Press ESC to close

ભગવાનમાં સોનું દેખાય એ આસક્તિ : સોનામાં ભગવાન્ દેખાય એ ભક્તિ

તમને જ્યારે કોઈ દેરાસરમાં સોનાની મૂર્તિ છે એવી ખબર પડે છે ત્યારે એ મૂર્તિ માટે વિશેષ લાગણી થતી હોય છે . કોઈક સંઘનાં દેરાસરમાં , કોઈક ઘરમંદિરમાં અને કોઈક તીર્થમાં સોનાના ભગવાન્ બિરાજમાન હોય છે જ . જે ભગવાન્ સોનાના છે એ ભગવાન્ વિશેષ છે એવા ભાવ બનવા માંડે છે . ભગવાનની મૂર્તિ કોઈપણ દ્રવ્યથી બની હોય , મૂર્તિ એ મૂર્તિ છે . ભગવાન્ એ ભગવાન્ છે . મૂર્તિ સોનાની હોય એટલે વિશેષ ભાવ શાને કારણે આવે છે ? એમાં સ્પષ્ટ થવું જરૂરી છે .

ભગવાનની મૂર્તિમાં જે ભગવત્ તત્ત્વ છે એ હીરામોતી અને ચાંદીસોનાથી માપી શકાય એવું નથી . એ અપરિસીમ છે . સિદ્ધ ભગવાન્ અશરીર છે .‌ એ અવસ્થા એવી છે કે વિશ્વનું મોંઘામાં મોંઘું દ્રવ્ય પણ એની સામે અત્યંત તુચ્છ લાગે .‌ ભગવાનની મૂર્તિમાં આપણને મોક્ષ અવસ્થા દેખાવી જોઈએ . મોક્ષ અવસ્થાને કોઈપણ દ્રવ્ય દ્વારા દર્શાવવી સંભવિત નથી .‌ મોક્ષ અવસ્થા એ દ્રવ્યાતીત અવસ્થા છે .  મૂર્તિ સોનાની હોય કે ચાંદીની હોય , રત્નની હોય કે સ્ફટિકની હોય , સફેદ પાષાણની હોય કે શ્યામ પાષાણની હોય , એ મૂર્તિ જે જે ભગવાનની હોય છે તે સર્વ ભગવાનની સિદ્ધ અવસ્થા એક સમાન જ હોય છે . મૂર્તિનું દ્રવ્ય બદલાય એટલા માત્રથી મૂર્તિમાં વસેલા ભગવાનની સિદ્ધ અવસ્થા બદલાતી નથી . મૂર્તિનાં દર્શન કરવા દ્વારા સિદ્ધ અવસ્થાનું સ્મરણ કરવાનું છે . મૂર્તિનાં દર્શન કરવા દ્વારા અરિહંત અવસ્થાનું સ્મરણ પણ કરી શકાય છે . પરમાત્માની સુવર્ણમૂર્તિને જોઈને પરમાત્મા માટે વિશેષ પ્રકારનો ભક્તિભાવ જાગતો હોય ત્યારે પોતાની જાતને પૂછી લેવાનું કે આ ભગવાન્ માટેનો ભક્તિભાવ છે કે સોના માટેનો આદરભાવ છે ? ભગવાનમાં સોનું દેખાય એ આસક્તિ છે . 

આનો અર્થ એ નથી કે સોનાની મૂર્તિ બનાવાય જ નહીં . સોનાની મૂર્તિ તૈયાર હોય એવી પરિસ્થિતિમાં મૂર્તિ દ્વારા પરમાત્માને યાદ કરવાની બદલે મૂર્તિ દ્વારા સોના માટેનો મુગ્ધભાવ જાગૃત કરીએ એ ભૂલ છે . પરંતુ સોનું એકલું સોનું હોય એવી પરિસ્થિતિમાં સોનું જોઈને વિચાર આવે કે જો હું સોનાના દાગીના બનાવીશ કે સોનાનાં વાસણ બનાવીશ તો મારો પરિગ્રહ જ વધવાનો છે , મારો સંસારનો પ્રેમ જ પુષ્ટ થવાનો છે . એને બદલે જો હું સોનામાંથી ભગવાનની મૂર્તિ બનાવું  , તો મારું સોનું મારો પરિગ્રહ ના રહે બલ્કે મારું સોનું મારા પ્રભુ બની જાય . આ ભાવનામાં સો ટકાની સચ્ચાઈ છે . સોનામાં ભગવાન્ દેખાય એ ભક્તિ છે .

સોનું સાંસારિક ઉપકરણ બને એનાથી પરિગ્રહ ભાવના પોષાય છે . સોનું ભગવાનની મૂર્તિ બને છે એનાથી ભક્તિભાવના પોષાય છે . સોનાના દાગીના જોઈશું અને રાજી થઈશું એનાથી ચીકણાં કર્મો બંધાશે . સોનાના ભગવાન્ જોઈશું અને રાજી થઈશું એનાથી જૂનાં કર્મો કપાશે . 

મુદ્દો સમજી લો .  મૂર્તિ શેનાથી બની છે અગત્યનું નથી . શ્રી અંતરીક્ષ દાદાની મૂર્તિ રેતી અને છાણમાંથી બની છે . મૂર્તિને જોઈને જે રેતી અને છાણનો વિચાર કરશે એ ભગવાનને પામી નહીં શકે . શ્રી અંતરીક્ષ દાદાની મૂર્તિને જોઈને ફક્ત ભગવાનનો જ વિચાર આવે છે . મૂર્તિ શેનાથી બનાવી છે એ અગત્યનું નથી . મૂર્તિ કોની બનાવી છે એ મહત્ત્વનું જોઈએ . સોનાના ભગવાનને જોઈને સોનાનો વિચાર ન કરવો જોઈએ પરંતુ એમ વિચારવું જોઈએ કે જેમની મૂર્તિ  સોનાથી પણ બને છે એ ભગવાન કેટલા મહાન્ હશે ? ભગવાનનું ઐશ્વર્ય યાદ કરવું હોય એમાં સોનાની મૂર્તિ સહાયક બની શકે . ભગવાનની સર્વોત્કૃષ્ટ ભક્તિ કરવાનો આદર્શ સોનાની મૂર્તિ જોઈને શીખવા મળે . સોનાની મૂર્તિનાં દર્શન કર્યા બાદ પ્રેરણા એ લેવાની છે કે મારી પાસે જેટલું સોનું છે એમાંથી હું પણ ભગવાન્ માટે કંઈક તો બનાવીશ જ . મારાં ઘરે એક સોનાની વાટકી હશે જેનો ઉપયોગ ફક્ત ભગવાનની પૂજા માટે થતો હશે . મારાં ઘરે એક સોનાનો કળશ છે , એનો ઉપયોગ ફક્ત ભગવાનની ભક્તિ માટે થતો હશે . મારા ઘરે સોનાની એક નાનકડી થાળી હશે જેમાં ભગવાન માટેના ફૂલો મૂકાશે . આ થાળી કે કળશ કે વાટકી ઘરે જ રહેશે એટલે મારું સોનુ મારી પાસે રહ્યું એમ ગણાશે . પરંતુ એ ભગવાન્ માટે બનેલાં હશે એટલે મારું સોનું ભગવાનનું બની ગયું એમ પણ ગણાશે .

સોનું સલામતી માંગે છે .  સલામતી માટે જે વ્યવસ્થાઓ ગોઠવાય છે એ વ્યવસ્થાઓને કારણે સોનાના ભગવાન્ સ્પેશિયલ ભગવાન છે એવું માનસ બને છે .  એ પછી જે ભગવાન સોનાના નથી એ સ્પેશિયલ ભગવાન્ નથી એવું માનસ બને છે . આ બંને માનસ સાવ ખોટા છે . દરેક ભગવાન્ એક સરખા છે . કોઈ ભગવાન્ સ્પેશિયલ હોતા નથી . અલબત્ત , મુખ્ય ભગવાન્ જો હોય તો એ ફક્ત અને ફક્ત મૂળનાયક ભગવાન્ છે . આ ક્યારે પણ ભૂલવાનું નહીં . દેરાસરમાં  સોનાના ભગવાન્ જુદા હોય અને મૂળનાયક ભગવાન્ જુદા હોય તો બેમાંથી મુખ્ય તો મૂળનાયક જ ગણાય . આ નિયમ હંમેશા યાદ રાખવાનો . મૂળનાયક કરતાં વધારે મહત્ત્વ સોનાના ભગવાનને આપીએ એ આપણી માનસિક ભૂલ છે . કોઈપણ પ્રભુભક્તે આવી ભૂલ કરવાની નથી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *