Press ESC to close

૨૩ . ગુરુવચનોનો પ્રેમ

સંવેગકથા

આજની આ ક્ષણે જે કરીએ તે સો ટકા એનર્જી લગાવીને કરીએ , એમનો આ સિદ્ધાંત હતો . કામ તો કરવાના જ છે , ઢીલા રહીને કરીશું એમાં વેઠ વળશે . આજે કરેલી ઢીલાશનો સંસ્કાર આવતીકાલે કામ કરવાના સમયે પોતાની અસર બતાવશે . કાલે ઢીલા રહ્યા તો ઢીલાશનો સંસ્કાર બે દિવસનું બળ મેળવી લેશે અને ત્રીજા દિવસને ઢીલો બનાવશે . આમ રોજેરોજ ઢીલાશનો સંસ્કાર મજબૂત થયા કરશે . આજે ઢીલાશ ખંખેરીને કામ કર્યું હશે તો એની છાયાહેઠળ આવતીકાલ અને પરમ દિવસનાં કામોમાંય શતપ્રતિશત એનર્જી જળવાશે . એટલું જ નહીં , આગળ જતાં લાંબા સમય સુધી આનો ફાયદો મળતો રહેશે .
છત્રીસ વરસના દીક્ષાપર્યાયમાં ગુરુનાં સાંનિધ્યમાં બે જ વરસ રહેવાનું થયું પણ આ બે વરસમાં , જાણે જનમોજનમનો ખજાનો લૂંટી લેવાનો હોય એવો ભાવ બનાવ્યો હતો .
ગુરુદેવનાં વ્યાખ્યાનમાં અને વાચનામાં બિફોર ટાઈમ હાજર હોય . સાથે નોટપેન અવશ્ય રાખે . જે સાંભળે તે બદ્ધું જ લખી લેવું હોય . બે ટેકનિક અપનાવે . એક , એકદમ ઝીણા અક્ષરે લખે . અક્ષરની સાઈઝ નાની હોય એટલે લખવાનો સમય ઓછો થઈ જાય . એક સેકન્ડમાં દોઢ અક્ષરને બદલે ત્રણ અક્ષર લખાય છે નાની સાઈઝનાં કારણે . પરિણામે એક મિનિટમાં ૯૦ અક્ષરને બદલે ૧૮૦ અક્ષર લખાય અને એક કલાકમાં ૫૪૦૦ અક્ષરને બદલે ૧૦,૮૦૦ અક્ષર લખાય . વધુ અક્ષર લખાય એને કારણે વ્યાખ્યાનનો એક પણ શબ્દ લખવાનો રહી ગયો હોય એવું ન બને . બે , નોટપેનની એક લાઈનની નીચે એ અક્ષરોની બે લાઈન બનાવે . સામાન્ય રીતે નોટપેનની એક લાઈનની નીચે અક્ષરોની એક જ લાઈન હોય છે . એક લાઈન પૂરી થાય તે પછી બીજી લાઈન આવે અને એની નીચે પણ અક્ષરોની એક જ લાઈન હોય છે . મુનિશ્રીએ નોટપેનની એક લાઈનની નીચે અક્ષરોની બે લાઈન લખવાની પોતાની સ્વતંત્ર ટેકનિક અપનાવી હતી . અક્ષર મોટા હોય તો નોટપેનની એક લાઈનની નીચે અક્ષરોની એક જ લાઈન આવે પરંતુ ઝીણા અક્ષર હોવાથી નોટપેનની એક લાઈનની નીચે અક્ષરોની બે લાઈન આવી જતી . આ રીતે રોજનું વ્યાખ્યાન કે રોજની વાચના લખી લે . વ્યાખ્યાન કે વાચના ચાલુ હોય એ વખતે જે લખાય ઉતાવળે લખાયું હોય , અક્ષર સારા ન હોય . આથી આખું લખાણ સારા અક્ષરમાં ફરીથી લખે . એ જ પદ્ધતિ : ઝીણા અક્ષર અને બે લાઈન . બે – અઢી વર્ષમાં ૪૦૦થી વધુ વ્યાખ્યાનો લખ્યા . દરેક વ્યાખ્યાન આશરે દશ પાનાનું હોય એટલે ૪૦૦૦ પાનાં ભરાય એટલું લખ્યું . એક પોપ્યુલર વેબસાઈટમાં જેમ અલગ અલગ સેક્શન હોય છે અને કેટેગરી હોય છે એમ એમણે ચારસો વ્યાખ્યાનની અલગ અલગ સેક્શન અને કેટેગરી મુજબ નોટબુક્સ બનાવી હતી . આ ચારસો વ્યાખ્યાનોને એમણે સેંકડોવાર વાંચ્યા હશે . એમની માટે આ ચારસો વ્યાખ્યાન કરોડોની મૂડી સમાન કિંમતી હતા . ક્યારેય પણ , કોઈ પણ પ્રશ્ન આવે તો એનો જવાબ આ ૪૦૦૦ પાનાઓમાંથી એ શોધી કાઢતા . એમની નોંધણી અનુસાર –
૧ . હસ્તગિરિ તીર્થ ( વિ.સં.૨૦૪૦ )
૨ . પાલીતાણા ચાતુર્માસ – ( વિ.સં.૨૦૪૦ )
૩ . ખંભાત તીર્થ ( વિ.સં.૨૦૪૧ )
૪ . અમદાવાદ – લક્ષ્મીવર્ધક ચાતુર્માસ ( વિ.સં.૨૦૪૧ )
આટલાં ક્ષેત્રોમાં પોતાના ગુરુદેવ પૂ.આ.શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાનાં જે જે વ્યાખ્યાનો થયાં તેનું એમણે સમૃદ્ધ સંકલન બનાવ્યું હતું .
મારે મારા વિચારોમાં અને ભાવનાઓમાં મારા ગુરુદેવની વાણીને આકંઠ ભરી દેવી છે એવો સંકલ્પ લીધો હતો . કંટાળો કર્યા વગર , બહાના વચ્ચે લાવ્યા વગર ગુરુવચનોને લખતા જ રહ્યા . બે વરસમાં જે લખ્યું હતું તેનાથી આખાય જીવતરને અજવાળું મળતું રહ્યું . ( ક્રમશઃ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *