Press ESC to close

૨૦. ત્રણ દીક્ષાર્થીઓ

સંવેગકથા

મુહૂર્ત નીકળ્યા બાદ થોડા દિવસે પૂના આવ્યા . નાનું ઘર અને મોટું ઘર ખુશીઓથી છલકાઈ ગયું . પણ સુરેશભાઈનું મન પૂનામાં લાગ્યું નહીં , એ બેય બાળકોને પૂના મૂકીને ફરીથી ગુરુ સાંનિધ્યે રહેવા માટે આવી ગયા , વિહારપૂર્વક પાલીતાણા અને આગળ હસ્તગિરિ પહોંચી ગયા . બે બાળકોનો વૈરાગ્યભાવ જો કાચો હશે તો એની પરખ થઈ જાય એવી કોઈ ધારણા હશે . બાળકોને જો પરિવાર દીક્ષા લેતાં રોકશે તો મારી દીક્ષા અટકશે નહીં એવી કોઈ માનસિકતા હશે .  પૂનામાં બાળકો – દાદા દાદી , કાકા કાકી , મમ્મી અને ભાઈબહેનો સાથે રહ્યા . મહેન્દ્રભાઈ મહેતાનાં ઘરે પણ રહેવાનું થયું . ઘેરઘેર વાયણા થયા . મમ્મીને ખૂબ હોંશ હતી એટલે વરસીદાનનો વરઘોડો નીકળ્યો જે રવિવાર પેઠના ઘરેથી ગોડીજી , ગોડીજીથી બુધવાર પેઠનાં ઘર પાસે થઈને શ્રી સુધર્મા સ્વામી જૈન સંઘનાં આંગણે ઉતર્યો હતો . શ્રીચંદ્રકીર્તિવિજયજી મ.એ નિશ્રા આપી હતી .
પૂના રહેવાનો થોડો સમય ઝડપથી પૂરો થઈ ગયો હતો . સૌ સ્વજનોનો અઢળક અઢળક પ્રેમ ખૂબ વરસ્યો હતો . દૂર હસ્તગિરિમાં બેસેલા સુરેશભાઈની છાયા એટલી પ્રભાવશાળી હતી કે બાળકોને પૂના રોકાઈ જવાનું મન ન થયું અને સ્વજનોએ એમને રોકી લેવાની કોશિશ પણ ન કરી .
મુકરર દિવસે સવારે , ૪૮૮ રવિવાર પેઠ પૂના – ૨ , આ સરનામે સુરેશભાઈનું જે ઘર હતું એના દરવાજે પૈસાનું ચિલ્લર ભરેલી બે વાટકી મૂકવામાં આવી . મમ્મીએ ચમચીભર દહીં ચખાડીને બાળદીક્ષાર્થીઓને વિદાયનું શુકન કરાવ્યું હતું . પછી બેય દીક્ષાર્થીઓએ પૈસાની વાટકીને લાત મારીને ઘરની બહાર પગ મૂકી દીધો હતો . હવે પાછા વળીને જોવાનું નહોતું .
ટ્રેનનો લાંબો પ્રવાસ કરી અમદાવાદ પહોંચ્યા . અમદાવાદથી બસ કરીને પાલીતાણા પહોંચ્યા અને ત્યાંથી આગળ બસ કરીને હસ્તગિરિ પહોંચ્યા . સુરેશભાઈએ બાળકોને આવકાર્યા . તારણહાર ગુરુભગવંતે બાળદીક્ષાર્થીઓને આવી ગયેલા જોઈ આત્મીય સંતોષ વ્યક્ત કર્યો . સુરેશભાઈ પૂનાથી એકલા પાછા આવેલા એને લીધે એવી શંકા ઊભી થઈ હતી કે કદાચ , બાળકો નહીં આવે . હવે એ શંકા દૂર થઈ ગઈ હતી .
શિયાળામાં ગુરુભક્ત સુરચંદભાઈ ઝવેરી પરિવારની સાથે ગુજરાત , રાજસ્થાનનાં ઘણાં તીર્થોની કરી હતી . સમેતશિખર તીર્થ માટે વ્યવસ્થા ઉપલબ્ધ હતી પરંતુ જવાઆવવાનો સમય બચ્યો નહોતો .
થોડા જ સમયમાં સૂરિભગવંતનો વિહાર થયો , હસ્તગિરિથી પાલીતાણા . પાલીતાણા પન્નારૂપા ધર્મશાળામાં સૂરિભગવંતનો એકસોથી વધુ સાધુઓના પરિવાર સાથે વાજતેગાજતે પ્રવેશ થયો . દીક્ષા પન્નારૂપા ધર્મશાળાનાં વિશાળ પ્રાંગણમાં થવાની છે અને એકી સાથે ૧૬ દીક્ષાઓ થવાની છે એવી જાહેરાતે પાલીતાણાની એક એક ધર્મશાળામાં આશ્ચર્ય અને અનુમોદનાની હવા બનાવી દીધી હતી .
સુરેશભાઈએ , બેય પુત્રો સાથે શત્રુંજય ગિરિરાજની યાત્રા કરી હતી . વૈશાખી ભીડ અને વૈશાખી ગરમી ભારે હતી એમાં જ દાદા સાથે એકાંત બનાવ્યું હતું અને દાદા પાસેથી શીતલતા મેળવી હતી . ઉત્તમ દેવ , ઉત્તમ ગુરુ અને ઉત્તમ ધર્મની ઉત્તમ આરાધના માટે પહેલાં વૈષ્ણવ ધર્મ છોડ્યો અને હવે સંસાર છોડી રહ્યા હતા . ભાવનગરથી સ્ટે ઑર્ડર આવે તો દીક્ષા અટકી શકતી હતી . મુંબઈનો મમતાળુ ખીરૈયા પરિવાર અને પૂનાના પ્રેમાળ સ્વજનો દીક્ષા રોકવાની છેલ્લી કોશિશ કરે એવી સંભાવના હતી જ . દીક્ષા અટકે નહીં , દીક્ષા પછી આત્મસાધના અટકે નહીં એવી પ્રભુને ભીની આંખે પ્રાર્થના કરી હતી . ત્રણ દીક્ષાર્થીઓ દુનિયાના નાથ સમક્ષ ગાતા રહ્યા : શેત્રુંજય ગઢના વાસી રે મુજરો માનજો રે , સેવકની સુણી વાતો રે દિલમાં ધારજો રે , + + + એક અરજ અમારી રે દિલમાં ધારજો રે , ચોરાસી લાખ ફેરા રે દૂર નિવારજો રે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *