વિ.સં. ૨૦૪૭માં તારણહાર ગુરુદેવ સાબરમતી ચાતુર્માસ અર્થે પધાર્યા પરંતુ પ્રવેશ પછીના થોડા જ દિવસોમાં એમનું આરોગ્ય બગડ્યું હતું તેથી પાલડી , પરિમલ ક્રોસિંગ પાસે આવેલ દર્શન બંગલામાં વિશેષ ઉપચાર અર્થે પધાર્યા . જોતજોતામાં તારણહાર ગુરુદેવની અંતિમ અવસ્થા આવી ગઈ. મુનિશ્રી સંવેગરતિવિજયજી મ. જ્ઞાનમંદિરથી વિહાર કરીને દર્શન બંગલે આવ્યા હતા , ગુરુદેવને સંથારામાં પોઢેલા નિહાળ્યા . સૌપ્રથમ સાહેબજીને પૂનામાં જોયા હતા . સેંકડો લોકોને સંભળાતો એમનો ઘેરો , રણકદાર અવાજ હૈયે વસી ગયો હતો . એ અવાજ સાથે સાંપડેલા ઉપદેશે જીવનને બધી જ રીતે બદલી નાંખ્યું હતું . દીક્ષા થઈ એ આ અવાજ અને ઉપદેશના પ્રભાવે . હવે એ અવાજ ફરી વાતાવરણમાં ગુંજશે કે કેમ ? એ ઉપદેશ ફરી સાંભળવા મળશે કે કેમ ? સૌની ઉદાસ આંખમાં પ્રશ્ન ઉભરી રહ્યા હતા . જવાબ મળી રહ્યા નહોતા . આમ તો સૌનાં હૈયે એવી ધારણા હતી કે હજી ઘણાં વરસો સુધી તારણહાર ગુરુદેવ રહેશે , સો વરસથી વધારે જીવશે . પણ , આ વખતની માંદગીએ જાણે બધાં જ અરમાનોને જમીનદોસ્ત કરવાનું નક્કી કરી લીધું હતું . તારણહાર ગુરુદેવનાં મુલાયમ ચરણનો સ્પર્શ માથે ચડાવીને મુનિવર પાછા જ્ઞાનમંદિરમાં આવી ગયા . અને અષાઢ વદ ચૌદસે આસમાનમાં ધરતીકંપ આવ્યો હતો . તારણહાર ગુરુદેવે વિદાય લીધી હતી . જ્ઞાનમંદિરનાં ત્રીજા માળે આ સમાચાર પહોંચ્યા . એવો આઘાત લાગ્યો જેની કળ ક્યારેય વળી ના શકે . આ તારણહાર ગુરુદેવે , આંખ આપી હતી , અજવાળું આપ્યું હતું , દર્શનીય અને અદર્શનીયની સમજ આપી હતી . આ તારણહાર ગુરુદેવે તાકાત આપી હતી : ટકી રહેવાની તાકાત , તરવાની તાકાત , તપસ્યાની તાકાત . આ તારણહાર ગુરુદેવે ભરપૂર વ્યાખ્યાનો આપ્યાં અને વાચનાઓ આપી પણ એનાથી મન ભરાતું નહીં . વ્યક્તિગત જિજ્ઞાસાઓ સાથે વારંવાર તારણહાર ગુરુદેવની થોડીક મિનિટ્સ ચોરી લેતા . ક્યારેક બે મિનિટ્સ , ક્યારેક પાંચ મિનિટ્સ , ક્યારેક છ સાત મિનિટ્સ ચાલતો એ સંવાદ . ફક્ત અને ફક્ત ગુરુ અને શિષ્ય વચ્ચેનો એ વાર્તાલાપ નાનકડો હોવા છતાં આ શિષ્ય માટે લાખોના હીરા જેવો અણમોલ બની રહેતો . ક્યારેક બોલીને પૂછી શકાય એવી પરિસ્થતિ ન હોય તો નાની ચબરખીમાં સવાલ લખી લાવે , ગુરુ એ ચબરખી વાંચીને હા , ના અથવા ઈશારાથી જવાબ આપી દેતા . આ રીતે બોલીને અને લખીને પૂછેલા પ્રત્યેક પ્રશ્નની એક અલગ નોટબુક બનાવી હતી . શ્રી દાનસૂરિજી જ્ઞાનમંદિરમાં લાંબી સ્થિરતા રહી તે દરમ્યાન તારણહાર ગુરુદેવે ક્યારેક પાંછિયાની પોળે , ક્યારેક જ્ઞાનમંદિરમાં સ્થિરતા કરવા પધાર્યા હતા . એ વખતે વ્યાખ્યાનો , વાચનાઓ અને વ્યક્તિગત પ્રશ્નોતરીઓનો ઘણો લાભ મેળવ્યો હતો . એ સિલસિલો હવે આગળ ચાલવાનો નહીં , એનો અહેસાસ આપ્યો હતો અષાઢ વદ ચૌદસે . એ દિવસે એકલવાયાપણું તોતિંગ ભાર બનીને માથા પર તોળાયું હતું . ગુરુવચનને હજારો પાનાઓ ભરીને લખ્યું હતું , લેખિનીઓના ઢગલા ખાલી થઈ ગયા હતા , આંગળીઓની એટલી ચામડી ઘસાઈને જડ થઈ ગઈ હતી જેને લેખિની = પેન અડકતી રહેતી લખતી વખતે . ઝૂકીને લખવાનું થાય અને ઘણું લખ્યું માટે ઘણું ઝૂક્યા એમાં સર્વાઈકલ સ્પોન્ડીલિસિસનો કાયમી દુખાવો આવી ગયો હતો . ગુરુની વાતો પાનાઓ પર ઉતારતી વખતે એક અનોખો ચિદાનંદ સાપડતો એની સામે આ બધું કષ્ટ વસૂલ હતું . ગુરુને પાગલની જેમ પ્રેમ કર્યો હતો , પરંતુ પોતાની ગુરુભક્તિનું પ્રદર્શન ક્યારેય કર્યું નહોતું . ગુરુનો વધારે સમય લીધો નહોતો , એવો સમય માંગ્યો પણ નહોતો . ગુરુવંદનનો સમય હોય ત્યારે જે અલપઝલપ વાત થઈ જાય એ જ અમૃતમ્ અમૃતમ્ બની જતું . ગુરુને છુટ્ટે હાથે લૂંટ્યા હતા તે વ્યાખ્યાનના સમયે . ગુરુ પણ લૂંટાવી દેવામાં કાંઈ બાકી રાખતા નહીં . પછી એ લૂંટનો માલ નોટબુક્સમાં જમા થતો જતો . અષાઢ વદ ચૌદસે એ લાખેણી લૂંટને કાયમ માટે રોકી દીધી હતી . એ રાત બહુ જ વસમી હતી . પણ બીજે દિવસે સવારે ખબર આવ્યા કે તારણહાર ગુરુદેવની અંતિમયાત્રાની પાલખી જ્ઞાનમંદિર પાસેથી પસાર થશે . ઝંખવાયેલા ચહેરા પર રોનક આવી ગઈ હતી . પાલડી દર્શન બંગલેથી પાલખી નીકળી એ સમાચાર આવ્યા ત્યારથી હૈયું ધડધડ થવા માંડ્યું . આ અંતિમ દર્શન . શું પૂછીશ મારા તારણહારને ? શું કહીશ મારા તારણહારને ? શું બોલીશ મારા તારણહાર સાથે ? અને મારા તારણહાર મને શું કહેશે ? વિરહાતુર મુગ્ધતા હતી એ . બપોરે આશરે અઢી વાગે કાળુપુર રોડને પોલીસે બ્લોક કર્યો હતો . તારણહાર ગુરુદેવની અંતિમ સવારી આવી રહી હતી . છેક દોશીવાડાની પોળથી બેન્ડનો અવાજ આવવા લાગ્યો હતો . માણસોની ભીડ જુઓ તો દરિયો દોડતો હોય એવું લાગે . જય જય નંદાનાં ઘોષ કાળજાને ચીરી દેતા હતા . કેટલાય બેન્ડ પસાર થયા અને કેટલાય હજારો લોકો આગળ નીકળી ગયા બાદ તારણહારની પાલખી આવી હતી . ખૂબ ઊંચી અને લાંબી હતી પાલખી . એની આસપાસ ઘનઘોર વાદળ જેવી ભીડ હતી . પણ તારણહારની બેઠક ભીડથી ઉપર હતી . ગુલાલની છોળો ઉછળી રહી હતી . જયજય નંદા અને જયજય ભદ્દાના પડછંદા આસમાનને ચીરી રહ્યા હતા . આછેરા ગુલાબી ધુમ્મસ વચ્ચે તારણહારને છેલ્લી વાર નિહાળ્યા હતા . અઢળક ઉર્જા દેનારી આંખો બંધ હતી . અલૌકિક વાણીને પ્રકાશિત કરનારા હોઠ બંધ હતા . લાખો જનોમા પ્રાણવાયુ પૂરનાર તારણહાર સાહેબનું નકશીદાર નાક શ્વાસ લઈ રહ્યું નહોતું . સહેજ પાછળની તરફ ઝૂકેલું મસ્તક , જાણે મોક્ષની અભીપ્સા ઉજાગર કરી રહ્યું હતું . જે હાથે – ઓઘો આપ્યો , વાસક્ષેપ આપ્યો , માથે આશીર્વાદ આપ્યો અને પત્રોમાં હસ્તાક્ષર આપ્યા તે હાથ અંજલિના સંપુટમાં બંધાયેલા હતા . જે ચહેરા પરનું સાત્ત્વિક હાસ્ય જોવાની અવિરત લગની બનેલી રહેતી તે ચહેરો ભાવરહિતપણે મૌન હતો . ઘુઘવતી જનમેદનીના ધક્કાઓ વચ્ચે એકટસ આંખોથી તારણહારને જોતા રહ્યા . સૌપ્રથમ વાર પૂનામાં દર્શન થયા ત્યારથી માંડીને બે દિવસ પૂર્વે દર્શન બંગલે દર્શન કર્યા ત્યારસુધીના તમામ પ્રસંગો અને દૃશ્યો નજર સામે આવતા રહ્યા . આંખો વરસતી રહી . ગુલાલની ઝીણી રજ એ ભીનાશને અડતી રહી .
આખું ગુજરાત જાણે છે કે શ્રી દાનસૂરિજી જ્ઞાનમંદિર એટલે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની કર્મભૂમિ . અહીં પાલખીને સ્પેશ્યલ ટ્રિબ્યુટ અપાઈ હતી. અને પછી પોલીસની સિટીઓ વાગી હતી . એક જગ્યા પર કેન્દ્રિત થયેલો ધસારો , પચાસ હજાર લોકોનો ધસારો આગળ નીકળ્યો હતો . દેવકુલિકા જેવી ભવ્ય પાલખી પણ , સમંદર પર જહાજ સરકે તે રીતે આગળ વધી હતી . પૂ.મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મ.ને કરવા મળેલા એ અંતિમ ગુરુદર્શન હતા . ( ક્રમશઃ)
Leave a Reply