪ . મોહત્યાગ

મમતા ન રાખો કોઈની
ના ગર્વ કોઈ જ મન ધરો
હું આતમા છું સતત આ
મહાસત્યનો આદર કરો
સંપત્તિ સામગ્રી સ્વજન એ
મોહનો વિસ્તાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે ..૪

૫ .  જ્ઞાન

કેવું હશે સુખ મોક્ષમાં
એની કરો ને કલ્પના
જે મોક્ષમાં લઈ જાય
તેની આદરો આરાધના
જે આત્મશુદ્ધિમાં સહાયક છે
તે જ્ઞાન ઉદાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે…૫

૬ . શમ

ખોટા વિકલ્પ ન કોઈ જાગે
એક સમતા મન રમે
નિજ ચેતના સંગે અને
રંગે રહેવાનું ગમે
શાસ્ત્રીય તત્ત્વજ્ઞાન શમ –
અનુભૂતિનો આધાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે…૬

૭ . ઈન્દ્રિય જય

સંસારથી જેઓ ડરે
જે મોક્ષની ઈચ્છા ધરે
તે ઈન્દ્રિયોને જિતવા
પુરુષાર્થ મોટો આદરે
જે ઈન્દ્રિયોના દાસ છે
તસ વ્યર્થ આ અવતાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે…૭

૮ .  ત્યાગ

સંસારનાં આલંબનોનો
ત્યાગ કરવો જોઈએ
સુવિશુદ્ધ શુભ આલંબનોનો
રાગ ધરવો જોઈએ
અંતે નિરાલંબન દશા
દ્વારા જ તો ઉદ્ધાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે … ૮

૯ .  ક્રિયા

શુભભાવ આપે છે ક્રિયા
ગુણને વધારે છે ક્રિયા
શુભભાવને રક્ષે ક્રિયા
ભવથી ઉગારે છે ક્રિયા
સમ્યક્ ક્રિયા સદ્ બોધ નાં
સાફલ્યનો આધાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે ..૯

૧૦ . તૃપ્તિ

જે બોધ શાસ્ત્રોથી મળ્યો
અનુભવ જે ચિંતનથી મળ્યો
આનંદ જે જાગ્યો ક્રિયાથી
તૃપ્તિ  રસ તેમાં ભળ્યો
પુદ્ગલતણા આનંદમાં
અતૃપ્તિ અપરંપાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે ..૧૦

૧૧ . નિર્લેપ ભાવ

જે સ્વાર્થને ચાહે છે તે
કર્મોથકી લેપાય છે
જે સ્વાર્થ વિરહિત જ્ઞાની છે
નિર્લેપ તે કહેવાય છે
ભૌતિક સુખોને ભૂલવા
દ્વારા જ ભવનિસ્તાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે..૧૧

૧૨ .  નિઃ સ્પૃહ દશા

મનમાં  સ્પૃહા જાગ્યા કરે
તે સૌથી મોટું દુઃખ છે
મનમાં સ્પૃહા જાગે નહીં
તે સૌથી મોટું સુખ છે
નિઃસ્પૃહ દશા એ સાધનાનો
અલૌકિક શણગાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે….૧૨

૧૩ . મૌન

અનુચિત વચન અનુચિત વિચાર
ન ધારીએ તે મૌન છે
ધાર્મિક ક્રિયાઓ મુખ્ય છે
બાકી પ્રવૃત્તિ ગૌણ છે
જે જોડે આતમ સંગમાં
તે મૌનયોગ ઉદાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે….૧૩

૧૪ . વિદ્યા

મૃત્યુ અચાનક થાય છે
લક્ષ્મી અચાનક જાય છે
રોગો અચાનક આવે છે
ક્ષણમાં જ બધું બદલાય  છે
એક આતમા અવિચલ છે
એ વિદ્યાજનિત સુવિચાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે…૧૪

૧૫ . વિવેક

આ દેહથી આત્મા અલગ છે
એ સમજવું જોઈએ
બન્નેયને એક રૂપ માની
શીદ વિવેકને ખોઇએ ?
કર્મો તણો જે બંધ છે
જે ઉદય છે તે વિકાર છે
મહાયોગી વાચકયશતણા
શુભજ્ઞાનનો આ સાર છે…૧૫

૧૬ . મધ્યસ્થ  દશા

ના કોઈને બૂરા ગણો
ના કોઈને પાપી કહો
સૌ કર્મથી પરેશાન છે
ના દ્વેષ એમની પર વહો ,
મધ્યસ્થ ભાવ એ માનસિક
શાંતિતણો  આધાર  છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર  છે…૧૬

૧૭ . નિર્ભય દશા

જેને અપેક્ષા છે નહીં
તેને કોઈ ડર છે નહીં
નિર્ભય તે મોટો છે જેણે
વૈરાગ્યની વાટડી ગ્રહી
શું ખોઇએ શું બચાવીએ
અહીં  જિંદગી જ  ઉધાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે… ૧૭

૧૮ . આત્મ પ્રશંસા ત્યાગ

ગુણવાન જે છે તેને
પોતાની પ્રશંસા ના ગમે
જેના ગુણો નબળા છે તે
આત્મપ્રશંસામાં રમે
ગુણ અન્યના ગાતા રહો
ગુણ દૃષ્ટિ એ હિતકાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે… ૧૮

૧૯ . તત્ત્વ દૃષ્ટિ

સંસારીને જેના થકી
સુખનો અનુભવ થાય છે
તેના થકી જ એક જ્ઞાનીમાં
વૈરાગ્ય  રંગ ઘડાય છે
તત્ત્વજ્ઞ છે અવિકાર
એનું લક્ષ પર ઉપકાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે…૧૯

૨૦ . સર્વ સમૃદ્ધિ

સમૃદ્ધિ મળશે માંગીને
સંતુષ્ટિ મળશે જાગીને
ભીતર ઘણા ગુણલા મળે
વૈભવ સુખોના ત્યાગીને
રત્નત્રયીની  રિદ્ધિમાં
આનંદ અપરંપાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે…૨૦

૨૧ . કર્મ વિપાક

સુખ પુણ્યથી  દુ:ખ પાપથી
આવ્યા કરે જીવનમહીં
આ ખેલ કર્મનો છે
હરખ કે શોક ના ધરો મનમહીં
આ કર્મસત્તાથી  સતત
હેરાન આ સંસાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે..૨૧

૨૨ .  ભવ ઉદ્વેગ

સંસાર દુઃખ થકી ભર્યો
સંસાર કર્મ થકી ભર્યો
સંસારથી છૂટવા તણો
સંકલ્પ જેણે મન ધર્યો
તે ધન્ય ભવ ઉદ્વેગ ધારક
ધર્મનો શણગાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે..૨૨

૨૩ . લોક  સંજ્ઞા ત્યાગ

જે આતમાને સુખ આપે
ધર્મ તે સાચો ગણો
લોકોમાં વાહવાહ થાય
તેને લક્ષ ધર્મનું ના ગણો
ના લોક સંજ્ઞા ધારીએ
આજ્ઞા જ એક આધાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે…૨૩

૨૪ . શાસ્ત્ર દૃષ્ટિ

શાસ્ત્રો જ આંખ છે સાધુની
શાસ્ત્રો સકલ મંગલ કરે
જે શાસ્ત્રને આગળ ધરે
તે પ્રભુને આગળ ધરે
તેને મળે છે સિધ્ધિ જેને
શાસ્ત્રનો આધાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે….૨૪

૨૫ . પરિગ્રહ

સામગ્રીની મૂર્છા તજીયે
ના પરિગ્રહ રાખીએ
જેનો પરિગ્રહ અલ્પ છે
તેને જ સાધક ભાખીએ
તે પાર પામે કેમ ?
જેના માથે મોટો ભાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે….25

૨૬ . અનુભવ

જે શાસ્ત્ર સમજાવે છે તે
સાચું સ્વસંવેદન બનો
પ્રગટાવો મોહ ક્ષયોપશમ
શુભ આત્મનું ચિંતન બનો
આત્માનુભૂતિ પામવી એ
ઉચ્ચ ધર્માચાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે….૨૬

૨૭ .  યોગ

સદ્ ધર્મની ઈચ્છા ધરો
પ્રવૃત્તિ ધર્મની આદરો
વિઘ્નો નડે તે જીતી લો
ને પ્રેરણા સુંદર કરો
આ યોગમાર્ગ મહાન છે
એના અનેક પ્રકાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે….૨૭

૨૮ . નિયાગ

જે પાપનાશ કરી શકે છે
તેહ સાચું જ્ઞાન છે
જે કર્મને બાળી શકે છે
તેહ સાચું ધ્યાન છે
જે ચિત્તની શુદ્ધિ કરે તે
ભાવયજ્ઞ ઉદાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે….૨૮

૨૯ .  ભાવપૂજા

સામગ્રીઓ ઉત્તમ સમર્પી
દ્રવ્ય પૂજા થાય છે
શુભ ભાવનું સર્જન કરીને
ભાવપૂજા થાય છે
એક ભેદમય આચાર છે
બીજી અભેદાચાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે….૨૯

૩૦ . ધ્યાન

જે ધ્યાનને  ધારણ  કરે
ને ધ્યાન જેનું થાય છે
જે ધ્યાનની છે પ્રક્રિયા
આ ત્રણ સમાંતર જાય છે
ઉત્તમ ત્રણેય જો હોય તો
સમજો કે બેડો પાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે….૩૦

૩૧ . તપ

જેમ ભૂખ તરસને અવગણી
સમ્પત્તિ પ્રેમી શ્રમ કરે
તેમ દેહ કષ્ટને અવગણીને
આત્મ પ્રેમી તપ કરે
તપ પરમપદને પામવાની
પુણ્યમય પગથાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે….૩૧

૩૨ . નય

જે સાત નયને શીખીને
સ્યાદ્વાદના જ્ઞાની થયા
સાપેક્ષભાવે સત્યનો
સંદેશ સમજાવી ગયા
તે વંદનીય વિભૂતિ છે
શાસન તણા શૃંગાર છે
મહાયોગી વાચકયશતણા
શુભ જ્ઞાનનો આ સાર છે….૩૨

–કળશ–

વાચક જસે શ્રી જ્ઞાન સાર તણી
સબળ રચના કરી
રૂડા અલંકારો પ્રયોજી
ગહન અનુભૂતિ ભરી
તેમાંથી સરળ વિચારસૂત્રો
તારવ્યા છે યથામતિ
દેવર્ધિ-ના આ યત્નમાં
સૌ સજ્જનો ધરજો રતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *