જગતના જવાહિર મહાપુણ્યવંત ,
પરમ જ્ઞાનશાલી કરુણા અનંત ,
હતા સૌની સાથે , રહ્યા સૌથી ન્યારા
નમું રામચંદ્રસૂરિરાજ પ્યારા…૧
એ વ્યાખ્યાનવાચસ્પતિ ધર્મદાતા
એ વાત્સલ્યશાલી કૃપાવંત માતા
હરે દૃષ્ટિપાતે જ દોષોના ભારા
નમું રામચંદ્રસૂરિરાજ પ્યારા…૨
હતું પુણ્ય દૈવી અહંકાર નહોતો ,
વિરોધીઓ માટે તિરસ્કાર નહોતો ,
વિચારોમાં વૈરાગ્યને વાવનારા ,
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા … ૩
ડર્યા દોષથી દુશ્મનોથી ડર્યા ના ,
કષાયોના આવેશ મનમાં ધર્યા ના ,
સૂરજ જેવી તેજસ્વિતા ધારનારા ,
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા … ૪
ન બંધાયું હૈયું કોઈ કામનામાં
ફસાયા નહીં એ કદી નામનામાં
પ્રભુના વચનની લગન ધારનારા
ગુરુ રામચંદ્રસૂરીશ્વરજી પ્યારા. .. ૫
અમે દેહભાવે ગુરુ આત્મભાવે ,
અમે રાગભાવે ગુરુ ધર્મભાવે ,
પરમ તત્ત્વની પ્રીતને પાળનારા ,
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા … ૬
હજારોની વચ્ચેય એકાંત રચતા ,
હજારોના હૈયાને એ બદલી શકતા ,
સદા માટે સચ્ચાઈ સંરક્ષનારા
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા … ૭
કહે મોક્ષ મેળવવા જેવો છે કાયમ
કહે સૌને લેવા જેવું છે આ સંયમ
કહે છોડવા જેવા છે સુખ નઠારા
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા … ૮
ગુરુ શ્રીકમલવીરના લાડકા એ
ગુરુ-દાન એને જોઈ રાજી થાએ
ગુરુપ્રેમના પટ્ટપ્રદ્યોતકારા
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા … ૯
હતા તીર્થ જેવા અતિશય પવિત્ર ,
ત્રિવિધભાવે એનું વિશુદ્ધ ચારિત્ર
એ સમ્યક્ત્વનો દીપ પ્રગટાવનારા
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા . ૧૦
શિથિલતા ન આચારમાં કોઈ લાવી ,
અશાસ્ત્રીય વાતો મુખે ના જ આવી ,
સરળતાથી સન્માર્ગ સમજાવનારા
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા . ૧૧
સહુને એ સદ્ધર્મના સંગે જોડે ,
અવિવેક અજ્ઞાનને એહ તોડે
પ્રભુમાર્ગમાં પ્રેમથી જોડનારા
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા . ૧૨
ધરમનું પરમ લક્ષ્ય સમજાવનારા
શ્રમણસંઘને ભવ્ય વિસ્તારનારા
તરીને સ્વયં સર્વને તારનારા
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા . ૧૩
સહુની સમાધિનું એ ધ્યાન રાખે ,
સદાકાળ શાસ્ત્રો રહે એની આંખે ,
એનાં નામે ચમકે ગગનમાં સિતારા ,
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા . ૧૪
અષાઢી વદી ચૌદસે વર સમાધિ
અતિશય શુભંકર ગુરુદેવે સાધી
અનંતા અરિહંતને વાંદનારા
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા. ૧૫
અશાતા હતી પણ અશાંતિ ન જાગી ,
મહારોગમાં પણ ન સમતાને ત્યાગી ,
ક્ષણેક્ષણ સમાધિશરણ એકધારા
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા . ૧૬
સુકોમળ શરીરે હૃદયઘાત લાગે ,
મહાયોગ મસ્તી ધરે એકરાગે ,
બળ્યા કર્મના ઢગલેઢગલા બીચારા
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા . ૧૭
અરિહંતના દિવ્ય ઉદ્ઘોષ ચાલે ,
એનો આતમા ભક્તિભાવે મહાલે ,
અને થાય ઉપચાર સારામાં સારા
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા. ૧૮
વિધાતાએ કેવો રચેલો એ ખેલ ?
કે દીવામાં ખૂટેલ દેખાય તેલ .
ધસી આવ્યા ભક્તો હજારેહજારા ,
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા . ૧૯
ન શિષ્યોની માયા ન ભક્તોની મમતા ,
ધરી એ મહર્ષિએ આકંઠ સમતા ,
પ્રભુ પાસેથી મોક્ષને માંગનારા ,
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા . ૨૦
એણે દેહથી ધર્મને સિદ્ધ કીધો .
એણે ચિત્તથી તત્ત્વનો સાર પીધો .
વચનમાં વસાવી જિનાજ્ઞા ઉદારા .
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા . ૨૧
ધીમા થાય શ્વાસો , શરીર થાય મંદ ,
મુખે સ્થૈર્ય યોગ , નયન બેય બંધ ,
અભયભાવને અસ્ખલિત રાખનારા.
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા. ૨૨
અને એક ક્ષણ એવી આવી અચાનક ,
મહામૃત્યુ આવીને ઊભું ભયાનક,
મરણનો મહાજંગ જીતી જનારા ,
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા ૨૩
જગત એ દિને પોક મૂકી રડ્યું તું ,
મરણ દીનભાવે ચરણમાં પડ્યું તું ,
ખર્યા એ દિને આભના સર્વ તારા ,
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા. ૨૪
તમે દેજો અમનેય ઊંચી સમાધિ ,
તમે ટાળજો મારી સંસારવ્યાધિ ,
ચરણમાંહી દેવર્ધિને રાખનારા ,
નમું રામચન્દ્રસૂરિરાજ પ્યારા. ૨૫
ગુરુરામપચીસી
Previous Post
प्राकृत वाक्य रचना ८
Next Post
Leave a Reply