Press ESC to close

કલ્પસૂત્રની વાચનાઓ – ૨

કલ્પસૂત્ર

પ્રવચનકાર : પૂ.આ.શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ( સંકલન by દેવર્ધિ )

સાધુસાધ્વીના દશ નિયમ 

સાધુસાધ્વીના આચારને કલ્પ કહેવાય છે . સાધુ સાધ્વી માટેના નિયમો ઘણા કડક છે . દશ નિયમ મુખ્ય છે તેને કલ્પ કહેવાય છે .

૧ . आचेलक्य कल्प
સાધુસાધ્વીએ વસ્ત્રનો શોખ રાખવાનો નથી . વસ્ત્ર સાદા હોવા જોઈએ . વસ્ત્રનો રંગ સફેદ હોવો જોઈએ . નવાનવા વસ્ત્રો પહેરવાનો અભરખો સાધુસાધ્વીને હોતો નથી અને એવો અભરખો સાધુસાધ્વીને હોવો પણ ન જોઈએ .
૨ . औद्देशिक कल्प
સાધુસાધ્વીએ આહાર-પાણી-ઔષધ-વસ્ત્ર આદિ સામગ્રી ગૃહસ્થ પાસેથી લેવાની છે . એ લેતી વખતે સાધુસાધ્વીએ એ જ લેવાનું છે જે સાધુસાધ્વીને ઉદ્દેશીને બનાવેલું કે ખરીદેલું ન હોય . આરોગ્યને કારણે અપવાદસેવન કરવું પડે તે વાત અલગ છે . બાકી ખાવા પીવાના શોખ સાધુસાધ્વીએ રાખવાના નથી .
૩ . शय्यातर कल्प
સાધુસાધ્વી જે ગૃહસ્થની વસ્તીમાં રાત્રિનિવાસ કરે છે તેનાં ઘરના ગોચરીપાણી બીજા દિવસે લઈ શકતા નથી . વસ્તીના માલિકને શય્યાતર કહેવાય છે . રાત્રિનિવાસના બીજા દિવસે એમનાં ઘરના આહારપાણીને શય્યાતર પિંડ ગણવામાં આવે છે . સાધુસાધ્વીને શય્યાતર પિંડ કલ્પે નહીં .
૪ . राजपिंड कल्प
રાજા મહારાજાઓ સાધુ સાધ્વી પાસે આવે એની ના નથી પણ સાધુ સાધ્વીએ રાજા મહારાજાઓનાં ઘરની ગોચરી લેવાની નથી .
૫ . कृतिकर्म कल्प
વંદન વહેવાર સાધુસાધ્વીઓમાં બહુ ઊંચો હોય છે . પોતાના દરેક વડીલોને રોજેરોજ વંદન કરવા જોઈએ . સૌથી મોટા આચાર્યને દ્વાદશાવર્ત વંદન કરવા જોઈએ . સાધ્વીને સાધુ વંદન ન કરે . દીક્ષામાં જે સાધ્વી મોટા હોય તે પણ નાના પર્યાયવાળા મહાત્માઓને અવશ્ય વંદન કરે .
૬ . महाव्रत कल्प
સાધુસાધ્વીઓ પોતે ગ્રહણ કરેલા મહાવ્રતોનું શુદ્ધ પાલન કરવાનું છે . સંઘ સાધુસાધ્વીઓને શું કામ વંદન કરે છે ? મહાવ્રતનાં કારણે . સાધુસાધ્વીઓએ ગૃહસ્થનાં વંદન લેતી વખતે પોતાને પૂછવાનું છે કે હું આ વંદન લેવાને લાયક છું કે નહીં ? મહાવ્રતોમાં ભૂલ ન થવી જોઈએ અને ભૂલ થતી હોય તો કાળજીપૂર્વક સુધારી લેવી જોઈએ .
૭ . ज्येष्ठ कल्प
સાધુસાધ્વીઓએ સમુદાયમાં દીક્ષા થાય ત્યારે નાનામોટાનો વહેવાર સાચવવો જોઈએ . પિતા – પુત્ર , મા – દીકરી , શેઠ – નોકર , શિક્ષક – વિદ્યાર્થી જેવી જોડીઓ સાથે દીક્ષા લે તે પછી જે મોટા હતા તે જ મોટા રહે અને જે નાના હતા તે જ નાના રહે એવી વ્યવસ્થા રાખવી જોઈએ .
૮ . प्रतिक्रमण कल्प
સાધુ સાધ્વીએ ઉભયકાળ પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ , પાક્ષિક , ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ પણ કરવું જ જોઈએ .
૯ . मास कल्प
સાધુસાધ્વીએ ચાર મહિનામાં વિહાર ન કરવો જોઈએ સાધુસાધ્વીએ શેષકાળમાં વિહાર કરતા રહેવું જોઈએ . સામાન્ય રૂપથી શેષકાળમાં માસકલ્પની મર્યાદાનું કરવું જોઈએ . આજે માસકલ્પની મર્યાદાનું પાલન થોડું ઓછું થાય છે પરંતુ શેષકાળમાં વિહાર કરતા રહેવાની વિધિનું પાલન થતું જોવા મળે છે .
૧૦ . पर्युषणा कल्प
આમતેમ ફરવાનું ટાળીને એક જ જગ્યાએ સ્થિરતા બનાવવી તેને પર્યુષણા કહેવાય છે . સંવત્સરી પ્રતિક્રમણના દિવસથી સિત્તેર દિવસ સુધી , કારતક સુદ પૂનમ સુધી એક જ સ્થાને રહેવું તે જઘન્ય પર્યુષણા છે . આષાઢ ચોમાસીથી કાર્તિકી ચોમાસી સુધી એક જ જગ્યાએ રહેવું તે ઉત્કૃષ્ટ પર્યુષણા છે . ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટ છ મહિનાની સ્થિરતા કરી શકાય છે . આ નિયતકાલીન સ્થિરતાને પર્યુષણા કહેવાય છે .
———-
પ્રથમ જિન અને અંતિમ જિનનાં શાસનમાં દશેય કલ્પનું પાલન ફરજીયાત રૂપે કરવાનું છે . બાવીશ જિનના શાસનમાં आचेलक्य कल्प + औद्देशिक कल्प + राजपिंड कल्प + प्रतिक्रमण कल्प + मास कल्प + पर्युषणा कल्पનું પાલન મરજીયાત છે અને शय्यातर कल्प + महाव्रत कल्प + कृतिकर्म कल्प + ज्येष्ठ कल्पનું પાલન ફરજીયાત છે .

( કર્ટ્સી : prabhavak.com )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *