એક તરફ બહિષ્કાર હતો , લોકસંપર્કનો બહિષ્કાર . બીજી તરફ સ્વીકાર હતો , શ્લોકસંપર્કનો . તમે જેની સાથે વધુ સમય વીતાવો છો એની સાથેનું ઊંડાણ વધવા લાગે છે . સ્વાધ્યાયની લગની હતી એટલે સંસ્કૃત – પ્રાકૃત ભાષા સાથે કામ લેવું જ પડે . આ ભાષા પૂરેપૂરી આવડે નહીં . અમુક શબ્દો સમજાય નહીં , ખાસ કરીને ક્રિયાપદમાં તકલીફ પડે . એક પુસ્તક સાથે રાખતા : સુલભ ધાતુ કોશ . આ કોશમાં , સંસ્કૃત ભાષાનાં ૨૦૦૦થી વધુ ક્રિયાપદોનો સંગ્રહ . દરેક સંસ્કૃત ક્રિયાપદના એક અથવા એકાધિક અર્થ આમાં વાંચવા મળે છે . ખાસ્સો મોટો આ કોશ છે . એમને વિચાર આવ્યો કે આ કોશમાં દરેક સંસ્કૃત ક્રિયાપદના ગુજરાતી અર્થ આપેલા છે તેની જેમ દરેક ગુજરાતી ક્રિયાપદના સંસ્કૃત અર્થ બતાવનારો કોશ પણ હોવો જોઈએ . આવો કોશ મળે છે કે નહીં એની તપાસ કરાવી . ઉપલબ્ધ ન થયો . હવે સંકલ્પ કર્યો કે આ કોશ હું બનાવીશ . વિચાર આવ્યો એટલે કામ શરૂ થઈ ગયું . નવો કોશ બનાવવાનું કાર્ય સહેજેય સહેલું નથી .
પહેલા તબક્કે ગુજરાતી ક્રિયાપદોની એટલે કે ધાતુઓની અકારાદિક્રમે સૂચિ બનાવવી પડે . કુલ મળીને ૪૫૯૪ ક્રિયાપદી શબ્દોનું આલ્ફાબેટિકલ લિસ્ટ બનાવ્યું .
બીજા તબક્કે દરેક ક્રિયાપદની એટલે કે ધાતુની સાથે જોડાય એવા અર્થોને તે તે ક્રિયાપદની એટલે કે ધાતુની સાથે જોડીને લખવા પડે . બીજા તબક્કામાં કાર્ડ સિસ્ટમથી વર્ક કર્યું . દરેક ક્રિયાપદનું એક કાર્ડ . સૌપ્રથમ ૪૫૯૪ કાર્ડ પોતાના હાથે બનાવ્યા . એક એક કાર્ડ એકલું હતું . નોટબુકમાં બાઈન્ડ થયેલું નહોતું . એક કાર્ડ પર એક ગુજરાતી ક્રિયાપદ અને એનો સંસ્કૃત અર્થ પોતાના હાથે લખ્યો .
ત્રીજા તબક્કે કાર્ડના અકારાદિ ક્રમે બન્ડલ બનાવ્યા . અ – અક્ષરથી શરૂ થનારા ક્રિયાપદોનું બન્ડલ અલગ . આ – અક્ષરથી શરૂ થનારા ક્રિયાપદોનું બન્ડલ અલગ . ઇ – અક્ષરથી શરૂ થનારા ક્રિયાપદોનું બન્ડલ અલગ . ઈ – અક્ષરથી શરૂ થનારા ક્રિયાપદોનું બન્ડલ અલગ . આ રીતે ઉ , ઊ , એ જેવા અક્ષરથી શરૂ થનારા ક્રિયાપદોનું બન્ડલ અલગ બનાવ્યાં . ક અક્ષરથી શરૂ થનારા ક્રિયાપદોનું બન્ડલ બનાવતી વખતે ક , કા , કિ , કી , કુ , કૂ , કે જેવા ક્રમ પણ બનાવ્યો . આ રીતે ખ અક્ષરથી શરૂ થનારા ક્રિયાપદોનું બન્ડલ બનાવતી વખતે ખ , ખા , ખિ , ખી , ખુ , ખૂ , ખે નો ક્રમ પણ બનાવ્યો . આ મુજબ ગ , ગા , ગિ , ગી , ગુ , ગૂ , ગે – ઘ , ઘા , ઘિ , ઘી , ઘુ , ઘૂ , ઘે – ચ , ચા , ચિ , ચી , ચુ , ચૂ , ચે – એમ કરતાં કરતાં છ જ ઝ ટ ઠ ડ ઢ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ સ સુધીની સિરીઝ બનાવીને હ પાસે પહોંચ્યા તો હ , હા , હિ , હી , હુ , હૂ , હે એવો સંભવિત અકારાદિક્રમ જાળવ્યો . આવી રીતે લખાયેલા કાર્ડ્સના બંડલ્સનો મોટો ઢગલો ખડકાઈ ગયો . ચોથા તબક્કે ડિટેઈલિંગ . અ થી શરૂ થનારા ક્રિયાપદમાં અ પછીનો પહેલો અક્ષર ક – ખ – ગ આદિના ક્રમે ગોઠવ્યો . જેમ કે અકડાવું , અખરવું , અગવડ થવી , અઘાડવું , અચંબો પામવો , અછવાવું , અજબ થવું , અટકવું , અઠવાવું , અડવું , અઢાડવું , અણકૂટ ભરવો , અતડું રહેવું , અથડાવું , અદબ વાળવી , અધરકવું , અનાજ ભરવું , અપસરવું , અફળાવું , અબગરવું , અભડાવવું , અમળાવવું , અયોગ્ય હોવું , અરઘવું , અલખ જગાવવી , અવખોડવું , અસર થવી , અહાલેક જગાવવી . આ દરેક ક્રિયાપદીય શબ્દમાં અ પછીનો પહેલો અક્ષર તપાસો . તમને ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ત થ દ ધ ય ર લ વ સ હ નો ક્રમ સચવાયેલો જણાશે .
પહેલા તબક્કાથી ચોથા તબક્કા સુધીનું વર્ણન તમે વાંચ્યું . તમને માંડ પચાસ ટકા વાત સમજાઈ હશે . તમે વિચારો : જે વિષય વાંચવામાં આટલો અઘરો પડે છે તે વિષય પર કામ કરવાનું કેટલું અઘરું હશે . તેમણે આ કામનો પાંચમો , છટ્ઠો , સાતમો અને આઠમો તબક્કો પણ પસાર કરી લીધો હતો . છેવટે ડબલ સાઈઝના આશરે પાંચસોથી વધુ પાનાં ભરાય એટલો લાંબો મુસદ્દો તૈયાર થયો હતો . તમે આને ફાઈનલ પ્રેસકોપી કહી શકો . કોશ અદ્ભુત બન્યો હતો . ગુજરાતીનાં દરેક ક્રિયાપદનો સંસ્કૃત પર્યાય , સંસ્કૃત અર્થ આ કોશમાં સરળતાથી મળે એવું કામ થયું હતું . સંસ્કૃત ભાષાનો કોઈ પંડિત , કોઈ શિક્ષક , કોઈ કવિ કે કોઈ વિદ્વાન્ પણ ન કરી શકે એવું ગંજાવર કાર્ય તેમણે એકલે હાથે સંપન્ન કર્યું હતું .
આશ્ચર્યની વાત એ હતી કે તેમણે આ કોશને પુસ્તક રૂપે છપાવવાનો વિચાર જ ના કર્યો . સંશોધન , સંપાદનનાં ક્ષેત્રમાં જે પણ વિદ્વાન્ કડી મહેનત કરે છે એને છેલ્લું આશ્વાસન એ હોય છે આની ચોપડી છપાશે . ચોપડી છપાશે એટલે પુરુષાર્થની કદર થશે , પુરુષાર્થકર્તાને એના હકઅનુસાર યશ મળશે , નામ મળશે . ચોપડી છપાવાની જ ન હોય તો મહેનત કોણ કરે ? અને શું કામ કરે ? સીધી વાત છે .
મુનિશ્રી સંવેગરતિવિજયજી મ. એ કોઈની પણ સહાય લીધા વિના આટલો મોટો કોશ બનાવી લીધો પરંતુ આ કોશને છપાવવાનો વિચાર તો એમણે બનાવ્યો જ નહીં . એમને સ્વાધ્યાયમાં ડૂબવું હતું એટલા માટે અઘરું કામ હાથમાં લીધું . આહાર આદિના વિચારોમાં મન ફસાય નહીં તે માટે એમણે એક કઠિન માનસિક કામ ઉપાડ્યું હતું . જ્યાર સુધી આ કામ ચાલ્યું ત્યાર સુધી એ એમાં ડૂબેલા રહ્યા . જેવું આ કામ પત્યું એટલે રાજી થઈને વિચાર્યું કે ખૂબ સરસ સ્વાધ્યાય થયો . હવે નવો વિષય કયો લેવો છે ?
‘ આ કોશની ચોપડી નથી છપાવવી ? ‘ એમને પૂછવામાં આવ્યું . એમણે જવાબ આપ્યો કે ‘ મને મારાં નામની ચોપડી છપાય એમાં કોઈ રસ નથી . મેં તો મારા જ્ઞાનાવરણીય કર્મ તૂટે એની માટે મહેનત કરી છે . જેટલાં જ્ઞાનાવરણીય કર્મ તૂટ્યાં હશે એટલો મને લાભ થયો . એમાં હું રાજી છું . મેં મારાં નામની ચોપડી બનાવવા માટે આ મહેનત કરી જ નથી . ‘
એમણે ચોપડીઓ અને પુસ્તકો અને શાસ્ત્રો સાથે બારમાસી સંબંધ બનાવેલો રાખ્યો હતો . ચોપડી કે પુસ્તકના લેખક અથવા સંપાદકને જે આદર મળતો હોય છે એવો આદર મનેં પણ મળી શકે છે એવું એમને સમજાતું હતું . એ આદર એમને ખપતો જ નહોતો . આ જ કારણે એ કોશ એમણે છપાવા ન દીધો . આને છાપી શકાય એટલું પણ વિચાર્યું હોત તો મુદ્રણ વ્યવસ્થા તૈયાર હતી અને પ્રસાર તંત્ર તૈયાર હતું . પરંતુ એમણે મારું પુસ્તક છપાય એવી માનસિકતા જ ન બનાવી .
એક કોશગ્રંથનું નામ કલ્પનામાં આવે છે : ગુજરાતી – સંસ્કૃત ધાતુ કોશ સાર્થ . આ કોશગ્રંથના સંપાદક તરીકે પુસ્તકનાં આવરણ ઉપર અને પહેલાં પાને આ નામ દેખાય છે : પરમ વિદ્વાન્ પૂ .મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મ. .
આ કોશગ્રંથની સૌપ્રથમ હાથપોથી બની . પણ એ હાથપોથીને કોશગ્રંથના પુસ્તકનું રૂપ ન મળ્યું . કારણ ? પરમ નિઃસ્પૃહી પૂ .મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી . જે પરમ વિદ્વાન્ હતા તે પાછળ રહ્યા . જે પરમ નિઃસ્પૃહી હતા તે આગળ રહ્યા . ( ક્રમશઃ)
Leave a Reply