દીક્ષાનું મુહૂર્ત આપવા માટે ત્રણ ચરણમાં કામ થાય છે . એક , મુમુક્ષુ દરેક ક્રિયાઓ વિધિપૂર્વક સ્વયં કરતો થઈ જાય એટલો અભ્યાસ થઈ જવો જોઈએ . બે , મુમુક્ષુમાં શરીરની , પરિવારની અને સુખની આસક્તિ ઓછી છે એવું ગુરુને લાગવું જોઈએ . ત્રણ , મુમુક્ષુનાં સ્વજનો દીક્ષાના વિરોધમાં નથી એવી પ્રતીતિ મળવી જોઈએ . પૂનાથી આવેલા ત્રણ મુમુક્ષુઓને ગુરુભગવંતો રોજરોજ જોઈ રહ્યા હતા . પાંચ પ્રતિક્રમણનાં સૂત્રો વિધિપૂર્વક શીખી લીધા હતા , તપ કરતા , લોચ કરાવ્યો , કપડાંની ટાપટીપનો શોખ નહોતો , સૂવાબેસવાની પ્રવૃત્તિઓમાં સુખશીલતા દેખાતી નહોતી . આ પરિસ્થિતિ મહિનાઓના મહિનાઓ સુધી રહી . ત્રણેયમાંથી કોઈએ ગુરુને પૂછ્યું નહીં કે ‘ આટલો વખત અમે સાથે રહ્યા , હવે દીક્ષા ક્યારે આપો છો ? ‘ ખબર હતી કે ગુરુની નજર અમારી પર છે . એમને યોગ્ય લાગશે ત્યારે એ સામેથી કહેવાના જ છે . પાત્રતા એનીમેળે પુરવાર થાય એમાં જ એની શોભા છે . આપણી પાત્રતાના પુરાવા આપણે જ રજૂ રહ્યા છીએ તેવું દૃશ્ય બનવા દેવાય નહીં . ગુરુને યોગ્ય લાગશે ત્યારે દીક્ષાની વાત કરશે . મુમુક્ષુ ઘર છોડીને સાથે રહ્યો છે તે જ બતાવે છે કે એને દીક્ષા લેવી છે . ગુરુને આ ખબર જ છે . વળી પાછું અલગથી પૂછપૂછ કરવાનું કામ શું છે ? પ્રતીક્ષાની મીઠાશ આવા વખતે જ માનવા મળે . હું તો મારા તરફથી તૈયાર છું , સમર્પિત થવા . ગુરુને મારાં સમર્પણમાં સચ્ચાઈ દેખાય છે કે નહીં તે મારો પ્રશ્ન નથી . ગુરુની હા આવે એની રાહ જોવી જોઈએ . ગુરુને હા પાડવી જ પડે એવું દબાણ ન કરાય . ગુરુની છત્રછાયામાં વીતનારો એક એક દિવસ સાધનાની સુગંધે ભરેલો હોય છે . એનો ધન્ય અનુભવ પામનારો મુમુક્ષુ , સંસારને ભૂલવાનું સામર્થ્ય મેળવી લે છે . આ જે ભૂલવાની ઘટના છે એ જ સાધના છે . સાધુવેષ વિનાય સંસારને ભૂલવાનું જે શીખી લે તે સાચો મુમુક્ષુ .
ગુરુ અન્યને દીક્ષા આપે છે તે જોવાનો આનંદ અનેરો બનતો . જ્ઞાનમંદિરમાં ડૉ. સુશીલાબેનની દીક્ષા થઈ તે જોયું . હઠીસિંહની વાડીએ મહેશભાઈની દીક્ષા જોઈ . રંગસાગરમાં સુનીલભાઈની દીક્ષા નક્કી થઈ : પોષ સુદ તેરસે . એ દીક્ષાનો દિવસ નજીક આવ્યો ત્યારે અચાનક ગુરુભગવંતે સુરેશભાઈને દીક્ષાનું મુહૂર્ત નક્કી કરવાનો વિચાર જણાવ્યો . સુરેશભાઈ અતિશય આનંદિત . મુહૂર્તની જાહેરાત પોષ સુદ તેરસે થશે એવું ગુરુભગવંતે જણાવ્યું . સમાચાર પૂના પહોંચાડજો એવી સૂચના પણ આપી .
ત્રણેય મુમુક્ષુઓ દીક્ષાનું મુહૂર્ત મળશે એનાથી રાજી હતા પણ પૂનામાં સ્વજનો આ સમાચારથી રાજી નહોતા બલ્કે આવા સમાચાર માટે એ તૈયાર જ નહોતા .
હરિદાસભાઈ અમદાવાદ આવી પહોંચ્યા . એમણે શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા સાથે રીતસરની ચર્ચા શરૂ કરી દીધી કે શું કામ આ લોકોને દીક્ષા આપો છો ? એમણે ધાર્મિક દલીલો કરી , ભાવનાત્મક રજૂઆતો કરી , દબાણ બનાવવાનો થોડો પ્રયત્ન પણ કર્યો . સૂરિભગવંતે હરિદાસભાઈને ખૂબ જ પ્રેમથી એક એક જવાબ આપીને સમજાવ્યા હતા કે દીક્ષા લેનાર વ્યક્તિનું પવિત્ર જીવન એમને પરમાત્માની ઝાંખી કરાવશે અને પરમાત્માની નજદીક લઈ જશે . ચુસ્ત વૈષ્ણવ એવા હરિદાસભાઈ કોઈ જૈન ગુરુથી પ્રભાવિત થાય એવા હતા નહીં પણ શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની વાતો સાંભળીને એમને લાગ્યું કે ‘ કોઈ આત્મા શુભ માર્ગે જવા ઉત્સુક હોય તો એને રોકાય નહીં . ‘ મન માનતું નહોતું છતાંય એમણે કાળજું કઠણ કરીને દીક્ષાનું મુહૂર્ત લેવામાં સહમતી આપી હતી .
પોષ સુદ તેરસે શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની દીક્ષા તિથિ હતી , એ દિવસે મુંબઈના સુનીલભાઈની દીક્ષા પણ થઈ હતી . છેલ્લે હરિદાસભાઈએ ‘ સુરેશભાઈ , અમિતકુમાર અને પ્રકાશકુમારની દીક્ષાનું મુહૂર્ત આપો ‘ એવી પ્રાર્થના કરી હતી . તારણહાર ગુરુ ભગવંતે દીક્ષા માટે વૈશાખ વદ એકમનો દિવસ આપ્યો . હરિદાસભાઈએ દિવસો સુધી સૂરિભગવંતનાં વ્યાખ્યાનો સાંભળ્યા હતા . એ પૂના ગયા ત્યારે આટલા આશ્વાસન લઈને ગયા હતા .
૧ . દીક્ષા પૂર્વે પુત્ર અને પૌત્રો ઘરે રહેવા આવશે . પરિવારને પૂરતો સમય આપશે .
૨ . દીક્ષા બાદ એમને મળી શકાશે , એમની સાથે સમય વીતાવી શકાશે , એમની સાથે વાર્તાલાપ થઈ શકશે .
૩ . દીક્ષા બાદ એ પૂના આવી શકશે , ઘેર પગલાં કરી શકશે , પરિવાર સાથે વાત્સલ્યનો સંબંધ રાખી શકશે .
૪ . દીક્ષા બાદ જેમ કડક નિયમો પાળવાના હોય છે તેમ એક સ્વાભાવિક જીવન પણ હોય છે . ત્રણેયને એક સુખી , સંતુષ્ટ અને સંતૃપ્ત જિંદગી મળશે .
૧૯ . દીક્ષાનું મુહૂર્ત નક્કી થયું
Previous Post
૧૮. પૂના અને અમદાવાદ
Next Post
Leave a Reply