જીવનમાં એક તબક્કો એવો આવી જાય છે જ્યારે નવું શીખવાનું બંધ થઈ જાય છે . ન તો નવું વાંચવાનું જરૂરી લાગે છે , ન તો નવું નવું સાંભળવા સમજવાનું ગમે છે . જે શીખી લીધું છે તે ઘણું છે એવો ભાવ બન્યો રહે છે . એમ થતું હોય છે કે હવે નવું શીખીને શું કરવું છે ? જેટલું આવડે છે એનાથી ચાલે જ છે અને આગળ પણ ચાલી જશે .
મુનિશ્રી સંવેગરતિવિજયજી મ. એ દીક્ષાજીવનના પ્રથમ દિવસથી માંડીને જીવનના અંતિમ દિવસ સુધીના સમયને નવું નવું શીખતા રહેવાનો અવસર બનાવ્યો હતો . હવે નવું ભણીને શું કરવું છે ? આ વૃત્તિ એમનામાં ક્યારેય આવી નહીં . એમણે અઘરી જ્ઞાનસાધનાને જીવનનો મહત્તમ સમય આપ્યો હતો . એ કહેતા : ‘ મનને નવરું રહેવા ન દેવાય . મન માંકડાની જાત છે . એને દોરીએ બાંધી ન રાખો તો એ કૂદાકૂદ કરતું રહેશે . હું નવું શીખીશ તો મારામાં નવો શુભ અધ્યવસાય જાગશે . એ શુભ અધ્યવસાય મારા આત્માને મોક્ષ સુધી લઈ જશે . મને ગોખવાનું વધારે ફાવતું નથી . એકલું ગોખણિયું જ્ઞાન મને મંજૂર નથી . મને નવું નવું સમજવામાં આનંદ મળે છે . જે મારાં મનને સારા વિચારોમાં બાંધી રાખે તે મારું સમ્યગ્ જ્ઞાન . ‘
૧ .
ધર્મસંગ્રહ ગ્રંથ સાથે એમનું સૌ પ્રથમ જોડાણ થયેલું . આખા ગ્રંથના પદાર્થો એમને અક્ષરશઃ યાદ હતા , આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ કરનાર પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજાના પણ એ પ્રેમી . આ સૂરિભગવંતનાં સમ્યગ્દર્શન વિષયક વ્યાખ્યાનો સાંભળવા વહેલી સવારે દૂર સુધી જાય , અમદાવાદની આ વાત છે . ચાર પ્રકરણ , ત્રણ ભાષ્યના દરેક પદાર્થો ઊંડાણપૂર્વક જાણે . આઠ કર્મોની મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિ સાથે ગુણસ્થાનકની વિવિધ વિચારણાઓ કર્મગ્રંથોમાં થયેલી છે તેનો અભ્યાસ લંબાણથી કર્યો હતો . શ્રી વિશ્વકીર્તિવિજયજી મ. તેમ જ પૂ.આ.શ્રીમદ્વિજય નરવાહનસૂરીશ્વરજી મ. પાસેથી આ જ્ઞાન મેળવેલું . પૂ.પંન્યાસ શ્રી મણિરત્નવિજયજી મ. પાસે ઓઘનિર્યુક્તિ અને પંચવસ્તુનો અભ્યાસ કર્યો હતો . પૂ.આ.શ્રીમદ્વિજય અજિતશેખરસૂરીશ્વરજી મ. પાસે પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર ભણ્યા . રાજુભાઈ પંડિત પાસે વાચક જસ કૃત દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ભણ્યા . એ આ ગ્રંથને બત્રીસી કહેતા . સૌથી વધુ ગમતો ગ્રંથ બત્રીસી . ઉપદેશપદ , ઉપદેશમાલા , ઉપદેશરહસ્ય જેવા ગ્રંથો સાથે મનને ખૂબ જોડ્યું હતું . લલિતવિસ્તરા અને પરમતેજ , પ્રવચનસારોદ્ધાર અને લોકપ્રકાશ , સવાસો – દોઢસો – સાડા ત્રણસો ગાથાનાં સ્તવન , ષોડશક અને પંચાશક , યોગબિંદુ અને ધર્મબિંદુ . શ્રાદ્ધવિધિ અને દ્રવ્ય સપ્તતિકા . કેટલાં નામ લખવા ? લિસ્ટ હજી પણ લાંબું જ થતું જશે એટલાં નામ બાકી છે . જે ગ્રંથ ભણી લીધો એની નોંધ હોય જ , નોટ્સ તૈયાર કરી જ હોય .
૨ .
શાસન અને સમુદાયમાં જેટલા મતભેદો છે એ દરેકની ઉપર એમનું રિસર્ચવર્ક ચાલતું . કયો પક્ષ શું કામ સાચો છે અને શું કામ ખોટો છે , એની નોંધ લખતા . તે તે પક્ષનો મત સમજી લેતા . પછી એનું ખંડન વિગતવાર સમજતા . બેય પક્ષ , કેટલા શાસ્ત્રપાઠ ટાંકે છે તે જોવું જરૂરી સમજતા . પ્રતિપક્ષે શાસ્ત્રપાઠની કંઈ પંક્તિનો ખોટો અર્થ કર્યો છે તેનું વિશ્લેષણ કરતા . આટલું થયા બાદ પોતાની કુશાગ્ર બુદ્ધિ પ્રમાણે મૂળ પક્ષને સમર્થિત કરનારી થોડીક દલીલો એ લઈ આવતા . એમણે લગભગ બધા મતભેદો પર નોંધ બનાવી હતી . જેની સાથે જે મતભેદની વાત નીકળતી એને તેઓ એ મતભેદ સંબંધી એટલીબધી વિગતો આપી દેતા સાંભળનારો અવાચક થઈ જતો . અમુક પ્રવૃત્તિ થઈ હોય અને એનો વિરોધ ન થયો હોય ત્યારે એ ટિપ્પણી કરતા કે આનો વિરોધ થવાનો છે . પછી એવું ખરેખર જોવા મળતું કે એ પ્રવૃત્તિનો વિરોધ થતો જ .
૩ .
ઘણાય પ્રશ્નોને કાયદાની દૃષ્ટિએ જોવાનું જરૂરી હોય છે . બંધારણની અને ન્યાયપ્રણાલિકાને અનુરૂપ સચોટ દૃષ્ટિકોણ તુરંત શોધી આપવામાં તેઓ માહિર હતા . કોર્ટકચેરી અને કાયદાકાનૂનની વાતો સમજવી કે સમજાવવી સહેલી હોતી નથી . ધાર્મિકક્ષેત્રે આવતા વિધવિધ પ્રશ્નોમાં એમનું કાયદાકીય માર્ગદર્શન ટકોરાબંધ સાચું પુરવાર થતું . એક મોટું સંમેલન થયેલું અને એના ઠરાવ બધાને જ માનવા પડે એવી પરિસ્થિતિ ઊભી થવાની હતી . એ વખતે એમણે એક રસ્તો સૂચવેલો એ મુજબ કામ થયું . પરિણામ એ આવ્યું કે એ ઠરાવોને જે માનવા ઈચ્છતા હોય તે માનવા માટે સ્વતંત્ર રહ્યા અને જે માનવા ન ઈચ્છતા હોય તે ન માનવા માટે પણ સ્વતંત્ર રહ્યા .
ઘણોબધો અભ્યાસ કર્યો અને છતાં ધરાયા નહીં . વધુ ને વધુ અભ્યાસમાં પોતાની જાતને ડૂબાડેલી રાખી . લોકોની વચ્ચે ચમકવા માટે જે જે કરવાનું હોય એ બધું ટાળીને અગાધ દરિયામાં ખેલતા જ રહ્યા . ( ક્રમશઃ )
૨૪ . જેટલો લાંબો દીક્ષા પર્યાય એટલો જ લાંબો અભ્યાસ કાળ
Previous Post
૨૩ . ગુરુવચનોનો પ્રેમ
Next Post
Leave a Reply