Press ESC to close

૨૨ . સમાચારોમાં ન રહેનારા સાધુ

સંવેગકથા

દીક્ષાની સાથે જ પરભાવથી પરાઙ્મુખ રહેવાની  વૃત્તિને વધુમાં વધુ આત્મસાત્ કરતા ગયા  . એક પ્રતિભાશાળી વ્યક્તિ દીક્ષા લે છે તે પછી પ્રથમ ચરણમાં એમનો એક અભ્યાસ કાળ ચાલે છે , જેમાં એ ચરણ સિત્તરી અને કરણ સિત્તરીના દરેક પાઠ બરોબર શીખી લે છે તેમ જ ખાસ્સો બધો શાસ્ત્ર અભ્યાસ કરી લે છે .
બીજાં ચરણમાં એ ગુરુની આજ્ઞા પામીને જાહેર જીવનની જવાબદારી સ્વીકારે છે . આ તબક્કે એવું બનવા લાગે છે કે જે સમય પંચાચારની સાધનાને અપાતો હતો તેમાંનો અમુક સમય , જવાબદારીનાં નામે સંઘને અને ગૃહસ્થોને અપાતો થાય છે . ધીમે ધીમે નામના વધે છે .
ત્રીજાં ચરણમાં – અનુયાયીઓ અને પરિચિતો અને ભક્તો વધે છે , દૂરદૂર સુધી નામ ફેલાય છે . હજારો અથવા લાખો લોકોમાં નામ પ્રચાર પામે છે .
સામાન્ય જનમાનસ એવું થઈ ગયું છે જેને હજારો અથવા લાખો લોકો જાણે છે તે મોટા અને જબરદસ્ત મહાત્મા ગણાય છે . જેને ઓછા લોકો જાણે છે તેને મોટા અને જબરદસ્ત મહાત્મા ગણવામાં આવતા નથી . મુદ્દો એ નથી કે જાહેર જવાબદારી સ્વીકારવી જોઈએ કે નહીં  . મુદ્દો એ છે કે જે જાહેર જવાબદારી સ્વીકારતા નથી એમને માનસન્માન ઓછું મળે છે . આવું ખરેખર જોવા મળે છે . પરિણામ એ આવે છે કે જાહેર જવાબદારી સ્વીકારી લેવાનું વલણ બદ્ધા જ અપનાવી લે છે . પછી જેનામાં જેટલું સામર્થ્ય હોય છે એને એટલું માનસન્માન મળતું જાય છે . અમુક ગૃહસ્થોએ એવી ધારણા બનાવી મૂકી છે કે જેમની આગળપાછળ ઘણા ભક્તો ફરતા હોય , જે લોકોને પુષ્કળ સમય આપીને સૌને જોડતા હોય , જે વ્યાખ્યાન અને વાર્તાલાપમાં કુશળ હોય , જેમની નિશ્રામાં સતત કાર્યક્રમો ચાલુ હોય તેમનું પુણ્ય મોટું છે . જે ભક્તોને ભેગા કરવા પર અને ભક્તોને સાચવવા પર ધ્યાન ઓછું આપે છે , જે લોકોને ઓછો સમય આપે છે , જે વ્યાખ્યાન અને વાર્તાલાપમાં ઓછો રસ લે છે , જે કાર્યક્રમોથી પોતાની જાતને દૂર રાખે છે એમનું પુણ્ય મોટું નથી એવી ધારણા બાંધી લેવામાં આવે છે . જેમની પાસે ઘણી અવરજવર રહેતી હોય અને જેમની પાસે ઓછી અવરજવર રહેતી હોય એવા બે પ્રકારના મહાત્માઓ , પૂજ્યતાની કક્ષાએ એકસમાન હોય છે . આ બે પ્રકાર એ કેવળ બાળબુદ્ધિવાળા જીવોની નીપજ છે . આજની તારીખે અમુક મહાત્માઓ એવા પણ છે જે ધારે તો ભીડ ભેગી કરી શકે એમ છે પરંતુ એ ભીડથી દૂર રહેવા માંગે છે કેમકે એમને ખૂબબધો સ્વાધ્યાય કરવો છે . એમની પાસે ટેલેન્ટ છે , આઈડિયાઝ છે , લીડરશિપ , મેનેજમેન્ટ અને મોટીવેશનની સ્કીલ્સ છે પરંતુ એમને ગ્રંથોમાં નિમજ્જન કરવું છે , એમને શુભ અધ્યવસાયોની ધારામાં વહેવું છે , એમને આત્માનો આનંદ પામવો છે એટલે એ લોકસંપર્કથી દૂર ભાગે છે . આમની માટે એવું કહી જ ન શકાય કે એમનો પુણ્યોદય ઓછો છે . આવું જે કહે છે તે ગૃહસ્થ એ મહાન્ આત્માઓની વિરલ નિઃસ્પૃહતાનું અપમાન કરે છે .
ભક્તોની ભીડ , કાર્યક્રમોની હારમાળા , વિરાટ આયોજનો અને અન્ય જાહેર જવાબદારી જેમની સાથે જોડાય છે તેમના થકી જૈનશાસનની જહોજલાલી વધે છે અને એ રૂપે અદ્ભુત શાસનસેવા થાય છે . એની સોએસો ટકા અનુમોદના જ કરવાની હોય . વાત એ છે કે જેમણે પોતાની જાતને એકાંતમાં ખોવાડી દીધી છે એમની ઊંચાઈને આપણે સમજી શકતા નથી કેમકે આપણને ઝાકઝમાળવાળી ઘટના સમજાય છે પણ મૌનનું ઊંડાણ આપણી સમજમાં આવતું નથી . શાંતસુધારસમાં એ મહાત્માઓની ખાસ સ્તવના કરવામાં આવી છે જે એકાંતમાં વસીને ગહન ધર્મધ્યાનમાં નિમગ્ન રહે છે .
નૂતન દીક્ષિત પૂ.મુનિરાજ શ્રી સંવેગરતિવિજયજી મહારાજાએ લોકની ભીડથી દૂર રહેવાનો સંકલ્પ બનાવ્યો હતો . આ સંકલ્પને એમણે દીક્ષાજીવનનાં ૩૬ વરસસુધી અકબંધ પાળ્યો . પોતાની નિશ્રામાં ઉત્સવ થાય , મોટા કાર્યક્રમ યોજાય એનો એમને એકદમ સંકોચ રહેતો હતો . પરિણામે સંપૂર્ણ સંયમજીવન દરમ્યાન તેમણે શાસનપ્રભાવનાના સમાચારોની દુનિયાથી પોતાની જાતને દૂર રાખી . એ ધારત તો દરવરસે પચીસ કાર્યક્રમોના નિશ્રાદાતા બની રહેત અને સમાચારોમાં ચમકતા રહેત . તેઓ અત્યંત પ્રતિભાશાળી હતા છતાં એમણે સંપૂર્ણ સભાનતાપૂર્વક ચમકદમકથી દૂર રહેવાનું નક્કી કરી લીધું હતું . સમાચારોમાં ન રહેનારા સાચા સાધુ બનવાનું એમનું લક્ષ્ય હતું . ( ક્રમશઃ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *