Press ESC to close

ભૂલ થાય છે ત્યારે

ભૂલ થાય છે ત્યારે

તમે કામ કરો છો . તમે મહેનત કરો છો . ભૂલ થવાની સંભાવના છે જ . તમને બીજાની ભૂલ દેખાય છે તેમ બીજાને તમારી ભૂલ અવશ્ય દેખાશે . તમે બીજાને એની ભૂલ બતાવો છો તેમ બીજા તમને તમારી ભૂલ બતાવશે જ . તમે આ ખમી શકતા નથી . તમને કોઈ ભૂલ બતાવે છે તો તમે ગુસ્સો કરી બેસો છો . તમે ભૂલ બતાવનાર માણસને દુશ્મન માની લો છો . ભૂલ બતાવનારો તમને દબાવી રહ્યો છે તેવું માની લો છો . તમે પોતાની સલામતી માટે એ ભૂલ બતાવી રહેલા માણસ સાથે ઝઘડી બેસો છો . તમારી નજર તમારા હાથે થયેલી ભૂલ પર રહેતી નથી . તમારી નજર સામા માણસ પર રહે છે . તમે એ માણસને એની ભૂલ બતાવીને ઉતારી પાડો છો . તમે એ માણસને ખરાબ ચીતરો છો .

તમે વિચારો કે એ માણસે તમને તમારી ભૂલ બતાવી તેમાં ખોટું શું છે ? તમે ભૂલ કરી છે માટે જ તે ભૂલ બતાવે છે . તમે ભૂલ કરી જ ના હોય તો એ ભૂલ બતાવવા આવે જ નહીં . તમારા હાથે કોઈ ગડબડ થઈ છે . તમને એનો ખ્યાલ રહ્યો નથી . તમે સાહજિક રીતે એ કામ કર્યું છે . એમાં કશીક ભૂલ થઈ છે તેવું તમારા ધ્યાનમાં નથી માટે તમને તમારું કામ સારું લાગે છે . તમને તમારી ભૂલ બીજાની પાસેથી જાણવા મળે છે તો તમે અકળાઈ ઉઠો છો . તમે એ ભૂલ કરવા માંગતા નહોતા . કદાચ , તમે જે કર્યું તેને તમે ભૂલ માનતા ન હતા . હવે તમારી સમક્ષ કડવી વાત આવી . તમને કહેવામાં આવ્યું કે આ ભૂલ થાય છે . તમે આ આક્ષેપને ખોટા અર્થમાં પકડી લીધો . તમે સમજવા તૈયાર નથી . તમારી સમક્ષ થયેલી રજૂઆતમાંથી તમે ઝગડો શરૂ કરી દો છો . જરા અટકો . વિચારો .
ભૂલ બતાવનારો તમને અપમાનિત કરવા માંગે છે ? તમને જે ભૂલ બતાવે છે તે માણસ તમારો દુશ્મન છે ? ભૂલ બતાવીને તે તમને બદનામ કરવા માંગે છે ? એવું કશું નથી . તમે જે ભૂલ કરી તે ફરી ન થાય માટે તે તમને સમજાવી રહ્યો છે . તમારે વિચારવું જોઈએ તે તમે વિચારતા નથી . તમે વિચારો કે તમને જે ભૂલ બતાવવામાં આવી છે તે ભૂલ સાચી છે ? તમે જે ભૂલ કરી છે તે જ તમને બતાવી હોય તો પછી આગળ વિચારો . તમે આ ભૂલ જાણ બહાર કરી છે કે જાણી જોઈને કરી છે ? જો આ ભૂલની તમને ખબર નથી તો તમારે ખુશ થવું જોઈએ . તમે જે જાણતા નહોતા તે જ તમને જાણવા મળ્યું છે . ભૂલ બતાવનારે તો તમારી પર મોટો ઉપકાર કર્યો છે . તમે ભૂલ કરી તે એણે બતાવી ન હોત તો તમે ખરેખર ફસાઈ જવાના હતા . તમારી ભૂલ તમને નુકસાન કરી જાય છે તે તો સમજો . ભૂલ બતાવનારે તમને નુકસાન થવાનું છે તેનાથી તમને બચાવ્યા છે . તમારો આ સાચો મિત્ર છે . ગુજરાતીમાં એક કવિતા છે :
મિત્ર સાચી વાત કહી શકતા નથી .
કોઈ દુશ્મન , કોઈ વૈરી જોઈએ . 

તમે સાચી જાણકારી મેળવી તે સારી ઘટના છે . ભૂલ બતાવનારે તમારી બાજી બગડતી અટકાવી છે . ભૂલ બતાવે તે તમારું અજ્ઞાન દૂર કરે છે . તમે તેની પર ખીજાશો નહીં . બીજી વાત પણ છે . તમે ભૂલ કરી તે તમે જાણી જોઈને કરી હોય તો તમે ગુનેગાર છો . તમારી પાસે ભૂલ કરવાનું વ્યાજબી કારણ હોય તો વાત જુદી છે . બાકી ખોટાં કારણે તમે ભૂલ કરવાનું પસંદ કર્યું છે . તમારી ભૂલ પકડાઈ ગઈ છે . તમે એ ભૂલ ખાતર ઝઘડો કરો છો તે ખોટું છે .

ભૂલ કરનારે પોતાની ભૂલનો બચાવ કરવો ના જોઈએ . ભૂલ કરો અને એ ભૂલનો સ્વીકાર ના કરો તે સજ્જનતા નથી . ભૂલ કર્યા પછી એ ભૂલ સુધારવાની હોય . તમારે તમારા હાથે આ ભૂલ સુધારી લેવી જોઈએ . ભૂલથી બચવાનું હતું . એ ના બન્યું . બીજાની પાસેથી ભૂલની જાણ થઈ . હવે તો સુધારી લો . ભૂલ સુધારશો નહીં તો કાયમ હેરાન થશો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *