એવું નહોતું કે સુરેશભાઈએ જૈનધર્મ પાસે આવતાવેંત વૈરાગ્યનો સ્પર્શ મેળવી લીધો હતો . વૈરાગ્ય ધીમે ધીમે આવ્યો હતો . આર્યત્વના મૂળભૂત સંસ્કાર અનુસાર આત્માનું અસ્તિત્વ એ સ્વીકારતા હતા . આત્મા અને શરીર એકબીજાથી જુદા છે એવું માનવામાં એમને કોઈ હરકત નહોતી . એક વ્યક્તિ મરે છે ત્યારે આત્મા શરીરથી છુટ્ટો પડે છે . એ વ્યક્તિનાં શરીરનું શું થાય છે ? શરીરને બાળી નાંખવામાં આવે છે . આ ઘટના દેખાય છે અને સમજાય છે . એ વ્યક્તિના આત્માનું શું થાય છે એ દેખાતું નથી અને સમજાતું નથી . છતાં પ્રશ્ન ઊભો જ રહે છે આત્માનું શું થાય છે ? આ પ્રશ્નનો જવાબ દરેક ધર્મના અનુયાયીઓ માંગતા હોય છે . જેને જે જવાબ મળ્યો તેણે તે જવાબ અનુસાર માન્યતા બનાવી લેવાની હોય છે .
શરીર અંગેનો જવાબ એકસમાન રહે છે .
શરીરને બાળી ન નાંખીએ તો શરીર સડવા લાગે , દુર્ગંધ ફેલાય , શરીરમાં કીડા પડે અને શરીર પોતાની મેળે નાશ પામે . કોઈ ધર્મ શરીરને બાળી નાંખવાની વ્યવસ્થા સૂચવે છે તો કોઈ ધર્મ શરીરને જમીનમાં દાટવાની વ્યવસ્થા સૂચવે છે . શરીરનો નાશ થાય છે તે સૌ સ્વીકારે છે . આત્માનું શું થાય છે ? આ બાબતે જુદા જુદા જવાબ મળે છે . એક જવાબ મળે છે કે મર્યા બાદ આત્માનું અસ્તિત્વ નેસ્તનાબૂદ થઈ જાય છે , પરલોક જેવું કાંઈ છે જ નહીં . સુરેશભાઈને આ જવાબ મંજૂર નહોતો . એ દૃઢપણે માનતા કે આત્માનું અસ્તિત્વ પરલોકમાં હોય છે . હિંદુ પરંપરા કહે છે કે જનમ મરણનો ચકરાવો ચાલતો જ રહેવાનો છે . આવતા જનમમાં દુઃખી થવું નથી એટલી સમજણ સુરેશભાઈએ બાંધી લીધી હતી . જૈન ધર્મમાં મોક્ષ તત્ત્વનું સુંદર નિરૂપણ થયેલું છે , મોક્ષમાં જનમમરણનો ચકરાવો ખતમ થઈ જાય છે . સુરેશભાઈને આ વાત ખૂબ ગમી . શું મોક્ષ જેવી કોઈ અવસ્થા હોય છે ? આ સવાલને લઈને એમણે ઘણાય ગુરુભગવંતો સાથે ચર્ચા કરી હતી . મોક્ષનું અસ્તિત્વ હોય છે અને આ મોક્ષ મને મળી શકે છે આ વાત ધીમેધીમે કરતાં જડબેસલાક રીતે મનમાં બેસી ગઈ . મનેં મોક્ષ મળે શી રીતે , આ પ્રશ્ન એમને વૈરાગ્ય સુધી લઈ ગયો .
મોક્ષમાં શરીર વિનાનું સુખ છે , શરીરનું સુખ ગમતું હોય ત્યાર સુધી મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા આવતી નથી . શરીરમાં આત્મા ન હોય તો શરીર કોઈ સુખનો અનુભવ લઈ શકતું નથી . પરંતુ આત્મા , શરીર વિના પણ સુખનો અનુભવ લઈ શકે છે . આત્માનું સુખ શરીરનાં સુખથી જુદું છે . શરીરનાં સુખથી થોડા દૂર રહીએ એટલે આત્માનું સુખ પોતાનો અવાજ સંભળાવવાનું શરૂ કરી દે છે .
શરીરના સુખનો પ્રેમ એ જનમોજનમથી બની પડેલી આદત છે . આ આદત બદલવાની મહેનત કરવી જોઈએ . એકસાથે બધા સુખ છૂટવાના નથી પરંતુ સુખથી બચવાની માનસિકતા બનવી જોઈએ . થોડું થોડું સુખ છોડતા જઈએ એને લીધે નિર્લેપ ભાવ બનતો જાય છે . સુખ વિના ચાલે છે એવો નિર્લેપ ભાવ .
તમે જે ઘરમાં રહો છો તે ઘરમાં જ સ્વ ઈચ્છાથી થોડુંથોડું સુખ છોડી જુઓ . થોડું સુખ છોડવાથી કોઈ અગવડ પડતી નથી . આ વૈરાગ્યનું પ્રાથમિક ચરણ છે .
બીજું ચરણ છે થોડો સમય ઘરથી દૂર રહેવાનું અને સુખથી પણ દૂર રહેવાનું . તમે થોડા સમય માટે સુખ વગર પણ રાજી રહી શકો છો એ પરિસ્થિતિ વૈરાગ્યને સરળ બનાવે છે .
ત્રીજું ચરણ છે લાંબો સમય ઘરથી દૂર રહેવાનું અને સુખથી પણ દૂર રહેવાનું . તમે લાંબા સમય માટે સુખ વગર પણ રાજી રહી શકો છો એ પરિસ્થિતિ વૈરાગ્યને વધુ સરળ બનાવે છે .
ચોથું ચરણ છે , પારિવારિક આત્મીયતાને ઓછી કરવાનું . પારિવારિક પ્રેમ એક જ જનમનું વળગણ છે . મોક્ષમાં શરીર નથી , આ જ કારણે મોક્ષમાં પરિવાર નથી . તમે ઘરથી થોડા સમય સુધી દૂર રહો છો , અને એ દરમિયાન તમને ઘરની યાદ આવતી નથી . આવું માનસ વૈરાગ્યની ભૂમિકાનું ઘડતર કરે છે .
આ ચારેય ચરણમાં ચોક્કસ સમય માટે સુખથી દૂર રહેવાની કોશિશ થાય છે , યથાસંભવ ઘરથી પણ દૂર રહેવાની કોશિશ થાય છે .
જેનાં મનમાં મોક્ષનાં અસ્તિત્વ વિશે શ્રદ્ધા છે , જેનાં હૃદયમાં મોક્ષ મેળવવાની આકાંક્ષા છે , એ પોતાના વિચારોને અને પોતાની ભાવનાઓને આ રીતે પ્રશસ્ય બનાવવાની મહેનત કરવા માંડે છે .
એક વાચક તરીકે આ બધું વાંચવાનું તમને થોડું અઘરું પડ્યું હશે . જે વાંચવામાંય અઘરું પડે છે તેને સીધેસીધું જીવનમાં ઉતારવાનો પુરૂષાર્થ કરી રહ્યા હતા સુરેશભાઈ . એમનું વૈરાગ્ય સંબંધી તત્ત્વચિંતન અક્ષુણ્ણભાવે આગળ વધી રહ્યું હતું . (ક્રમશઃ)
Leave a Reply