Press ESC to close

છાંયડો રે છાંયડો

છાંયડો

તમારાં  માથે તડકો પડે છે . અસહ્ય ઉકળાટ છે . પગ દાઝી રહ્યા છે . તમે દૂર એક ઝાડને જોયું . તમે ઝડપથી એ ઝાડ નીચે પહોંચી ગયા . તમને છાંયડો મળે છે . તમે હાશકારો અનુભવો છો . છાંયડો સ્વતંત્ર નથી . છાંયડો તડકાની પાછળ પાછળ આવે છે . તડકો આગ જેવો છે . છાંયડો બાગ જેવો છે . તડકા સાથે આવનારો છાંયડો તડકાથી તદ્દન વિપરીત છે . તડકો સોનેરી છે . છાંયડો કાળો ઘટ્ટ છે . તડકો ભડભડતો હોય છે . છાંયડો શીતળ હોય છે .
તમે છાંયડાને જોઈને વિચારજો . તમે તડકા જેવા કે છાંયડા જેવા ? તડકો અજવાળું આપે છે તે સારું પાસું . ઉજાસ આપવાના અભિમાનમાં તડકો આકરો બની જાય છે તે ઉધારપાસું . છાંયડો આકરો નથી . છાંયડો અંધારું નથી . છાંયડામાં બેસીને નિર્દોષ કોયલ મીઠો ટહુકો કરે છે . છાંયડે ખાટલો ઢાળીને આરામ કરવાનો રિવાજ જુના જમાનામાં હતો . તમારે છાંયડો બનવાનું છે . તમે પરિવાર સાથે બેસો છો . છાંયડો બનવું હોય તો તમારે બે કામ કરવાના રહેશે . બચાવી લો અને બચાવ કરો .
ઘરનું માણસ ભૂલ કરતું હશે . તમે તે જોઈ શકશો . તમે તેને કહી નહીં શકો તો એ ફસાઈ જશે . તમે એને કહો તે પહેલાં એના હાથે ભૂલ થઈ જ ગઈ . તે ખાડામાં પડી ગયો . તમે વડીલ છો . તમે એની પાસે જજો . એને ઠપકો નથી આપવાનો . એની પાસે બેસજો . એને હિંમત આપજો . ભૂલનું કડવું પરિણામ એના માથે વાગ્યું જ છે . તમે એને એમ કહેશો કે અમે તો પહેલેથી કહેતા હતા , તો એને નવો જખમ લાગશે . તમારે એનાં દુઃખમાં વધારો નથી કરવાનો . એની ભૂલની તમારે સજા કરવાની નથી . તમારે એનાં દુઃખમાં સહાનુભૂતિ પૂરી પાડવાની છે . તમે એની સાથે વાત કરશો તેમાં કોઈ જ ફરિયાદ નહીં હોય . તમારી વાતમાં કેવળ સધિયારો હશે . એ પડી ગયો છે . એને પગે વાગ્યું છે . એ ચાલવાને બદલે દોડ્યો માટે પડ્યો છે . તેની ભૂલ છે . પણ હવે એ પટકાયો છે તો એને નવી લાત મારવાની ના હોય . હવે એને સાચવી લો . એ તમારો પ્રેમ જોઈને આપોઆપ પોતાની ભૂલને સમજશે .
બીજી વાત . એની ભૂલ બદલ એને કોઈ ઠપકો આપવા આવે તો તમે એનો બચાવ કરજો . તમારે એની ભૂલનો બચાવ નથી કરવાનો . તમારે પેલા ઠપકા આપનારાને રોકવાનો છે . ઠપકો મળે તો એનું દુઃખ વધશે અને એ ભૂલમાંથી બહાર આવવાને બદલે ભૂલની તરફેણ કરશે . તમારી વાત કેવળ એટલી જ છે કે તમારે એને ભૂલમાંથી બચાવવો છે માટે તમે એને વિશેષ પ્રેમ , વિશેષ લાગણી આપો છો . કોઈને ઠપકો આપતા રોકજો . એને ભૂલમાં જે તકલીફ પડી છે તેમાં સાચવી લેજો . ત્યારબાદ એની સાથે પ્રેમાળ વાતો કરજો . એને આ ભૂલ ફરીવાર ન કરવાની ભલામણ કરજો . એ ભૂલ કરે છે માટે તેની સાથે ઝગડો થાય છે તેવું વાતાવરણ ના બનાવશો . 

 

તમે ભૂલ કરનારી ઘરની વ્યક્તિને સાચવી લેજો .  એને ભૂલને લીધે પડેલી તકલીફમાંથી બચાવી લેજો . એને ભૂલમાંથી બહાર લાવવા પ્રેરણા આપજો . એને એને બીજા કોઈનો ઠપકો ન મળે તેવી રીતે બચાવજો . આ પ્રેમ તેને ભૂલમાંથી ઉગારી લેશે . મોટો વડલો જ છાંયડો આપી શકે છે . વડીલની જ આ જવાબદારી છે . વડીલ અને જવાબદાર વ્યક્તિ છાંયડો પાથરે તો લાભ જ લાભ છે .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *